‘રાષ્ટ્રપ્રથમની જીવંત પ્રેરણા’: 75મા જન્મદિવસે રાષ્ટ્રપતિ, ગૃહમંત્રી શાહ સહિતના નેતાઓએ પીએમ મોદીને પાઠવી શુભેચ્છા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે. દેશભરમાં લોકો અનેક રીતે સેવાકાર્યો કરીને વડા પ્રધાનના આ જન્મદિનની ઉજવણી કરી રહ્યા છે. બીજી તરફ સવારથી શુભેચ્છાઓનો પણ વરસાદ થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિથી લઈને મંત્રીઓ, રાજ્યોના મુખ્યમંત્રીઓથી લઈને સામાન્ય કાર્યકરો અને લોકો તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ એક્સ પર પોસ્ટ કરીને વડા પ્રધાનને શુભકામનાઓ પાઠવી. તેમણે કહ્યું કે, પરિશ્રમની પરાકાષ્ઠાનું ઉદાહરણ પ્રસ્તુત કરીને પીએમ મોદીએ તેમના અસાધારણ નેતૃત્વથી દેશમાં મોટાં લક્ષ્યો પ્રાપ્ત કરવાની સંસ્કૃતિનો સંચાર કર્યો છે. આજે વૈશ્વિક સમુદાય પણ તેમના નેતૃત્વમાં વિશ્વાસ મૂકતો થયો છે. તેમણે આગળ કહ્યું, “હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આપ હંમેશા સ્વસ્થ અને ખુશ રહો અને પોતાના નેતૃત્વથી રાષ્ટ્રને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જાઓ.”

સંરક્ષણમંત્રી રાજનાથ સિંઘે X પર પોસ્ટ કરતાં પીએમ મોદી વિશે કહ્યું કે, તેમના નેતૃત્વએ ભારતને નવી ઊર્જા અને દિશા આપી છે એટલું જ નહીં, વૈશ્વિક મંચ પર ભારતની શક્તિ અને સન્માન પણ વધાર્યાં છે. વધુમાં લખ્યું કે, “તેમણે તેમની અદ્ભુત નેતૃત્વ ક્ષમતા, કલ્પનાશક્તિ તેમજ તેમની સંવેદનશીલતા દર્શાવી છે. ગરીબ કલ્યાણ અને જન કલ્યાણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પોતે જ એક ઉદાહરણ છે. વિકસિત ભારતના સંકલ્પ સાથે મોદી દેશને આત્મનિર્ભરતા, વિકાસ અને સમૃદ્ધિના સંદર્ભમાં મજબૂત બનાવી રહ્યા છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમને સારું સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય અને સતત ઉર્જા મળે જેથી તેઓ ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં સફળ સાબિત થાય.”

ગૃહમંત્રી અમિત શાહે X પર ઘણી પોસ્ટ કરી હતી જેમાં PM મોદીના RSS કાર્યકાળથી લઈને ગુજરાતના CM, દેશના PM જેવા વિવિધ દાયિત્વો અંગે વાત કરવામાં આવી છે. તેમણે વૈશ્વિક તણાવભર્યા વાતાવરણમાં PM મોદીને સંવાદ-સેતુ ગણાવ્યા હતા.

PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ આપતાં શાહે લખ્યું, “સામાજિક જીવનમાં પાંચ દાયકાથી વધુ સમયથી તેમણે દેશવાસીઓના કલ્યાણ માટે અથાક મહેનત કરી છે અને તેઓ દરેક નાગરિક માટે ‘રાષ્ટ્ર પ્રથમ’ની જીવંત પ્રેરણા છે.”