
ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલી ભરતીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે યુનિવર્સિટી પ્રશાસને મોટી કાર્યવાહી કરી છે. તપાસ સમિતિના પ્રાથમિક અહેવાલના આધારે પૂર્વ કુલપતિના કાર્યકાળમાં ભરતી થયેલા 10 અધિકારી-કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર તપાસ સમિતિનો અંતિમ અહેવાલ આવ્યા બાદ જો ગેરરીતિઓની પુષ્ટિ થશે તો સંબંધિત કર્મચારીઓની સેવાઓ સમાપ્ત (ટર્મિનેટ) કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ સમગ્ર વિવાદ પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલી કેટલીક ઉચ્ચ હોદ્દાની ભરતી અને ઊંચા પગારની નિમણૂકોને લઈને શરૂ થયો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે (ABVP) આક્ષેપ કર્યો હતો કે ભરતી પ્રક્રિયામાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું અને કેટલીક નિમણૂકોના કારણે યુનિવર્સિટીને અંદાજે ₹11 કરોડનું આર્થિક નુકસાન થયું છે.
ABVPએ ખાસ કરીને ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ કાઉન્સિલ (GUSEC) સહિતના વિભાગોમાં થયેલી નિમણૂકો સામે વાંધો ઉઠાવ્યો હતો. સંગઠનનો દાવો હતો કે કેટલીક જગ્યાઓ પર અસામાન્ય રીતે ઊંચા પગાર નક્કી કરવામાં આવ્યા હતા, જેના કારણે યુનિવર્સિટી પર વધારાનો નાણાકીય બોજ પડ્યો હતો. ABVPના જણાવ્યા મુજબ માત્ર ચાર અધિકારીઓના પગારખર્ચમાં જ વાર્ષિક આશરે ₹29 લાખથી વધીને લગભગ ₹1 કરોડ સુધીનો વધારો થયો હતો.
વિવાદ બાદ ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિએ સમગ્ર મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી. સમિતિને ભરતી પ્રક્રિયા, લાયકાત, પગાર માળખું અને નિયમોના પાલનની તપાસ સોંપવામાં આવી હતી. હવે સમિતિના પ્રાથમિક અહેવાલના આધારે યુનિવર્સિટીએ 10 અધિકારી-કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.
યુનિવર્સિટી પ્રશાસને જણાવ્યું છે કે હાલની કાર્યવાહી પ્રાથમિક તપાસના આધારે કરવામાં આવી છે. સમિતિનો અંતિમ અહેવાલ આવ્યા બાદ જો ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ કે નિયમભંગની પુષ્ટિ થશે તો સંબંધિત અધિકારી-કર્મચારીઓની સેવાઓ સમાપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નોંધનીય છે કે પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળની ભરતી પ્રક્રિયા અગાઉ પણ વિવાદમાં આવી હતી. NSUIએ પણ કેટલાક હોદ્દાઓ માટે ભરતીના નિયમોમાં ફેરફાર કરીને ચોક્કસ ઉમેદવારોને લાભ પહોંચાડવાનો આક્ષેપ કર્યો હતો. જોકે તે સમયે યુનિવર્સિટી પ્રશાસને તમામ આરોપો નકારીને ભરતી નિયમો અને પ્રક્રિયા મુજબ જ થઈ હોવાનું જણાવ્યું હતું.
હવે તપાસ સમિતિના અંતિમ અહેવાલ પર સૌની નજર છે. આ અહેવાલના આધારે ભરતી પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ થઈ હતી કે નહીં અને સંબંધિત અધિકારી-કર્મચારીઓ સામે આગળ શું કાર્યવાહી થશે તે નક્કી થશે.

