કેરળમાં દોઢ વર્ષના બાળક સાથે ક્રૂરતા આચરનાર અશ્કર પકડાયો, માતાની પણ ધરપકડ

કેરળના તિરુવનંતપુરમમાં એક દોઢ વર્ષના બાળક અર્શિદના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ થયા છે. રિપોર્ટ અનુસાર બાળકના શરીર પર 91 ઘા મળ્યા છે. જાણવા મળ્યું કે માતાના લિવ-ઇન-પાર્ટનર અશ્કરે બાળકને નિર્દયતાથી માર્યું હતું તેના કારણે તેનું મોત થઈ ગયું. પોલીસે અશ્કર અને બાળકની માની ધરપકડ કરી લીધી છે.

પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અનુસાર બાળકના માથા અને છાતી પર ગંભીર ઈજા થઈ હતી. બાળકની છાતી પર પગ મૂકીને કચડવામાં આવ્યું હતું જેના કારણે પાંસળીઓ પણ તૂટી ગઈ. બાળકના શરીર પર સિગરેટ લાઇટરથી ઘા પાડવાના પણ નિશાન મળ્યાં છે.

પોલીસની પૂછપરછમાં અશ્કરે ગુનો કબૂલી લીધો હતો અને જણાવ્યું કે બાળકને તે માર્ગમાં અડચણ સમજતો હતો અને એક મહિનાથી પ્રતાડિત કરતો હતો.

તપાસમાં સામે આવ્યું કે બાળકના બંને હાથ પહેલેથી તૂટેલા હતા અને પ્લાસ્ટર લાગ્યું હતું. શરૂઆતમાં આરોપી અને બાળકની માતા પડોશીઓને કહેતા રહ્યા કે બાળક સાયકલ પરથી પડી ગયું છે. પરંતુ પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બાળકની માને અશ્કરના ટોર્ચર વિશે તમામ જાણકારી હોવા છતાં તેણે બાળકને બચાવ્યું નહીં. એટલે પોલીસે માતાને પણ આરોપી બનાવી છે.