હોમપેજદેશઅમેરિકાનો ભારત પર 25% ટેરિફનો પ્રસ્તાવ: 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'થી...

અમેરિકાનો ભારત પર 25% ટેરિફનો પ્રસ્તાવ: ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’થી કેમ અકળાય રહ્યું છે વૉશિંગ્ટન

આત્મનિર્ભર ભારતનો અર્થ ભારતને ઉત્પાદન અને નિકાસનું શક્તિશાળી કેન્દ્ર બનાવવાનો છે. અમેરિકાને ભય છે કે ભારત તેનાથી વધુ શક્તિશાળી ન બની જાય.

- Advertisement -

અમેરિકા વર્ષોથી પોતાના ઉદ્યોગોને બચાવવા માટે ટેરિફથી લઈને સબસિડી સુધીની નીતિઓ અપનાવતું આવ્યું છે, પરંતુ હવે ભારત પોતાની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારી રહ્યું છે તો વૉશિંગ્ટનને તેમાં ‘સમસ્યા’ દેખાઈ રહી છે. અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવે (USTR) ભારતની ઔદ્યોગિક નીતિઓને નિશાન બનાવીને 25 ટકા સુધીના ટેરિફની દરખાસ્ત કરી છે. જો ભારત સાથે એવો દ્વિપક્ષીય વેપાર કરાર થાય જે અમેરિકાની ચિંતાઓને સંતોષે તો આ દર 17 ટકા રાખવાની પણ વાત કરવામાં આવી છે.

મુદ્દો માત્ર ટેરિફનો નથી. અમેરિકાની પોતાની તપાસમાં ભારતની ‘મેક ઇન ઇન્ડિયા’, ‘પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI)’ અને ‘આત્મનિર્ભર’ જેવી નીતિઓનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. USTRના મતે ભારતની આ નીતિઓ મેન્યુફેક્ચરિંગ અને નિકાસને પ્રોત્સાહન આપે છે અને તેના કારણે અમેરિકન ઉત્પાદકો માટે ભારતમાં જ નહીં, પરંતુ ત્રીજા દેશોના બજારોમાં પણ સ્પર્ધા વધે છે.

અહીંથી આખી વાત સામે આવે છે. ભારત હવે માત્ર અમેરિકન અને પશ્ચિમી કંપનીઓ માટે મોટું બજાર બનીને રહેવા માગતું નથી. ભારત પોતે ઉત્પાદન કરવા માગે છે, પોતાની સપ્લાય ચેઇન ઊભી કરવા માગે છે, વૈશ્વિક બજારમાં ભારતીય બનાવટની વસ્તુઓ પહોંચાડવા માગે છે અને મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં આયાત પરની નિર્ભરતા ઘટાડવા માગે છે. અમેરિકાની તાજેતરની કાર્યવાહી બતાવે છે કે ભારતની આ દિશા હવે માત્ર દિલ્હીની નીતિ નથી રહી, તેની અસર વૉશિંગ્ટન સુધી અનુભવાઈ રહી છે.

- Advertisement -

રસપ્રદ વાત એ છે કે અમેરિકાએ પોતાની કાર્યવાહી માટે જે ભાષા વાપરી છે તેમાં ભારતની ‘મેન્યુફેક્ચરિંગ વધારવા માટેની ઔદ્યોગિક યોજનાઓ’ને જ ‘અયોગ્ય કૃત્યો, નીતિઓ અને વ્યવહારો’માં ગણાવવામાં આવી છે. એટલે કે ભારત વધુ ઉત્પાદન કરે, પોતાની કંપનીઓને પ્રોત્સાહન આપે અને વૈશ્વિક બજારમાં વધુ મજબૂત બને, તે જ બાબત હવે અમેરિકાના વેપારી હિતોની દૃષ્ટિએ પ્રશ્ન બની રહી છે!

