સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયાના કલાકોમાં જ જંતર-મંતર પર હોબાળો: અભિજીત દીપકે પર મહિલા દ્વારા શાહી ફેંકાઈ

શનિવારે, 18 જુલાઈના રોજ દિલ્હીના જંતર-મંતર ખાતે એક નવો હોબાળો જોવા મળ્યો હતો. અહીં કોકરોચ જનતા પાર્ટીનો (CJP) સ્થાપક અભિજીત દીપકે જ્યારે કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યો હતો, ત્યારે એક મહિલાએ તેના પર શાહી ફેંકી દીધી હતી.

આ ઘટના દિલ્હી પોલીસ દ્વારા સોનમ વાંગચુકને સ્વાસ્થ્યની ચિંતાના કારણે સફદરજંગ હોસ્પિટલમાં ખસેડાયાના ગણતરીના કલાકો બાદ જ બની હતી. શાહી ફેંકવાના કારણે ત્યાં એકત્રિત થયેલા લોકો સ્ટેજ તરફ દોડી આવ્યા હતા, જેના લીધે કાર્યક્રમમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.

આ ઘટનાના એક વિડીયોમાં જોઈ શકાય છે કે અભિજીત દીપકેનો ભાઈ, સંદીપ દીપકે, તે મહિલા શાહી ફેંકે તે પહેલાં તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ ઘટના બન્યાના તરત જ સ્ટેજ પરથી જાહેરાત કરવામાં આવી કે અભિજીત દીપકે પર શાહી ફેંકવામાં આવી છે, જેનાથી ત્યાં હજાર લોકોમાં ભારે હોબાળો મચી ગયો હતો.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને તેમણે શાહી ફેંકનાર મહિલાની અટકાયત કરી લીધી હતી. જોકે તે મહિલા કોણ છે અને તેણે આવું કેમ કર્યું તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે આગળની તપાસ ચાલી રહી છે.

નોંધનીય છે કે સોનમ વાંગચુકની 20 દિવસની અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ દરમિયાન તબિયત લથડતાં દિલ્હી પોલીસે શનિવારે (18 જુલાઈ) તેમને જંતર-મંતરથી સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ ઘટના શાહી ફેંકવાના હંગામાના ગણતરીના કલાકો પહેલાં જ બની હતી.

પોલીસની આ કાર્યવાહી દિલ્હી હાઇકોર્ટના આદેશ મુજબ કરવામાં આવી હતી. કોર્ટે વાંગચુકના સ્વાસ્થ્ય પર રોજ નજર રાખવા અને જો તબિયત વધુ બગડે તો જરૂરી તબીબી સારવાર પૂરી પાડવાનો વહીવટીતંત્રને કડક આદેશ આપ્યો હતો.