
સુરતના પાલ અને સિટીલાઇટ વિસ્તારમાં ફરી ‘જિમ જેહાદ’ની ઘટના સામે આવી છે. અહીં જિમ આવતી એક હિંદુ પરિવારની પરણિત મહિલાને શબ્બીર ટ્રંકવાલા નામના એક જિમ ટ્રેનરે પ્રેમજાળમાં ફસાવી હતી. આ મામલે જ્યારે મહિલાના પતિને જાણ થઈ તો શબ્બીરે તેને પણ ધમકી આપી હતી અને અંગત તસવીરો વાયરલ કરવાની ધમકી આપીને પાંચ લાખ રૂપિયા વસૂલવાના પ્રયાસ કર્યા હતા. આ મામલે ફરિયાદ બાદ ગુનો દાખલ કરીને પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ ઘટનાની શરૂઆત સાત વર્ષ પહેલાં થઈ હતી, જ્યારે પાલ વિસ્તારમાં રહેતી 45 વર્ષીય હિંદુ મહિલા સિટીલાઇટના ‘પુજા L1’ જિમમાં જતી હતી. ત્યાં ટ્રેનર તરીકે કામ કરતા શબ્બીર અસગર ટ્રંકવાલાએ જિમ એક્ટિવિટી શીખવવાના બહાને મહિલા સાથે વાતચીત વધારી હતી. ત્યારબાદ બંને વચ્ચે નિકટતા વધી અને લગ્નેત્તર સંબંધો શરૂ થયા હતા.
શબ્બીર સાથેના આ સંબંધોને કારણે મહિલાના વૈવાહિક જીવનમાં ઝેર ઘોળાયું. દરમ્યાન પતિ અને પત્ની વચ્ચે સતત ઝઘડા થતા હતા. પત્નીને આ જાળમાંથી છોડાવવા માટે પીડિત પતિએ પોતે પહેલ કરી હતી અને આરોપી શબ્બીરનો પણ સંપર્ક કર્યો, પરંતુ શબ્બીરે પીછો છોડવાનો ઇનકાર કરી દીધો.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર જ્યારે પતિએ વિરોધ કર્યો ત્યારે શબ્બીરે તેને ધમકી આપી હતી કે તેની પાસે મહિલાના વાંધાજનક ફોટા અને વિડીયો છે. જો તેને 5 લાખ રૂપિયા નહીં મળે તો તે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે અને મહિલાને સમાજમાં બદનામ કરી દેશે. આમ જિમ ટ્રેનર હવે એક રીઢા ગુનેગારની જેમ બ્લેકમેઇલિંગ પર ઉતરી આવ્યો હતો.
પતિ પર જીવલેણ હુમલો અને વસૂલાત
FIR અનુસાર શબ્બીરે જાહેર રસ્તા પર પીડિત પતિને આંતરીને હુમલો કર્યો હતો. વિગતો મુજબ, અઢી મહિના પહેલાં એક સ્કૂલ પાસે શબ્બીરે બાઈકનો કાચ તોડી તેના ટુકડા પતિના ગળે રાખી મોતનો ડર બતાવ્યો હતો. આ ભયના કારણે ડરેલા પતિએ આરોપીને 50,000 રૂપિયા આપી દીધા હતા, છતાં શબ્બીરની લાલચ ઓછી થઈ નહોતી.
9 માર્ચ 2026ના રોજ સુરત પોલીસ કમિશનર દ્વારા જિમ સંચાલકો સાથે જે ખાસ બેઠક યોજવામાં આવી હતી, જેમાં ટ્રેનરોને મહિલાઓ સાથેના સંબંધો મુદ્દે કડક ચેતવણી અપાઈ હતી. આ બેઠકના અહેવાલો જોઈને પીડિત પરિવારને હિંમત મળી હતી કે પોલીસ તેમની મદદે આવશે. આખરે પતિએ હિંમત એકઠી કરી સુરત SOGનો સંપર્ક સાધ્યો હતો.
હિંદુ પરિવારની ફરિયાદને ગંભીરતાથી લઈને સુરત SOGએ તાત્કાલિક જાળ બિછાવી હતી. ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપી શબ્બીરને પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની (BNS) વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે.
પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું શબ્બીરે અગાઉ પણ અન્ય કોઈ હિંદુ મહિલાઓને આ રીતે પોતાની જાળમાં ફસાવીને નાણાં પડાવ્યા છે? પોલીસ કમિશનરે પણ આદેશ આપ્યો છે કે જિમ ટ્રેનરોની સંપૂર્ણ પૃષ્ઠભૂમિની તપાસ કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય. નોંધનીય છે કે સુરતમાં આ પહેલાં પણ આવા મામલા સામે અવી ચૂક્યા છે.