આ વિવાદમાં સૌથી મહત્વની બાબત એ પણ છે કે અમેરિકાએ ભારતના જે ક્ષેત્રોને નિશાન બનાવ્યાં છે, તે જ ક્ષેત્રોમાં ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં જબરદસ્ત પ્રગતિ કરી છે. સ્ટીલ, સોલર પેનલ, દવાઓ, મેડિકલ ડિવાઇસ અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી જેવાં ક્ષેત્રોમાં ભારત હવે ઝડપથી ઉત્પાદન વધારી રહ્યું છે, નિકાસ કરી રહ્યું છે અને દુનિયાના બજારોમાં પોતાની મજબૂત જગ્યા બનાવી રહ્યું છે.

મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતથી અમેરિકા કેમ ગભરાયું

અમેરિકાની તપાસમાં ભારતની ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ જેવી યોજનાઓનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ભારત સરકાર ઉત્પાદન વધારવા માટે વિવિધ યોજનાઓ, નાણાકીય મદદ, સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન અને વેપાર નીતિઓ અપનાવે છે. અમેરિકાનો દાવો છે કે તેનાથી અમેરિકાની કંપનીઓને નુકસાન થાય છે!

વાસ્તવમાં ભારત માટે આ યોજનાઓનો હેતુ તદ્દન સ્પષ્ટ અને રાષ્ટ્રહિતનો છે. ભારત પોતાના દેશમાં ઉત્પાદન વધારવા, વિદેશી વસ્તુઓ પરની નિર્ભરતા ઘટાડવા, રોજગારી ઊભી કરવા અને સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવવા માગે છે. દાયકાઓ સુધી ભારતને વિદેશી માલ ખરીદનાર બજાર તરીકે જ જોવામાં આવતું હતું. હવે સરકાર ઇચ્છે છે કે દેશમાં જ વસ્તુઓ બને, ભારતીય કંપનીઓ આગળ વધે અને વિદેશી કંપનીઓ પણ ભારતમાં કારખાનાં સ્થાપે.

આ નીતિના કારણે ભારત હવે માત્ર વિદેશી માલનું મોટું બજાર રહેવાને બદલે ઉત્પાદન અને નિકાસનું મજબૂત કેન્દ્ર બની રહ્યું છે. ભારત આત્મનિર્ભર બને અને પોતાની શક્તિ વધારે, તે અમેરિકાને પચી નથી રહ્યું. અમેરિકાની તપાસમાં આ નીતિઓને નુકસાનકારક ગણાવવી એ ભારતના આર્થિક સ્વાવલંબન સામેનો સ્પષ્ટ વિરોધ જ છે.  

સ્ટીલ ક્ષેત્રમાં ભારતની હરણફાળ અને અમેરિકાની અકળામણ

ભારતના સ્ટીલ ક્ષેત્રની પ્રગતિ આ આખા વિવાદને સમજવા માટે મોટું ઉદાહરણ છે. વર્ષ 2014-15માં ભારતનું ક્રૂડ સ્ટીલ ઉત્પાદન લગભગ 81.7 મિલિયન ટન હતું. વર્ષ 2025-26માં તે વધીને લગભગ 170 મિલિયન ટન સુધી પહોંચ્યું છે. એટલે કે એક દાયકામાં ભારતનું સ્ટીલ ઉત્પાદન બમણાથી પણ વધુ થયું છે અને ભારત વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ બન્યો છે.

આ પ્રગતિ પાછળ દેશમાં ચાલી રહેલાં વિકાસનાં કામો છે. રસ્તા, રેલવે, બંદરો, મકાનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવા ઉદ્યોગો ઊભા થતાં સ્ટીલની જરૂરિયાત વધી છે. ભારત હવે માત્ર સ્ટીલ આયાત કરતો દેશ નથી, પરંતુ પોતાની જરૂરિયાતો પૂરી કરવાની સાથે વૈશ્વિક બજારમાં મહત્વપૂર્ણ ઉત્પાદક દેશ પણ બન્યો છે.

ભારતીય સ્ટીલ કંપનીઓની તાકાત વધી રહી છે અને તેઓ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સ્પર્ધા કરી શકે છે. અમેરિકાની તપાસમાં સ્ટીલ ક્ષેત્રનો ખાસ ઉલ્લેખ થયો છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ભારતની વધતી ઉત્પાદન ક્ષમતાથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે.

સોલર પેનલ ક્ષેત્રમાં 43 ગણો વધારો: ઊર્જા સ્વતંત્રતાથી અમેરિકાને ચિંતા

આ ઉપરાંત સોલર પેનલના ક્ષેત્રમાં પણ ભારતે છેલ્લા દસ વર્ષમાં મોટી હરણફાળ ભરી છે. વર્ષ 2014માં ભારતમાં સોલર મોડ્યુલ બનાવવાની ક્ષમતા માત્ર 2.3 GW હતી. ઑગસ્ટ 2025માં આ ક્ષમતા વધીને 100 GW થઈ ગઈ છે. એટલે કે એક દાયકામાં સોલર મોડ્યુલ ઉત્પાદન ક્ષમતામાં 43 ગણાથી વધુ વધારો થયો છે.

સોલર સેલ ઉત્પાદન ક્ષમતા પણ વધીને માર્ચ 2025 સુધીમાં 25 GW થઈ હતી. આ સિવાય સ્થાનિક સોલર ઉત્પાદન વધારવા માટે સરકારે PLI યોજનાના બે તબક્કામાં ₹24,000 કરોડની ફાળવણી કરી છે અને 48 GWની ઇન્ટિગ્રેટેડ સોલર ઉત્પાદન ક્ષમતાને મંજૂરી આપી છે. ભારતનો હેતુ માત્ર સોલર પેનલ લગાવવાનો નથી, પરંતુ પેનલ, સેલ અને તેના મહત્વપૂર્ણ ભાગો પણ દેશમાં જ બનાવવાનો છે.

આ પગલું ઊર્જા સુરક્ષા અને આત્મનિર્ભરતા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે ભારત સોલર ઊર્જાનો ઉપયોગ વધારી રહ્યું છે અને ભવિષ્યમાં વિદેશી સપ્લાય પરની નિર્ભરતા ઘટાડવા માગે છે. અમેરિકાની તપાસમાં સોલર ક્ષેત્રનો ઉલ્લેખ થયો છે. ભારત ઊર્જા ક્ષેત્રે સ્વાવલંબી બને અને વિદેશી નિર્ભરતામાંથી બહાર આવે, તે અમેરિકાને ખૂંચે છે અને તેથી જ તે વૈશ્વિક સ્પર્ધાના નામે વાંધો ઉઠાવી રહ્યું છે.

ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ભારતની વૈશ્વિક ધાક

આ ઉપરાંત દવાઓના ક્ષેત્રમાં ભારતની સ્થિતિ પણ અત્યંત મજબૂત છે. જથ્થાની દૃષ્ટિએ ભારત દવાઓના ઉત્પાદનમાં વિશ્વમાં ત્રીજા ક્રમે છે અને દુનિયામાં વપરાતી જેનરિક દવાઓના લગભગ 20 ટકા પુરવઠામાં ફાળો આપે છે. ભારતીય દવાઓ 191 દેશોમાં નિકાસ થાય છે. આ સિવાય કોરોના સમયે પણ ભારતે પોતાની જાતે સ્વદેશી વેક્સિન વિકસાવી લીધી હતી.

