હોમપેજદેશતથ્યાત્મક ફિલ્મો, પ્રોપગેન્ડા ફિલ્મો

તથ્યાત્મક ફિલ્મો, પ્રોપગેન્ડા ફિલ્મો

ઇકોસિસ્ટમ પોતાના એજન્ડા અનુસાર નક્કી કરે છે કે કઈ ફિલ્મને ‘ક્રાંતિકારી’ ગણાવવી અને કઈ ફિલ્મો ‘પ્રોપગેન્ડા’માં ખપાવવી. 

- Advertisement -

(તંત્રીલેખ, 7 સપ્ટેમ્બર) 

ફિલ્મો સમાજનું દર્પણ કહેવાય એ વાત સાચી પણ આપણે ત્યાં નિર્માતાઓનો એક વર્ગ એવો પણ છે જેને સમાજ જેવો છે તેવો દર્શાવવાના સ્થાને સમાજને પોતે જેવો જોવા ધારે છે એવો દર્શાવવામાં વધારે રસ રહ્યો છે. તેના કારણે અમુક વખત જમીની સ્તરે જે વાસ્તવિકતા હોય તે મોટા પડદે પહોંચતાં સુધીમાં 180 ડિગ્રી બદલાઈ ગઈ હોય. બીજી બધી બાબતો બાજુ પર મૂકીએ તોય હિંદુ-મુસ્લિમ એકતાની (કે વૈમનસ્યની) બાબતમાં આ વાત અનેક વખત પુરવાર થઈ ચૂકી છે. 

સદીઓથી બંને સમુદાયો વચ્ચે સંઘર્ષના અનેક કિસ્સાઓ ઉપલબ્ધ છે. ઇતિહાસમાં નોંધાયેલા છે. અનેક રમખાણો થયાં છે. હિંદુઓ કપાયા છે. પલાયન કરવું પડ્યું છે. કાશ્મીરમાં ઘરબાર છોડીને ભાગવું પડ્યું હતું. મોપલામાં હિંદુઓ મરાયા. કોલકાતામાં ડાયરેક્ટ એક્શન ડે વખતે રમખાણો થયાં અને હિંદુઓના જીવ ગયા. લેટેસ્ટ ઉદાહરણ બાંગ્લાદેશનું છે, જ્યાં શેખ હસીનાની સરકાર પડી ભાંગી પછી હિંદુઓને, તેમનાં ધર્મસ્થળોને ટાર્ગેટ કરવામાં આવ્યાં. 

- Advertisement -

પરંતુ મોટા પડદે આ બધી બાબતોને ક્યારેય સ્થાન અપાયાનું ધ્યાનમાં નથી. જેટલી ફિલ્મો બને તેમાં આ બંને સમુદાયો તો વર્ષોથી સાથે રહે છે, બંને વચ્ચે જબરદસ્ત એકતા છે અને આ તો અમુક કટ્ટરપંથી (કટ્ટરપંથી એટલે હિંદુ કટ્ટરપંથી, મુસ્લિમો કટ્ટરપંથી નથી હોતા, બોલિવૂડનું માનીએ તો) સંગઠનો અને ખાસ કરીને નેતાઓ (નેતાઓ પણ ભાજપના જ. કોંગ્રેસના સેક્યુલર હોય છે) આ બંનેને લડાવી મારે છે– આવી બધી વાતો આપણા માથે મારવામાં આવતી રહે છે. જે તમને પણ ખબર છે, મને પણ ખબર છે અને બનાવનારને પણ ખબર છે કે ટાઢા પહોરનાં ગપ્પાં છે. 

2014 પછી જે સામૂહિક વૈચારિક પરિવર્તન આવ્યું તેના કારણે દરેક ક્ષેત્રમાં પવનની દિશા બદલાઈ અને ફિલ્મજગત ક્ષેત્રે પણ અમુક વ્યક્તિઓએ સાહસ દાખવીને જે ચીલો ચાતરવામાં આવ્યો હતો તેનાથી અલગ રસ્તો પકડીને ફિલ્મો બનાવવાની શરૂ કરી. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’થી લઈને ગઈ કાલે રિલીઝ થયેલી ‘ધ બેન્ગાલ ફાઈલ્સ’ તેનાં જ ઉદાહરણો છે. આ બંને વચ્ચે ‘ધ કેરાલા સ્ટોરી’, ‘વેક્સિન વૉર’, ‘ધ સાબરમતી રિપોર્ટ’ અને એવી બીજી ઘણી ફિલ્મો આવી ગઈ. ‘ઉદયપુર ફાઈલ્સ’ પણ હમણાં જ આવીને ગઈ. 

પરંતુ તમે જોશો કે આવી દરેક ફિલ્મ જે ઇકોસિસ્ટમના એજન્ડામાં બંધબેસતી ન હોય કે ઉપરથી આ એજન્ડાને ધ્વસ્ત કરતી હોય તેને આવતાંની સાથે ‘પ્રોપગેન્ડા ફિલ્મ’ ગણાવી દેવામાં આવે છે. ‘આ ફિલ્મ તો ભાજપને ફાયદો કરાવવા માટે લાવવામાં આવી છે’, ‘તેમાં મુસ્લિમોને ખરાબ ચીતરવામાં આવ્યા છે’, તેનાથી સેક્યુલરિઝમ ખતરામાં આવી જશે’– આવી બધી દલીલો આપવાની શરૂ કરી દેવાય છે. 

હવે ‘પ્રોપગેન્ડા’ એટલે શું? કોઈ વાત તથ્યાત્મક રીતે સાચી ન હોવા છતાં તેમાં મીઠું-મરચું નાખીને, સંદર્ભો તોડીમરોડીને તેને રજૂ કરવી. શું ‘કાશ્મીર ફાઈલ્સ’માં કોઈ તથ્ય સાથે ચેડાં કરવામાં આવ્યાં હતાં? જો તેમ હોય તો ફિલ્મ આવ્યાને ત્રણ વર્ષ થઈ ગયાં છે, આજ સુધી કોઈએ સામે આવીને ફિલ્મને પડકારી નથી કે એવું સાબિત કરી આપ્યું નથી કે તેમાં તથ્યાત્મક રીતે આ વાત ખોટી છે. કે પેલી બાબતમાં આ સંદર્ભ આપવામાં આવ્યો નથી. આવું જ બીજી ફિલ્મોનું પણ છે. આવું જ ‘ધ બેન્ગાલ ફાઈલ્સ’નું પણ. કોઈએ ફિલ્મને પડકારી નહીં તેનો અર્થ એ થયો કે દરેકેદરેક ફિલ્મ તથ્યાત્મક રીતે સાચી છે, તેમાં જે કંઈ દર્શાવાયું છે એ ઇતિહાસ છે. હકીકત છે. 

હવે નક્કી એ કરવાનું છે કે ખરેખર પ્રોપગેન્ડા ફિલ્મ કઈ હતી અને તથ્યાત્મક ફિલ્મ કઈ છે. એકમાં ઇકોસિસ્ટમના, ચોક્કસ વિચારધારાના એજન્ડા સેટ કરવા માટે જમીની વાસ્તવિકતાને ખૂણામાં મૂકી દઈને ફાલતુ સેક્યુલરિઝમને પ્રમોટ કરવામાં આવે છે અને તેને ઇકોસિસ્ટમ ‘ક્રાંતિકારી ફિલ્મ’ તરીકે રજૂ કરે છે. બીજી, જેમાં ઇતિહાસની બાબતોનો આધાર લઈને, દસ્તાવેજી પુરાવાઓનો આધાર લઈને સત્ય મોટા પડદે રજૂ કરવામાં આવે છે, પણ આ સત્ય ઇકોસિસ્ટમને પચતું નથી એટલે તેને ‘પ્રોપગેન્ડા ફિલ્મ’માં ખપાવી દેવામાં આવે છે. 

પત્રકારત્વ હોય કે ફિલ્મજગત, ઇકોસિસ્ટમ તમામની વ્યાખ્યા પોતે પોતાની સગવડતા અનુસાર ઘડતી રહે છે. આપણે નક્કી એ કરવાનું છે કે તેમાં સત્ય કેટલું, અસત્ય કેટલું. હવેના સમયમાં એ કામ અઘરું નથી. બીજું એક કામ પણ છે– આવી બધી ફિલ્મો જોતા રહેવાનું. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં