સપ્ટેમ્બર 2025ની કથિત નેપાળ જેન-ઝી ક્રાંતિ પછી માર્ચમાં બનેલી નવી સરકારના વડા બાલેન શાહે હમણાં દેશની સંસદને પહેલી વખત સંબોધન કર્યું અને તેમનું પહેલું જ ભાષણ વિવાદ સર્જવામાં કારણભૂત બની ગયું. હવે વિપક્ષથી માંડીને દેશનો જ એક વર્ગ બાલેનનો, તેમના ભાષણનો વિરોધ કરી રહ્યો છે. આપણે રસપૂર્વક ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે આમાં ભારતનો પણ એન્ગલ છે.
વાસ્તવમાં બાલેન શાહે નેપાળની સંસદમાં ભાષણ આપતી વખતે ભારત સાથેના સરહદીય વિવાદનો ઉલ્લેખ કર્યો અને એવું સ્વીકારી લીધું કે નેપાળ ભારતમાં અતિક્રમણ કરી રહ્યું છે. અત્યાર સુધીની નેપાળની સરકારોનું સ્ટેન્ડ એ રહ્યું કે તેઓ ક્યારેય આ વાત સ્વીકારતા ન હતા અને ભારત પર જ આરોપ લગાવતા રહેતા હતા. આ વખતે વડા પ્રધાને દેશની સંસદમાં બોલતી વખતે જાહેરમાં સ્વીકારી લીધું.
બાલેન શાહે શું કહ્યું હતું?
બાલેન શાહે સંસદમાં કહ્યું, “તમને જાણીને આશ્ચર્ય થશે અને મને પણ હમણાં વડા પ્રધાન બન્યા પછી જ ખબર પડી કે એવું નથી કે ભારતે નેપાળી વિસ્તારમાં અતિક્રમણ કર્યું હોય. નેપાળે પણ ઘણાં ઠેકાણે ભારતીય જમીન પર દબાણ કરી રાખ્યું છે.” ત્યારપછી બાલેને કહ્યું કે બંને દેશોએ પરસ્પર સંવાદ, ઐતિહાસિક દસ્તાવેજો, ટેકનિકલ સરવે વગેરેની મદદથી વિવાદનો અંત લાવવો જોઈએ. સાથે તેમણે ચીન અને બ્રિટનને પણ સામેલ કરવાની વાત કહી. બ્રિટન એટલા માટે કારણ કે આ સ્થળો સંબંધિત અમુક સંધિઓ બ્રિટિશ કાળમાં થઈ હતી.
વાસ્તવમાં બાલેન શાહને ભારત સાથેના સરહદ વિવાદ અને ખાસ કરીને લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા સંબંધિત વિવાદ મુદ્દે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. આ ત્રણ સ્થળ બંને દેશોની સરહદ પર આવેલાં છે અને વિવાદનું કારણ રહ્યાં છે.
‘નેપાળે ભારતનાં સ્થળો પર કબજો કર્યો છે’ એવી બાલેન શાહની સ્વીકૃતિ બાદ તરત નેપાળની સંસદમાં હોબાળો મચી ગયો અને વિપક્ષી નેતાઓએ માંગ કરી કે આ ટિપ્પણીઓ રેકર્ડ પરથી હટાવી દેવામાં આવે. વડા પ્રધાનને કહેવામાં આવ્યું કે કાં તેઓ સાબિતી રજૂ કરે અથવા પોતાનું નિવેદન પરત લઈ લે. સોશિયલ મીડિયા પર પણ નેપાળી યુઝરોએ વડા પ્રધાનની ટીકા શરૂ કરી દીધી.