વધુમાં જોઈએ તો વર્ષ 2024-25માં ભારતની દવાઓની નિકાસ 30.5 અબજ ડૉલર હતી. આમાંથી લગભગ 50 ટકા નિકાસ અમેરિકા અને યુરોપ જેવા કડક નિયમો ધરાવતા બજારોમાં થાય છે. ભારતીય કંપનીઓએ સસ્તી જેનરિક દવાઓ બનાવવામાં અને દુનિયાભરમાં પહોંચાડવામાં પોતાની મજબૂત ઓળખ ઊભી કરી છે.

ભારતીય કંપનીઓ સસ્તી દવાઓ બનાવવાની સાથે સાથે મોટાપાયે ઉત્પાદન, ગુણવત્તા નિયંત્રણ, સંશોધન અને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ ઉત્પાદન કરવાની ક્ષમતા પણ વધારી રહી છે. અમેરિકાના બજારમાં ભારતીય કંપનીઓની મજબૂત હાજરી દર્શાવે છે કે ભારત વૈશ્વિક સપ્લાય ચેઇનનો મહત્વપૂર્ણ ભાગ બની ચૂક્યું છે. ભારતની આ વધતી વૈશ્વિક તાકાત અને સ્પર્ધાત્મકતાથી અમેરિકાને ભય લાગે છે કે ભારત બજારમાં પ્રભુત્વ જમાવી લેશે.

મેડિકલ ડિવાઇસ ક્ષેત્રમાં વધતી નિકાસ અને આત્મનિર્ભરતા

આ સિવાય મેડિકલ ડિવાઇસ એટલે કે તબીબી સાધનોના ક્ષેત્રમાં પણ ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. એક સમયે અનેક પ્રકારનાં તબીબી સાધનો માટે ભારત વિદેશી સપ્લાયરો પર નિર્ભર હતું. હવે સરકાર સ્થાનિક ઉત્પાદન વધારવા, નવી ટેક્નોલોજી વિકસાવવા, રોકાણ લાવવા અને નિકાસ વધારવા પર ધ્યાન આપી રહી છે.

ભારતની મેડિકલ ડિવાઇસ નિકાસ વર્ષ 2020-21માં 2.5 અબજ ડૉલર હતી, જે વર્ષ 2024-25માં વધીને 4.1 અબજ ડૉલર થઈ છે. આ સાધનો 187 દેશોમાં મોકલવામાં આવ્યાં હતાં. હાઈ-ટેક સાધનો, સંશોધન અને ચોકસાઈવાળા તબીબી સાધનોમાં હજી વધુ વિકાસની જરૂર છે, પરંતુ નિકાસમાં થયેલો વધારો બતાવે છે કે આ ક્ષેત્રમાં ભારતની હાજરી મજબૂત થઈ રહી છે.

ભારતીય કંપનીઓ વિદેશી બજારોમાં પણ પોતાની જગ્યા બનાવી રહી છે. આથી અમેરિકાની તપાસમાં મેડિકલ ડિવાઇસનો ઉલ્લેખ થવો એ ભારતની વધતી ક્ષમતા સામે અમેરિકાની અકળામણ દર્શાવે છે.

IT અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં ભારતનો ઉદય

આગળ જોઈએ તો ભારત ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર, મોબાઇલ ફોન, ટેલિકોમ સાધનો, ઇલેક્ટ્રોનિક ભાગો અને સેમિકન્ડક્ટર ઉત્પાદન તરફ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. વર્ષ 2014-15માં ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનું ઉત્પાદન લગભગ ₹1.9 લાખ કરોડ હતું, જે વર્ષ 2025-26માં વધીને ₹13.11 લાખ કરોડ થયું છે. એટલે કે લગભગ સાત ગણો વધારો થયો છે. ઇલેક્ટ્રોનિક્સની નિકાસ ₹38,000 કરોડથી વધીને ₹4.24 લાખ કરોડ થઈ છે, જે લગભગ 11 ગણો વધારો છે.

