
પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન ભારતીય રેલવેના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય લખવા જઈ રહ્યો છે. સુરતના અત્યંત વ્યસ્ત ગણાતા ઉધના રેલવે સ્ટેશન ખાતે દેશનો પહેલો સ્ટીલ આર્ચ ટેકનોલોજી આધારિત રોડ અંડરપાસ (પેડેસ્ટ્રિયન સબવે) બનાવવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ ભારતીય રેલવેની આધુનિક વિચારસરણી અને એન્જિનિયરિંગ કૌશલ્યનું એક અદભુત ઉદાહરણ પૂરું પાડે છે.
આ પ્રોજેક્ટની સૌથી મોટી અને મુખ્ય ખાસિયત એ છે કે પરંપરાગત બાંધકામ પદ્ધતિઓમાં જે કામ પૂરું કરવામાં મહિનાઓનો સમય લાગતો હતો, તે કામ રેલવે તંત્ર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની કંપની લાર્સન એન્ડ ટુબ્રોની (L&T) ટીમે માત્ર 6 કલાકના શોર્ટ ટ્રાફિક બ્લોકમાં જ પૂર્ણ કરી દીધું છે. આ એક રેકોર્ડબ્રેક કામગીરી છે, જેણે રેલવે કન્સ્ટ્રક્શનના ક્ષેત્રમાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે.
વાસ્તવમાં આ કોઈ સામાન્ય કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ નથી, પરંતુ ભારતીય રેલવે મંત્રાલય અને L&T વચ્ચેના સંયુક્ત સંશોધનનું (R&D) એક ક્રાંતિકારી પરિણામ છે. સામાન્ય રીતે આવા અંડરપાસ બનાવવા માટે કાં તો ‘કટ એન્ડ કવર’ પદ્ધતિ અથવા તો ભારેખમ કોંક્રિટ બ્લોક્સને હાઇડ્રોલિક જેક વડે ધકેલવાની ‘બોક્સ પુશિંગ ટેકનોલોજી’નો ઉપયોગ થાય છે. આ બંને જૂની પદ્ધતિઓમાં મહિનાઓ સુધી ટ્રેનોની ગતિ ધીમી કરવી પડે છે અથવા રૂટ ડાયવર્ટ કરવા પડે છે, જેનાથી મુસાફરોને ભારે અસુવિધા થાય છે.
કેવી રીતે 6 કલાકમાં પૂર્ણ થયું સમગ્ર કામ
આ જૂની અને સમય માંગી લેતી પદ્ધતિઓનો કાયમી ઉકેલ લાવવા માટે રેલવેએ આ નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. આ કામગીરી માટે પસંદ કરાયેલા દિવસે બપોરે 12 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો 6 કલાકનો બ્લોક લેવાયો હતો. એન્જિનિયરોએ ચાલુ રેલવે ટ્રેકમાંથી બરાબર 10 મીટરનો આખો ટ્રેક કાપીને હટાવી દીધો હતો અને આધુનિક મશીનરી વડે ગણતરીની મિનિટોમાં મોટો ખાડો તૈયાર કરી દીધો હતો. ત્યારબાદ ફેક્ટરીમાંથી અગાઉથી જ તૈયાર કરીને લાવવામાં આવેલી ગોળાકાર સ્ટીલની આખી ટનલને હાઈ-કેપેસિટી ક્રેનની મદદથી સીધી ખાડામાં ફિટ કરી દેવામાં આવી હતી.

ટેકનિકલ વિગતોની વાત કરીએ તો આ અંડરપાસ 6 મિલીમીટરની (6 mm) જાડાઈ ધરાવતી ખાસ ગ્રેડની સ્ટીલ પ્લેટ્સમાંથી બનાવવામાં આવ્યો છે. આખી ટનલ સિંગલ પીસ નથી, પરંતુ તેના અલગ-અલગ ગોળાકાર ‘આર્ચ સેક્શન્સ’ તૈયાર કરીને સાઇટ પર લાવવામાં આવ્યા હતા અને મજબૂત ઔદ્યોગિક બોલ્ટ્સની મદદથી તેને જોડવામાં આવ્યા હતા. જમીનની અંદરના ભેજ અને કાટથી બચાવવા માટે આ સ્ટીલ ટનલ પર 4 લેયરનું સ્પેશિયલ કેમિકલ અને એન્ટી-કોરોઝિવ કોટિંગ કરવામાં આવ્યું છે, જે આ સબવેને આગામી 50 વર્ષ સુધી સુરક્ષિત રાખશે.
