
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ્સ સામે આવી રહ્યા છે. મોટાભાગના પોલ્સમાં ભારતીય જનતા પાર્ટીને બહુમત પાર કરતી બતાવવામાં આવી રહી છે. જ્યારે પીપલ્સ પલ્સ જેવા અમુક પોલ્સ TMCને બહુમત મળશે તેવું અનુમાન લગાવી રહ્યા છે.
પશ્ચિમ બંગાળની 294 બેઠકો પર વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી બહુમતી માટે 147 બેઠક જરૂરી છે.
JVCના અનુમાન મુજબ ભાજપને 138થી 159 બેઠકો મળી શકે તેમ છે. જ્યારે TMC 131-152 સુધી જીતી શકે. એટલે અહીં બંને પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર હશે એવું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં ભાજપની બેઠકો 100 પાર કરી શકી ન હતી, તેને જોતાં આ વખતે ભાજપ બહુ સારી સ્થિતિમાં હશે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.
#PollofPollsOnABP | बंगाल का पोल ऑफ पोल्स#WestBengal #ElectionsWithABP #ExitPoll pic.twitter.com/5uSev7tKd8
— ABP News (@ABPNews) April 29, 2026
P-MARQના એક્ઝિટ પોલ અનુસાર ભાજપ 150થી 175 બેઠકો જીતી શકે છે, જ્યારે TMC 118થી 138 સીટો મેળવી શકે. અહીં ભાજપને બહુમતી મળવાનું અનુમાન લગાવાયું છે. કોંગ્રેસ અને લેફ્ટને શૂન્ય બેઠકો મળશે એવું એક્ઝિટ પોલ જણાવે છે.
મેટ્રિઝ અનુસાર ભાજપ 146થી 161 બેઠકો જીતી શકે એવી સંભાવના છે. આ પોલમાં TMCની 125થી 140 બેઠકોનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
ચાણક્ય સ્ટ્રેટેજીઝ અનુસાર ભાજપ 150થી 175 બેઠકો જીતી શકે તેમ છે. TMC 130થી 140 વચ્ચે રહી શકે.
પોલ ડાયરીના એક્ઝિટ પોલમાં ભાજપને 142થી 171 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ 99થી 127 બેઠકો મેળવશે તેવું અનુમાન છે, જે આંકડો બહુમતથી પાછળ છે.
એકમાત્ર પીપલ્સ પલ્સના એક્ઝિટ પોલમાં TMCને બહુમતી મળતી બતાવાઈ રહી છે. જે અનુસાર TMCને 178થી 189 તો ભાજપને 95થી 110 બેઠકો મળી શકે.
જોકે પ્રજા પોલ અનુસાર ભાજપ 200 પાર પણ જઈ શકે છે. આ એક્ઝિટ પોલમાં TMCને 85થી 110 બેઠકો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
પશ્ચિમ બંગાળ પર આ વખતે આખા દેશની નજર છે. 2011થી અહીં તૃણમૂલ કોંગ્રેસનું શાસન છે, જ્યાં ભાજપે પહેલી વખત આટલી આક્રમકતાથી પડકાર ફેંક્યો છે. ચૂંટણીનો માહોલ જોતાં આ વખતે કાંટાની ટક્કર થશે તેવું સ્પષ્ટ લાગતું હતું. હવે એક્ઝિટ પોલ્સનાં અનુમાનો પણ એ જ સંકેત આપી રહ્યાં છે. જોકે અંતિમ ચિત્ર 4 મેના પરિણામમાં સ્પષ્ટ થશે.