મોબાઇલ ફોનનું ઉત્પાદન ₹18,000 કરોડથી વધીને ₹6.27 લાખ કરોડ થયું છે, જ્યારે મોબાઇલ ફોનની નિકાસ ₹1,500 કરોડથી વધીને ₹2.59 લાખ કરોડ સુધી પહોંચી છે. ભારત હવે વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો મોબાઇલ ફોન ઉત્પાદક દેશ છે અને દેશમાં વપરાતા 99.2 ટકા મોબાઇલ ફોન ભારતમાં જ બને છે. આ આંકડા બતાવે છે કે ભારત હવે માત્ર મોબાઇલ ખરીદતું બજાર નથી રહ્યું, પરંતુ વૈશ્વિક ઉત્પાદનનું કેન્દ્ર બની રહ્યું છે.

એસેમ્બલીથી આગળ વધીને સેમિકન્ડક્ટર અને ઘટકો તરફની કૂચ

ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની આ પ્રગતિમાં ‘મેક ઇન ઇન્ડિયા’, PLI અને અન્ય સરકારી યોજનાઓનો મોટો ફાળો છે. મોટાપાયે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ યોજનામાં મંજૂર કંપનીઓએ જૂન 2026 સુધી ₹20,580 કરોડનું રોકાણ કર્યું હતું, જે શરૂઆતના ₹7,000 કરોડના લક્ષ્ય કરતાં લગભગ ત્રણ ગણું હતું. આ યોજનામાં કુલ ₹11.61 લાખ કરોડથી વધુ ઉત્પાદન થયું અને 1.69 લાખથી વધુ સીધી રોજગારી ઊભી થઈ.

IT હાર્ડવેર ક્ષેત્રે પણ સ્થાનિક ઉત્પાદન વધારવા માટે યોજનાઓ ચાલી રહી છે. ભારત હવે માત્ર તૈયાર મોબાઇલ ફોન જોડવા પૂરતું સીમિત નથી રહેવા માગતું, પરંતુ ઇલેક્ટ્રોનિક ભાગો, ચિપ્સ, સેમિકન્ડક્ટર, બેટરી અને અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ પણ દેશમાં જ બનાવવા માગે છે.

સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભારતે શરૂઆતમાં ₹76,000 કરોડની યોજના લાવી હતી અને જુલાઈ 2026માં સેમિકોન 2.0 માટે ₹1,27,500 કરોડની નવી ફાળવણી મંજૂર કરી હતી. જુલાઈ 2026 સુધી સેમિકન્ડક્ટર કાર્યક્રમ હેઠળ 12 ઉત્પાદન એકમોને મંજૂરી મળી હતી, જેમાં ₹1.64 લાખ કરોડથી વધુનું રોકાણ સામેલ હતું. તેમાં ચિપ ઉત્પાદન, સિલિકોન કાર્બાઇડ ફેબ, ડિસ્પ્લે અને ચિપ પેકેજિંગ એકમો સામેલ છે. કેટલાક પ્રોજેક્ટ્સ હજી વિકાસ અને સ્થાપનાના તબક્કામાં છે, પરંતુ ભારતનો હેતુ સ્પષ્ટ છે કે મહત્વપૂર્ણ ઘટકોનું ઉત્પાદન પણ દેશમાં જ થાય. ભારત સેમિકન્ડક્ટર જેવા વ્યૂહાત્મક ક્ષેત્રમાં આગળ વધે તે અમેરિકાને પોતાના વર્ચસ્વ સામે પડકાર લાગે છે.

PLI યોજનાઓના વાસ્તવિક પરિણામો અને રોજગારી

ઉત્પાદન ક્ષમતા વધારવા માટે સરકાર દ્વારા ‘મેક ઇન ઇન્ડિયા’, ‘આત્મનિર્ભર ભારત’ અને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટીવ (PLI) યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. PLI યોજના હેઠળ કંપનીઓને ભારતમાં ઉત્પાદન વધારવા અને નક્કી કરેલા લક્ષ્યો પૂરા કરવા પર પ્રોત્સાહન મળે છે.