સુરતનું ઉધના સ્ટેશન જલગાંવ, ભુસાવળ અને પૂર્વ ભારત તરફ જતી ટ્રેનો માટેનું મુખ્ય જંક્શન હોવાથી ત્યાં ચોવીસે કલાક ટ્રેનોની અવરજવર રહે છે. આવા ધમધમતા સ્ટેશન પર આ પ્રયોગ કરવો એ એન્જિનિયરો માટે લોઢાના ચણા ચાવવા સમાન હતો. આ સ્ટેશનનું સિગ્નલિંગ નેટવર્ક અત્યંત જટિલ છે અને જમીનની નીચેથી હજારો હાઈ-વોલ્ટેજ પાવર કેબલ્સ તથા સિગ્નલિંગ વાયરો પસાર થાય છે. ખોદકામ દરમિયાન જો એક પણ કેબલ કપાય તો આખા મુંબઈ-સુરત રૂટનો વ્યવહાર ખોરવાઈ જાય તેમ હોવાથી L&Tની ટીમે વૈજ્ઞાનિક પદ્ધતિથી તમામ કેબલ્સને પ્રોટેક્ટ કરીને આ કામ પાર પાડ્યું હતું.
પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ
આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદેસર ટ્રેક ક્રોસિંગ રોકવાનો અને નાગરિકોની સુરક્ષા વધારવાનો છે. ઉધના અને તેની આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં વસતીનું પ્રમાણ ઘણું વધારે છે. રેલવે સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજ (FOB) હોવા છતાં ઊંચા પગથિયાં ચડવાની આળસ અથવા શોર્ટકટ અપનાવવાની લ્હાયમાં હજારો શ્રમિકો અને સામાન્ય નાગરિકો જીવના જોખમે રેલવે ટ્રેક ક્રોસ કરતા હોય છે. આ નવો સ્ટીલ અંડરપાસ બની જવાથી પદયાત્રીઓ અને ટુ-વ્હીલર ચાલકો સરળતાથી અને સુરક્ષિત રીતે ટ્રેકની સામે પાર જઈ શકશે.
રેલવે પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે આ એક પાયલોટ પ્રોજેક્ટ છે. પ્રથમ વખત આ મેટલ આર્ચ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો હોવાથી હાલના તબક્કે તેનો ચોક્કસ નાણાકીય ખર્ચ જાહેર કરવામાં આવ્યો નથી. રેલવે માટે સૌથી મોટી બચત એ સમયની બચત છે. જે ટ્રેન વ્યવહાર મહિનાઓ સુધી પ્રભાવિત થતો હતો અને રેલવેને પરોક્ષ આર્થિક નુકસાન થતું હતું, તે આ ટેકનોલોજીના કારણે માત્ર 6 કલાકમાં સામાન્ય થઈ ગયું છે.
પાયલટ પ્રોજેક્ટનું ટેસ્ટિંગ શરૂ
ઉધના ખાતે આ સ્ટીલ અંડરપાસ ફિટ થઈ ગયા બાદ તુરંત જ તેના પરથી ભારેખમ માલગાડીઓ (ગુડ્સ ટ્રેન) અને સુપરફાસ્ટ પેસેન્જર ટ્રેનો પસાર કરીને તેનું કડક ટેકનિકલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટિંગ દરમિયાન ટ્રેનના વજનના કારણે થતા વાઇબ્રેશન, લોડ સહન કરવાની ક્ષમતા અને ચોમાસા દરમિયાન પાણી ભરાવા સામેની વ્યવસ્થા જેવી તમામ બાબતોની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી.
જો આ પાયલોટ પ્રોજેક્ટના તમામ ટેસ્ટિંગ પરિણામો સો ટકા સફળ જાહેર થશે તો પશ્ચિમ રેલવે જ નહીં પરંતુ સમગ્ર ભારતીય રેલવેના તમામ ઝોનમાં આ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. દેશભરમાં જ્યાં પણ અકસ્માત થવાની સંભાવનાવાળા વિસ્તારો એટલે કે બ્લેક સ્પોટ્સ છે, ત્યાં ખૂબ જ ટૂંકા સમયમાં આ રીતે સ્ટીલ અંડરપાસ બનાવી દેવામાં આવશે. આ ઐતિહાસિક સફળતાને પ્રત્યક્ષ નિહાળવા માટે રેલવે બોર્ડ અને L&Tના ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો પણ સુરત ખાતે ઉપસ્થિત રહ્યો હતો.

