
અમદાવાદની પ્રખ્યાત સેન્ટ ઝેવિયર્સ કોલેજે સરકારી આદેશોનું ઉલ્લંઘન કરીને અલગથી શરૂ કરાયેલી પ્રવેશ પ્રક્રિયા સામે હવે ગુજરાત સરકાર પૂરેપૂરી એક્શન મોડમાં આવી ગઈ છે. ઉચ્ચ શિક્ષણ વિભાગે આ મામલે કડક વલણ અપનાવતા એક સત્તાવાર અને જાહેર નોટિસ જારી કરીને કોલેજ ભારે પરિણામો ભોગવવાની કડક ચેતવણી આપી દીધી છે.
શિક્ષણ વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે સેન્ટ ઝેવિયર્સ કોલેજનું એડમિશન પોર્ટલ સરકાર અધિકૃત નથી. આ નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જો કોઈ વિદ્યાર્થી ઓફિશિયલ ‘GCAS’ પોર્ટલ સિવાય સેન્ટ ઝેવિયર્સ કોલેજના સ્વતંત્ર પોર્ટલ મારફતે એડમિશન મેળવશે તો તેવા પ્રવેશને ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોઈ પણ સંજોગોમાં માન્યતા આપવામાં આવશે નહીં.
સરકારે નોટિસમાં વધુમાં ઉમેર્યું છે કે GCAS સિવાયની અન્ય કોઈ પણ પદ્ધતિથી લેવાયેલા એડમિશનના કારણે ભવિષ્યમાં જે પણ કાનૂની અડચણો, શૈક્ષણિક વિવાદો કે વિપરીત પરિણામો આવશે તેની સંપૂર્ણ અને આખરી જવાબદારી માત્ર જે તે વિદ્યાર્થી અને સંબંધિત સંસ્થાની પોતાની જ રહેશે. આથી વાલીઓ કે વિદ્યાર્થીઓએ ભ્રમિત થયા વગર માત્ર સત્તાવાર પોર્ટલ પર જ વિશ્વાસ રાખવો જોઈએ.
શું છે આખો વિવાદ?
ઉચ્ચ શિક્ષણ વિભાગે હાલમાં રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વાયત્ત કોલેજોમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે ‘ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ’ એટલે કે GCAS પોર્ટલ શરૂ કર્યું છે, જે મારફતે એકસમાન સેન્ટ્રલાઈઝ્ડ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જેનો હેતુ વિદ્યાર્થીઓને અલગ-અલગ જગ્યાએ ફોર્મ ભરવાની હાલાકીમાંથી બચાવવાનો છે.
પરંતુ, ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી સેન્ટ ઝેવિયર્સ કોલેજ સ્વાયત્ત હોવાની સાથે માઇનોરિટી સંસ્થાનો દરજ્જો ધરાવે છે. આ વિશેષ દરજ્જાના જોરે કોલેજ પ્રશાસને સરકારની આ કોમન એડમિશન સિસ્ટમ ‘GCAS’માં જોડાવાનો ઇનકાર કરી દીધો હતો અને પોતાની સ્વાયત્તતા જાળવી રાખવા માટે પોતાના અલગ જ પોર્ટલ પરથી એડમિશન પ્રક્રિયાની જાહેરાત કરી દીધી હતી.
શિક્ષણ વિભાગે અગાઉ પણ સેન્ટ ઝેવિયર્સ કોલેજને વારંવાર આ કોમન પ્રક્રિયામાં જોડાવા માટે સૂચનાઓ અને આદેશો આપ્યા હતા. જોકે, કોલેજે સરકારી પોર્ટલને સ્વીકારવાના બદલે રાજ્ય સરકારના આ GCAS પોર્ટલના અમલીકરણના આદેશને જ ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરીને પડકાર્યો હતો અને કોર્ટમાં કાયદાકીય લડત શરૂ કરી દીધી હતી.
કોર્ટમાં મામલો પેન્ડિંગ હોવા છતાં કોલેજે પોતાની રીતે એડમિશન આપવાનું ચાલુ રાખ્યું હતું અને હજારો વિદ્યાર્થીઓએ તેના પોર્ટલ પર અરજીઓ પણ કરી દીધી હતી. આ બાબત ઉચ્ચ શિક્ષણ વિભાગના ધ્યાને આવતા જ સરકારે એક્શન લઈને સ્પષ્ટ કર્યું કે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023 અને યુનિફોર્મ સ્ટેચ્યુટ્સ 2024 અંતર્ગત ઓટોનોમસ કોલેજો માટે પણ સરકારના આદેશોનું પાલન કરવું સંપૂર્ણપણે અનિવાર્ય છે.
શિક્ષણ વિભાગની આ નોટિસ મુજબ ગુજરાત હાઇકોર્ટે સરકારના GCAS પોર્ટલ સામે કોઈ પણ પ્રકારનો સ્ટે ઓર્ડર કે મનાઈહુકમ આપ્યો નથી. આથી પ્રવેશ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની કાનૂની અડચણ કે ભવિષ્યની અનિશ્ચિતતાથી બચવા માટે સરકારે તમામ વિદ્યાર્થીઓને માત્ર અને માત્ર ઓફિશિયલ પોર્ટલ https://gcas.gujgov.edu.in પર જ એડમિશન રજીસ્ટ્રેશન કરાવવા માટે ખાસ આગ્રહ કર્યો છે.

