સુરતમાં લવ જેહાદની ફરિયાદ: મુસ્લિમ યુવકે હિંદુ યુવતીને ફસાવીને વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા, ભાંડો ફૂટતાં મારી નાખવાની ધમકી આપી

સુરતના વેસુ પોલીસ મથકે એક લવ જેહાદની ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પોલીસે એક મુસ્લિમ યુવક સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

હિંદુ યુવતીનો આરોપ છે કે સોમીલ સલમીન મકવાણાએ તેને સોશિયલ મીડિયાના માધ્યમથી ફસાવીને લગ્નની લાલચ આપી વારંવાર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા અને પોતે હિંદુ હોવાનું જણાવ્યું હતું. જ્યારે યુવતીને વાસ્તવિકતાની ખબર પડી તો સંબંધ તોડી નાખ્યો. ત્યારબાદ યુવતીને જાણવા મળ્યું કે આરોપી પરણિત છે અને સંતાનો પણ છે. પોલીસે મૂળ રાજકોટના સોમીલ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

વેસુ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે સપ્ટેમ્બર 2025માં એક સોશિયલ મીડિયા એપ પર તેનો પરિચય સોમીલ સાથે થયો હતો. ત્યારબાદ નંબરની આપલે થઈ અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. લગભગ એકાદ મહિનાની વાતચીત બાદ સોમીલે યુવતીને મળવા માટે જણાવતાં બંનેએ સુરતમાં મળવાનું નક્કી કર્યું. આરોપ છે કે સોમીલે યુવતીને સુરતની હોટેલમાં લઈ જઈને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધો બાંધ્યા હતા.

ઑક્ટોબરમાં સોમીલે યુવતીને રાજકોટ બોલાવી હતી અને દ્વારકા લઈ ગયો હતો અને આરોપ છે કે યુવતીને શંકા ન જાય તે માટે તે મંદિરે દર્શન કરવા પણ ગયો હતો. અહીં હોટેલમાં રોકાણ દરમ્યાન પણ તેણે અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો યુવતીનો આરોપ છે. ત્યારબાદ પણ અનેક તબક્કે બંને મળતાં રહ્યાં હતાં.

ફરિયાદ અનુસાર જાન્યુઆરીમાં યુવતીએ પ્રેગ્નેન્સી ટેસ્ટ કરતાં પોઝિટિવ આવતાં તેણે આરોપીને આ વાતની જાણ કરી હતી. ત્યારે પણ તેણે લગ્ન કરવાનો વાયદો આપ્યો પણ થોડા દિવસ બાદ વાતચીત કરવાની બંધ કરી દીધી હતી. યુવતીએ કહ્યું કે આરોપી તેને કહેતો કે તે વ્યસ્ત હોવાથી મળવા માટે આવી શકે તેમ નથી.

‘નિકાહ’ શબ્દપ્રયોગ પરથી શંકા ગઈ: FIR

FIR અનુસાર, એક વાતચીત દરમ્યાન સોમીલે ‘નિકાહ’ શબ્દપ્રયોગ કરતાં યુવતીને શંકા ગઈ હતી અને તે પહેલાં પણ તે એક-બે વખત આરોપીને પૂછી ચૂકી હતી પરંતુ દરેક વખતે તે પોતે હિંદુ હોવાનું જણાવતો. યુવતીનું કહેવું છે કે તેણે સોમીલના એક મિત્રનો સંપર્ક કરતાં તેની પાસેથી જાણવા મળ્યું કે સોમીલ મુસ્લિમ છે. ત્યારબાદ યુવતીને જાણવા મળ્યું કે સોમીલ પરણિત છે અને અન્ય અનેક યુવતીઓને ફસાવી રાખી છે.

યુવતીએ જ્યારે સોમીલની પૂછપરછ કરી તો આનાકાની કરવા માંડ્યો અને ગર્ભ પડાવી નાખ્યો હતો. મે 2026માં આખરે સોમીલે યુવતીને ફોન કરીને કહ્યું કે તે સંબંધો રાખવા માગતો નથી અને સ્વીકાર્યું કે પોતે મુસ્લિમ છે. યુવતીનો આરોપ છે કે સોમીલે તેને ફરી સંપર્ક કરવા પર મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આરોપ એ પણ છે કે વિવિધ તબક્કે કોઈને કોઈ કારણે આરોપીએ યુવતી અને તેના પરિવાર પાસેથી લગભગ સાડા ત્રણ લાખ પડાવી લીધા હતા.

આખરે યુવતીએ વેસુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને એસસી/એસટી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.