UCC પરની ચર્ચા દરમ્યાન AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ વિધાનસભા ગૃહની માફી કેમ માગવી પડી?

ગુજરાત વિધાનસભાએ મંગળવારે (24 માર્ચ) યુનિફોર્મ સિવિલ કોડના બિલ પર ચર્ચા કરી હતી. આ દરમ્યાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ માફી માગવાનો વારો આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ફાંકા ફોજદારી માટે જાણીતા આ AAP નેતાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ટાંકીને અમુક દાવા કર્યા હતા, જેને પડકારવામાં આવતાં આખરે ગોપાલે માફી માગવી પડી હતી.

ગોપાલે UCC પર ચર્ચા દરમ્યાન દાવો કર્યો હતો કે નાયબ મુખ્યમંત્રી સંઘવીએ કહ્યું હતું કે નવો કાયદો અમલમાં આવતાં જૂની લગ્ન નોંધણીની પ્રક્રિયા રદ થશે. જેને પડકારતાં ડેપ્યુટી સીએમએ કહ્યું હતું કે જો તેઓ આવું બોલ્યા હોય તો સાબિત કરવામાં આવે અને તેમ થાય તો પોતે રાજીનામું આપવા પણ તૈયાર છે.

ગોપાલે માફી માગવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે રેકર્ડ ચેક કરવામાં આવે અને મંત્રી જો ન બોલ્યા હોય તો શબ્દ રેકર્ડ પરથી દૂર કરવામાં આવે.

ત્યારબાદ અધ્યક્ષ શંકર ચૌધરીએ રેકર્ડ ચેક કરાવતાં તેમાં આવું કશું જોવા મળ્યું ન હતું. ત્યારબાદ તેમણે કહ્યું કે ગોપાલે જે આક્ષેપ કર્યા હતા એવું નાયબ મુખ્યમંત્રી ક્યાંય બોલ્યા ન હતા. ત્યારબાદ તેમણે માફી માગવા માટે કહ્યું.

ગોપાલે ત્યારબાદ અધ્યક્ષની વાતને ધ્યાનમાં રાખીને ગૃહની માફી માગી લીધી હતી.

અધ્યક્ષે ટકોર કરતાં કહ્યું કે ગૃહમાં પુરાવા સાથે બોલવું પડે છે અને બહાર જેવું બોલીએ એવું ગૃહમાં ન બોલી શકાય.

વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ થતું નથી, પણ ગૃહમાં હાજર પત્રકારોએ પછીથી આ ઘટનાક્રમ સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો.