
બિહારની રાજધાની પટનાના મુસલ્લાહપુર હાટ ખાતે આવેલા યુટ્યુબથઈ જાણીતા બનેલા શિક્ષક ‘ખાન સર’ના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની બહાર મંગળવારે મોડી રાત્રે પથ્થરમારો અને તોડફોડની ઘટના સામે આવી હતી. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ ફેલાયો છે અને બુધવારે સવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ હુમલાના વિરોધમાં પ્રદર્શન પણ કર્યું હતું. ખાન સરે શરૂઆતમાં ફાયરિંગ થયાનો પણ દાવો કર્યો હતો, જે પોલીસે નકારી દીધો છે અને સ્પષ્ટ કર્યું છે કે તપાસમાં આવી કોઈ બાબત જાણવા મળી નથી.
હુમલાની શરૂઆતી માહિતીમાં ફાયરિંગ થયું હોવાની અફવાઓ ઉડી હતી અને ખુદ ખાન સરે પણ શરૂઆતમાં 8થી 10 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે, પટના પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ આ મામલે સ્પષ્ટતા કરી છે કે પ્રાથમિક તપાસ અને CCTV ફૂટેજના આધારે ગોળીબારની પુષ્ટિ થઈ નથી. પટના SSP કાર્તિકેય શર્માના જણાવ્યા અનુસાર, આ બે કોચિંગ ક્લાસના જૂથો વચ્ચે થયેલી હિંસક ઝપાઝપી અને તોડફોડનો મામલો છે, જેમાં ગાર્ડને માથામાં ઈજા થઈ છે. પોલીસે આ મામલે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
दिनांक 02.06.2026 की रात्रि में करीब 10:10 बजे #कदमकुंआ थानांतर्गत खान ग्लोबल स्टडीज कोचिंग संस्थान पर कुछ लोगों द्वारा ईंटा-पथराव एवं तोड़फोड़ किए जाने के संबंध में सूचना प्राप्त हुई।
— Patna Police (@PatnaPolice24x7) June 2, 2026
प्राप्त सूचना पर पुलिस टीम द्वारा त्वरित घटनास्थल पर पहुंचा गया।
घटनास्थल पर आसपास के लोगों… pic.twitter.com/RQFuyjY0rW
આ હુમલા પાછળ કોચિંગ સેક્ટરમાં ચાલતી આંતરિક લડાઈ મુખ્ય કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખાન સરે આક્ષેપ કર્યો છે કે નજીકમાં આવેલા અન્ય એક જાણીતા કોચિંગ સેન્ટરના અસામાજિક તત્વોએ આ હુમલો કર્યો છે. સામા પક્ષે પણ ખાન સરના ઇન્સ્ટિટ્યૂટ તરફથી વિવાદ શરૂ કરાયો હોવાના વળતા આક્ષેપ કર્યા છે.
બીજી તરફ, પોલીસે બંને પક્ષોની લેખિત ફરિયાદોના આધારે કાનૂની તપાસ તેજ કરી છે. પટના પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે, જેમાં 15થી 20 જેટલા શંકાસ્પદ યુવાનો તોડફોડ કરતા જોવા મળ્યા છે. ઘાયલ ગાર્ડ અને સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓનાં નિવેદનો નોંધીને હુમલાખોરોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે વિસ્તારમાં પોલીસબળ તૈનાત કરી દેવામાં આવ્યું છે.
જોકે ફાયરિંગની કોઈ ઘટનાની પુષ્ટિ થઈ નથી. પોલીસે જણાવ્યું કે આ બે સેન્ટરો વચ્ચેના વિવાદનો મામલો છે અને તોડફોડ થઈ હતી, ફાયરિંગ થયાનું જાણવા મળ્યું નથી. હાલમાં પોલીસ હિંસામાં સામેલ આરોપીઓની ધરપકડ કરવા માટે શોધખોળ કરી રહી છે.