પછીથી નેપાળના વિદેશ મંત્રાલયે એક ચોખવટ કરીને કહ્યું કે ટેકનિકલ અભ્યાસથી જાણવા મળ્યું છે કે અમુક ઠેકાણે ભારત દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી જમીન નેપાળમાં આવતી હોય અને અમુક જગ્યાએ નેપાળ જેનો ઉપયોગ કરી રહ્યું છે એ સ્થળ ભારતમાં હોય એમ પણ બન્યું છે. એટલે વડા પ્રધાનની વાતોને આ સંદર્ભમાં જોવી જોઈએ અને તેમણે એ કહેવાનો પ્રયાસ કર્યો હતો કે ભારત સાથેના સરહદીય વિવાદ પર તેઓ સુખદ સમાધાન લાવવા માટે પ્રયાસરત છે.
વિદેશ મંત્રાલયની આ સ્પષ્ટતા નેપાળીઓને કેટલીક ગળે ઉતરે એ તો તેમનો વિષય છે પણ આ ઘટનાક્રમથી ફરી એક વખત લિપુલેખ-કાલાપાની વિવાદ સપાટી પર આવ્યો છે, જે છેલ્લે 2020માં બહુ ચર્ચામાં રહ્યો હતો. ત્યારથી જોકે તેની ચર્ચા ઓછી સંભળાઈ તે હવે વડા પ્રધાને સંસદમાં સ્વીકાર્યું પછી ફરી શરૂ થઈ છે.
શું છે ઇતિહાસ?
આને થોડું વિગતે જોઈએ તો એ સર્વવિદિત છે કે નેપાળ અને ભારતની સરહદ લગભગ 1800 કિલોમીટર લાંબી છે અને મોટેભાગે ક્યાંય વિવાદ નથી. વિવાદ છે હિમાલયનાં ત્રણ સ્થળો મુદ્દે– કાલાપાની, લિપુલેખ પાસ અને લિમ્પિયાધુરા. આ નામો હવે તો જાણીતાં થઈ ગયાં છે. ભારત-નેપાળ સરહદે ઉત્તરાખંડ અને તિબેટ નજીક ત્રણેય આવેલાં છે.
સ્થળોનું રણનીતિક મહત્ત્વ પણ છે કારણ કે ભારત, નેપાળ અને તિબેટ (જેનું નિયંત્રણ ચીનના હાથમાં છે) ત્રણેયની સરહદ પર સ્થિત છે. ઉપરાંત વ્યાપાર અને તીર્થયાત્રા માટેના રૂટ પણ અહીંથી પસાર થાય છે. તિબેટમાં કૈલાશ માનસરોવર જતા ભારતીય યાત્રીઓ પણ આ રૂટનો ઉપયોગ કરે છે. સ્થળ ભારતનાં છે, પણ નેપાળ પણ અહીં દાવો કરતું રહે છે. જેમ દુનિયા આખીના જમીન વિવાદોના તાર અંતે અંગ્રેજો સાથે જોડાઈ જાય છે એવું જ આમાં પણ છે.
બ્રિટિશ સંધિ વિવાદનું મૂળ કારણ
1816માં ભારતમાં જ્યારે બ્રિટિશ શાસન હતું ત્યારે એંગ્લો-નેપાળ યુદ્ધ પછી એક ટ્રિટી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે સુગૌલી સંધિ તરીકે ઓળખાય છે.
આ સંધિ હેઠળ નેપાળે કેટલાક ભાગો પરનો દાવો છોડવો પડ્યો અને ભારત-નેપાળ વચ્ચેની સરહદો નક્કી થઈ. તેના માટે બે નદીઓ નક્કી કરવામાં આવી. પૂર્વમાં મેચી નદી અને પશ્ચિમમાં મહાકાલિ નદી વચ્ચેનો ભાગ નેપાળ હશે એમ નક્કી થયું. એટલે મહાકાલિ નદી પશ્ચિમ નેપાળ અને ભારત વચ્ચેની સરહદ બની. સમસ્યા એ હતી કે સંધિમાં ક્યાંય નદીનો ચોક્કસ સ્ત્રોત લખવામાં આવ્યો ન હતો. એટલે અહીં અસ્પષ્ટતા સર્જાઈ અને નેપાળે પોતાની રીતે અર્થઘટન કરવાનું શરૂ કર્યું.
નેપાળનો દાવો છે કે મહાકાલિ નદી લિમ્પિયાધુરાથી શરૂ થાય છે. જો આ કથન સાચું માનવામાં આવે તો કાલાપાની અને લિપુલેખ નદીની પૂર્વ દિશામાં પડે અને એટલે સંધિ હિસાબે એ નેપાળમાં ગણવાં પડે.
ભારત આ દાવો સંપૂર્ણપણે નકારતું રહ્યું છે અને એ વલણ અપનાવ્યું છે કે કાલાપાની અને લિપુલેખ બંને ઉત્તરાખંડમાં આવે છે અને ભારતના ભાગ છે. ભારત સ્પષ્ટ કહે છે કે નદી લિમ્પિયાધુરાથી નહીં પણ કાલાપાનીથી શરૂ થાય છે, એટલે તેની પશ્ચિમમાં આવેલાં સ્થળો ભારતનો ભાગ કહેવાય. બીજું ઘણા સમયથી અહીં શાસન થાય છે, સુરક્ષા ઠેકાણાં પણ બનાવવામાં આવ્યાં છે.
આ બધાનો નેપાળ વિરોધ કરતું રહ્યું છે અને અહીં પોતાનો દાવો માંડતું રહે છે. ક્યારેક મામલાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાના પણ પ્રયાસ થાય છે, (જેવું હમણાં બાલેન શાહે કર્યું) પણ ભારતનો મત સ્પષ્ટ છે કે આ મુદ્દો દ્વિપક્ષીય છે અને બંને પક્ષોની વાતચીતથી જ સમાધાન આવશે. જોકે નેપાળના આમ ભારત સાથે સંબંધો સારા રહ્યા છે એટલે મામલાનું પાકિસ્તાન કાશ્મીરનું કરે છે એવું આંતરરાષ્ટ્રીયકરણ થતું નથી.
2020નો વિવાદ
તેમ છતાં વર્ષ 2020માં આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભારતે ચીન સરહદ પર મિલિટરી લોજિસ્ટિક અને કૈલાશ માનસરોવર યાત્રા માટે પણ રૂટ જરૂરી હોવાથી ધારચૂલા અને લિપુલેખ પાસ વચ્ચે રોડ બનાવ્યો હતો. ત્યારબાદ નેપાળે પોતાના વિસ્તારમાંથી રોડ પસાર થતો હોવાનું કહીને વાંધો ઉઠાવ્યો. પછીથી નેપાળ સરકારે એક સત્તાવાર નકશો બહાર પાડ્યો અને ત્રણેય સ્થળોને પોતાનાં ગણાવી લીધાં. બંધારણમાં પણ સંશોધન કરવા સુધી સરકાર પહોંચી ગઈ.
ભારતે આનો કડક વિરોધ નોંધાવ્યો અને સ્પષ્ટ કર્યું કે ત્રણેય ભારતનાં સ્થળો છે અને જે રોડ પસાર થાય છે એ પણ ભારતની જમીનમાંથી થાય છે.
હમણાં 2026માં પણ કૈલાશ માનસરોવર લિપુલેખ પાસના રૂટથી શરૂ કરવાની વાત આવી ત્યારે નેપાળે વાંધો ઉઠાવ્યો હતો.
વિદેશ મંત્રાલયે ત્યારે પણ સ્પષ્ટ કર્યું કે લિપુલેખ પાસના રૂટ પરથી કૈલાશ માનસરોવર યાત્રા આજથી જ નહીં 1954થી ચાલતી આવે છે અને આ કોઈ નવું ડેવલપમેન્ટ નથી. ભારતે સતત જણાવ્યું છે કે જમીન પર જે દાવા થાય છે તેનો કોઈ ઐતિહાસિક આધાર કે પુરાવા નથી. સરકાર એ બાબતે અડગ છે કે કોઈ પણ મુદ્દાનું સમાધાન ડાયલૉગ અને ડિપ્લોમસીથી લાવવું જોઈએ.