આ યોજનાઓનો ઉદ્દેશ કંપનીઓને ભારતમાં કારખાનાં સ્થાપવા, રોકાણ કરવા, સ્થાનિક સપ્લાય ચેઇન બનાવવા અને નિકાસ વધારવા માટે પ્રેરિત કરવાનો છે. જૂન 2026 સુધી વિવિધ PLI યોજનાઓ હેઠળ ₹2.58 લાખ કરોડથી વધુનું વાસ્તવિક રોકાણ થયું હતું.

આ યોજનાઓ હેઠળ ₹23.79 લાખ કરોડથી વધુ ઉત્પાદન અને વેચાણ નોંધાયું હતું અને ₹15.53 લાખ કરોડની નિકાસને વેગ મળ્યો હતો. આનાથી 14.57 લાખથી વધુ સીધી અને પરોક્ષ રોજગારી ઊભી થઈ હતી. આ આંકડા બતાવે છે કે ભારતની યોજનાઓ સફળ થઈ રહી છે અને દેશમાં ઉત્પાદન, રોકાણ, નિકાસ તથા રોજગારી વધી રહ્યા છે. ભારતની આ સફળતાથી અમેરિકાને બળતરા છે કે ભારત ઝડપથી આર્થિક રીતે મજબૂત થઈ રહ્યું છે.

અમેરિકાનું બેવડું વલણ: પોતાને છૂટ અને ભારતને વાંધો

આ વિવાદમાં અમેરિકાનો બેવડો માપદંડ સ્પષ્ટ દેખાય છે. અમેરિકા પોતે પોતાના ઉદ્યોગોને મજબૂત કરવા માટે સરકારી રોકાણ, સબસિડી, ટેરિફ અને ઔદ્યોગિક નીતિઓનો ઉપયોગ કરે છે. ખાસ કરીને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં અમેરિકાએ CHIPS એન્ડ સાયન્સ એક્ટ હેઠળ લગભગ 50 અબજ ડૉલરની મદદની વ્યવસ્થા કરી હતી.

તેનો હેતુ અમેરિકામાં ચિપ ઉત્પાદન વધારવો, વિદેશી સપ્લાય ચેઇન પરની નિર્ભરતા ઘટાડવી અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવાનો હતો. અમેરિકા પોતાના હિત માટે આ બધું કરે ત્યારે તેને રાષ્ટ્રીય સુરક્ષા અને વિકાસ ગણાવે છે.

ભારત પણ સોલર, ઇલેક્ટ્રોનિક્સ, સ્ટીલ, દવાઓ અને અન્ય ક્ષેત્રોમાં ઉત્પાદન વધારવા માટે સરકારી યોજનાઓનો ઉપયોગ કરે છે. બંને દેશોના હેતુમાં સ્થાનિક ઉત્પાદન, રોજગારી, ટેક્નોલોજી અને સપ્લાય ચેઇન મજબૂત કરવાની વાત છે. છતાં અમેરિકાની તપાસમાં ભારતની આવી નીતિઓને ખોટી અને નુકસાનકારક ગણાવે છે! આ જ બતાવે છે કે અમેરિકાને ભારતની વધતી તાકાતથી તકલીફ થાય છે અને તે ભારતને પોતાનાથી વધુ શક્તિશાળી બનતા રોકવા માગે છે.

અમેરિકાના પાંચ વાંધા અને ભારતની સ્વાવલંબી રણનીતિ

અમેરિકાની તપાસમાં ભારત સામે પાંચ મુખ્ય મુદ્દા ઉઠાવાયા છે. તેમાં ઉત્પાદન વધારવાની ઔદ્યોગિક યોજનાઓ, શ્રમિકોના રક્ષણ માટે પૂરતા નિયમો ન હોવાનો કથિત આરોપ, નાણાકીય નીતિઓ, બજારમાં પ્રવેશના અવરોધો અને વૈશ્વિક વધારાની ઉત્પાદન ક્ષમતા સામે પગલાં ન લેવાનો મુદ્દો સામેલ છે. અમેરિકાનો દાવો છે કે તેનાથી અમેરિકન કંપનીઓને નુકસાન થાય છે.

હકીકતમાં ભારત માટે ઔદ્યોગિક યોજનાઓ પોતાના ઉદ્યોગોને ઊભા કરવા અને મજબૂત કરવા માટે છે. ભારત લાંબા સમય સુધી ઘણી વસ્તુઓ માટે વિદેશી માલ પર નિર્ભર રહ્યું હતું. મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક્સ, સોલર પેનલ, તબીબી સાધનો અને ઔદ્યોગિક મશીનરીમાં સ્થાનિક ઉત્પાદન વધવાથી આયાતનો ખર્ચ ઘટે છે, રોજગારી મળે છે અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની ભૂમિકા વધે છે.

તેથી ‘આત્મનિર્ભર ભારત’ એ ભારતની આર્થિક શક્તિ વધારવાની રણનીતિ છે. અમેરિકાને ભય છે કે ભારત આત્મનિર્ભર બનશે તો તેની અમેરિકા પરની નિર્ભરતા ઘટશે અને ભારત વૈશ્વિક સ્તરે વધુ શક્તિશાળી બનશે.

ટેરિફનું દબાણ અને ભારતનો અડગ નિર્ધાર

અમેરિકાની 25 ટકા ટેરિફ દરખાસ્ત અને વેપાર કરાર થાય તો 17 ટકા ટેરિફની શક્યતા એ ભારતની વધતી તાકાત સામે અમેરિકાનું દબાણ છે. અમેરિકાના બજારમાં માલ મોકલતા ભારતીય ઉત્પાદકો માટે ટેરિફ વધે તો કિંમત વધી શકે છે અને સ્પર્ધા પર અસર પડી શકે છે.

પરંતુ આ દબાણ સામે ઝૂકીને ભારતે પોતાની ઔદ્યોગિક નીતિઓના હેતુને છોડ્યો નથી. સ્ટીલ, સોલર, ફાર્મા, મેડિકલ ડિવાઇસ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની પ્રગતિ સાબિત કરે છે કે ભારત પાસે આગળ વધવાની પૂરી તાકાત છે. હવે ભારતે સંશોધન, ગુણવત્તા, ટેક્નોલોજી, સ્થાનિક ભાગોનું ઉત્પાદન અને વૈશ્વિક બજારોમાં પહોંચ વધુ મજબૂત કરવી પડશે.

વેપાર કરાર થાય તો નિકાસકારોને રાહત મળી શકે છે, પરંતુ કરારના નામે દેશના વિકાસ અને આત્મનિર્ભરતાને રોકવી ન જોઈએ. દાયકાઓ સુધી પોતાના ઉદ્યોગોને સુરક્ષા આપનાર અમેરિકા હવે ભારત પોતાની તાકાત વધારી રહ્યું છે ત્યારે ઇનસિક્યુરિટીના કારણે વાંધો ઉઠાવી રહ્યું છે.

સ્ટીલમાં બીજું સ્થાન, સોલર મોડ્યુલમાં 100 GW ક્ષમતા, દવાઓની 30.5 અબજ ડૉલરની નિકાસ, મેડિકલ ડિવાઇસની 4.1 અબજ ડૉલરની નિકાસ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં સાત ગણાથી વધુ વધારો એ ભારતની વધતી શક્તિનો પુરાવો છે. આત્મનિર્ભર ભારતનો અર્થ ભારતને ઉત્પાદન અને નિકાસનું શક્તિશાળી કેન્દ્ર બનાવવાનો છે. અમેરિકાને ભય છે કે ભારત તેનાથી વધુ શક્તિશાળી ન બની જાય.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં