Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆતંકવાદી યાકુબ મેમણની કબર બની ગઈ ‘મજાર’: ફરતે એલઈડી લાઇટ્સ અને ટાઇલ્સ...

    આતંકવાદી યાકુબ મેમણની કબર બની ગઈ ‘મજાર’: ફરતે એલઈડી લાઇટ્સ અને ટાઇલ્સ લગાવાઈ, ઉદ્ધવ સરકાર પર આરોપ

    મુંબઈ બ્લાસ્ટ કેસમાં ફાંસીની સજા પામેલા આતંકવાદી યાકુબ મેમણની કબર પર લાઇટિંગ કરીને તેને મજારમાં ફેરવવામાં આવી રહી હોવાના આરોપ લાગ્યા.

    - Advertisement -

    મુંબઈ બ્લાસ્ટના ગુનેગાર આતંકવાદી યાકુબ મેમણને 2015માં ફાંસી આપવામાં આવી હતી. જે બાદ તેને મુંબઈમાં ઇસ્લામિક પરંપરા અનુસાર દફનાવવામાં આવ્યો હતો. પરંતુ હવે મેમણની કબર મજારમાં ફેરવી નાંખવામાં આવી હોવાના આરોપ લાગ્યા છે. તેની ઉપર ટાઇલ્સ અમે માર્બલ લગાવીને સજાવવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ કૃત્યનો આરોપ ઉદ્ધવ ઠાકરે સરકાર પર લગાવ્યો છે. 

    મહારાષ્ટ્રના ભાજપ નેતા અને ધારાસભ્ય રામ કદમે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા ત્યારે પાકિસ્તાનના ઈશારે 1993ના મુંબઈ બ્લાસ્ટ કરનારા આતંકવાદી યાકુબ મેમણની કબરને મઝારમાં ફેરવી નાંખવામાં આવી હતી. શું આ જ તેમનો મુંબઈ પ્રત્યેનો પ્રેમ છે? દેશભક્તિ છે? તેમણે શરદ પવાર અને રાહુલ ગાંધી તેમજ ઉદ્ધવ ઠાકરેને મુંબઈના લોકોની માફી માંગવા માટે કહ્યું હતું. 

    ભાજપ નેતાએ ટ્વિટ કરીને આ કબરની તસ્વીરો પણ વાયરલ કરી હતી. તસ્વીરોમાં જોવા મળે છે કે, યાકુબ મેમણની કબર પર ફૂલ ચડાવવામાં આવ્યાં છે અને ચારેતરફ બાઉન્ડ્રી બનાવવામાં આવી છે. 

    - Advertisement -

    તસ્વીરો વાયરલ થયા બાદ અને ફરિયાદ થયા બાદ મુંબઈ પોલીસે કાર્યવાહી કરીને કબર પરથી એલઈડી લાઈટ હટાવી દીધી હતી. પોલીસે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર યાકુબની કબર પર માર્બલ ટાઇલ્સ અને એલઈડી લાઈટ લગાવવામાં આવી હોવાના વિડીયો વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

    પોલીસ અનુસાર, બાબા કબ્રસ્તાન ખાતે યાકુબ મેમણ અને તેના પરિવારના 14 સભ્યોની કબર આવેલી છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે આ એલઈડી લાઇટ ગત માર્ચ મહિનામાં લગાવવામાં આવી હતી. 

    પોલીસે જણાવ્યું કે, આ મામલે પ્રશાસનનો સંપર્ક કરવામાં આવતાં જાણવા મળ્યું હતું કે, કબરની ફરતે આવેલ માર્બલ્સ ત્રણ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યા હતા અને હેલોજન અને એલઈડી લાઈટ માર્ચ મહિનામાં લગાવવામાં આવી હતી. 

    મુંબઈમાં 12 માર્ચ, 1993ના દિવસે થયેલા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટમાં કુલ 257 લોકો માર્યા ગયા હતા અને 700થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. યાકુબ મેમણ આ બ્લાસ્ટના પ્લાનિંગમાં સામેલ હતો. સીબીઆઈએ રજૂ કરેલી ચાર્જશીટ અનુસાર, યાકુબ મેમણ દાઉદ ઇબ્રાહિમ અને ટાઇગર મેમણના આતંકવાદી સંગઠનના નાણાકીય વ્યવહારોનું કામ જોતો હતો. 

    યાકુબ મેમણની ધરપકડ 1994માં કરી લેવામાં આવી હતી. તેની સામે કેસ ચાલ્યા બાદ 2013માં સુપ્રીમ કોર્ટે તેને ગુનેગાર ઠેરવ્યો હતો અને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. વર્ષ 2015માં તેને નાગપુર જેલમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો હતો. 

    યાકુબ મેમણની કબર પર લાઇટિંગ અને માર્બલ ટાઇલ્સ લાગતાં હવે ફરી તે ચર્ચામાં આવ્યો છે અને ભાજપે આ માટે ઉદ્ધવ સરકાર પર આરોપ લગાવ્યો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં