બ્રિટિશ યુગની લુટિયન્સ-એલિટ ઇકોસિસ્ટમનું પ્રતિક ગણાતાં દિલ્હીનાં જિમખાના ક્લબને ખાલી કરાવશે કેન્દ્ર સરકાર, 15 દિવસમાં જમીનનો કબજો લેવાની તૈયારી

નવી દિલ્હી સ્થિત બ્રિટિશ યુગનાં જાણીતાં દિલ્હી જિમખાના ક્લબને કેન્દ્ર સરકારે 5 જૂન સુધીમાં પરિસર ખાલી કરવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળના લેન્ડ એન્ડ ડેવલપમેન્ટ ઑફિસે (L&DO) જણાવ્યું છે કે લુટિયન્સ દિલ્હીમાં આવેલ 27.3 એકર જમીનની જરૂર હવે સંરક્ષણ માળખાકીય સુવિધાઓ મજબૂત કરવા અને જાહેર સુરક્ષા સંબંધિત પ્રોજેક્ટ્સ માટે છે.

1913માં ‘ઇમ્પિરિયલ દિલ્હી જિમખાના ક્લબ’ તરીકે સ્થાપિત આ ક્લબ દેશની સૌથી એલિટ સંસ્થાઓમાં ગણાય છે. ક્લબ હાલ 2, સફદરજંગ રોડ પર આવેલી છે, જે વડા પ્રધાન નિવાસ અને અનેક મહત્વપૂર્ણ સરકારી સંસ્થાઓની નજીકનો હાઈ-સિક્યોરિટી વિસ્તાર માનવામાં આવે છે. સરકાર દ્વારા લીઝ ડીડની કલમ-4 હેઠળ ક્લબની લીઝ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે.

દિલ્હી જિમખાના ક્લબ તેની અત્યંત કડક સભ્યપદ વ્યવસ્થા માટે જાણીતું છે. રિપોર્ટ્સ અનુસાર અહીં કાયમી સભ્યપદ મેળવવા માટે 37 વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે. કેટલાક અરજદારો 1970ના દાયકાથી વેઈટિંગ લિસ્ટમાં હોવાનું પણ જણાવાયું છે. ક્લબમાં સભ્યપદ માત્ર પૈસાના આધારે નહીં પરંતુ ‘ક્લબેબિલિટી’ના આધારે આપવામાં આવતું હતું, જેમાં પરિવારની પૃષ્ઠભૂમિ, સામાજિક વર્તન અને પ્રભાવશાળી વર્ગ સાથેનું જોડાણ જોવામાં આવતું હતું.

ક્લબના સભ્યપદમાં અંદાજે 40 ટકા બ્યુરોક્રેટ્સ, 40 ટકા સંરક્ષણ સેવાઓ સાથે જોડાયેલા અધિકારીઓ અને માત્ર 20 ટકા અન્ય ક્ષેત્રોના લોકો માટે ક્વોટા હોવાનું કહેવાય છે. ક્લબમાં હજુ પણ બ્રિટિશ યુગની ઘણી પરંપરાઓ ચાલુ છે, જેમાં પશ્ચિમી ઔપચારિક ડ્રેસ કોડ અને જૂની ‘સાઇન-એન્ડ-પે-લેટર’ પદ્ધતિનો સમાવેશ થાય છે.

દિલ્હી જિમખાના ક્લબ છેલ્લા કેટલાક વર્ષોથી વિવાદોમાં પણ રહી છે. ક્લબ સામે નાણાકીય ગેરરીતિ, પક્ષપાત, ગેરકાયદે બાંધકામ અને ‘ગ્રીન કાર્ડ’ સભ્યપદ જેવી સુવિધાઓ અંગે આરોપો લાગ્યા હતા. અગાઉ NCLT અને NCLATએ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત સમિતિને ક્લબનું સંચાલન સોંપવાના નિર્ણયને પણ યથાવત રાખ્યો હતો.

કેન્દ્ર સરકારના આ પગલાં બાદ હવે દિલ્હીના એલિટ વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. ઘણા લોકો તેને સંરક્ષણ જરૂરિયાતો સાથે જોડીને જોઈ રહ્યા છે, જ્યારે કેટલાક તેને લુટિયન્સ દિલ્હીની જૂની પાવર ઇકોસિસ્ટમ પર સરકારની વધુ એક કાર્યવાહી તરીકે પણ જોઈ રહ્યા છે.