હોમપેજરાજકારણકર્ણાટકના ડેપ્યુટી સીએમે ગણાવ્યો 'સેક્યુલર તહેવાર', બાનુ મુશ્તાકને આપ્યું આમંત્રણ: 'ચામુંડેશ્વરી પર્વત'ને...

કર્ણાટકના ડેપ્યુટી સીએમે ગણાવ્યો ‘સેક્યુલર તહેવાર’, બાનુ મુશ્તાકને આપ્યું આમંત્રણ: ‘ચામુંડેશ્વરી પર્વત’ને લઈને કોંગ્રસ સરકારના વિરોધમાં કેમ ઉતર્યા હિંદુઓ?

કર્ણાટકમાં દશેરાનો ઉત્સવ હંમેશા સાંસ્કૃતિક ગૌરવ અને ધાર્મિક પરંપરાનું પ્રતીક રહ્યો છે. પરંતુ, આ વખતે બાનુ મુશ્તાકને આમંત્રણ અને ડીકે શિવકુમારના નિવેદનોએ તેને રાજકીય અખાડો બનાવી દીધો છે. ભાજપ તેને હિંદુ ધર્મ અને પરંપરા પર હુમલો ગણાવીને આક્રમક બની ગયો છે.

- Advertisement -

હમણાં કર્ણાટકમાં (Karnataka) દશેરાના હિંદુ તહેવારને લઈને ભારે વિવાદ શરૂ થયો છે. એક ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજનને લઈને રાજ્યનું રાજકારણ ગરમાયું છે. એક તરફ કોંગ્રેસ સરકાર (Congress Government) હિંદુઓના પવિત્ર તહેવારને ‘સેક્યુલર’ બનાવવા પર ઉતરી આવી છે તો બીજી તરફ હિંદુઓ તેના વિરોધમાં ઉતરી આવ્યા છે. વિવાદની શરૂઆત કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના એક નિવેદનથી થઈ હતી. ત્યારબાદ હિંદુઓ અને મૈસૂરના મહારાજાએ પોતે આ મામલે મંત્રીનો વિરોધ કર્યો છે. 

વિગતે વાત કરીએ તો કર્ણાટકના હિંદુઓ પરંપરાગત રીતે ચામુંડેશ્વરી પર્વત પર સ્થિત મા ચામુંડાના મંદિરમાં વિશ્વ પ્રસિદ્ધ મૈસૂર દશેરા (દશહરા) ઉત્સવનું (Mysore Dussehra) આયોજન કરે છે અને તેમાં ભાગ લે છે. સદીઓથી આ ઉત્સવ આસ્થા અને પરંપરાઓ સાથે વણાયેલો છે. હાલ તે ઉત્સવને લઈને કોંગ્રેસ સરકારના મંત્રીના એક નિવેદન બાદ વિરોધ થઈ રહ્યો છે. વાસ્તવમાં આ વિરોધનું કારણ કોંગ્રેસ સરકાર દ્વારા આ ઉત્સવમાં મુસ્લિમ મહિલાને નિમંત્રણ આપવાનું છે. 

શું છે વિવાદ? 

હિંદુઓના આ પવિત્ર ઉત્સવને લઈને વિવાદ થવાનાં બે કારણો છે. પહેલું કારણ એ છે કે, આ ઉત્સવમાં આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કારથી સન્માનિત કન્નડ લેખિકા બાનુ મુશ્તાકને દશેરા પૂજાના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ અંગેની ઘોષણા કરી હતી કે, 22 સપ્ટેમ્બર, 2025ના રોજ દશેરા મહોત્સવનું ઉદ્ઘાટન બુકર પુરસ્કાર વિજેતા બાનુ મુશ્તાક કરશે. 77 વર્ષીય આ લેખિકા કર્ણાટકના હાસનનાં રહેવાસી છે અને તેમની કૃતિ ‘હાર્ટ લેમ્પ’ને (અનુવાદ: દીપા ભાષ્થી) આંતરરાષ્ટ્રીય સ્તર પર સન્માન મળ્યું છે.

- Advertisement -

કર્ણાટક સરકારની આ ઘોષણાએ રાજકીય વિવાદને જન્મ આપ્યો છે. ભાજપ અને હિંદુ સંગઠનોનું કહેવું છે કે, દેવી ચામુંડેશ્વરીના પૂજન જેવા ધાર્મિક અનુષ્ઠાનમાં કોઈ એવી વ્યક્તિને આમંત્રિત કરવી યોગ્ય નથી, જે હિંદુ ધર્મનું પાલન જ ન કરતી હોય. ભાજપે એવું પણ કહ્યું છે કે, કર્ણાટક સરકારનો આ નિર્ણય હિંદુઓની આસ્થા અને પરંપરા સાથે એક રમત છે. ઉપરાંત, એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે, કર્ણાટક સરકાર આ પવિત્ર આયોજનને તુષ્ટિકરણના રાજકારણમાં ફેરવી રહી છે.

બીજું કારણ એ છે કે, હિંદુઓએ આ ઘટનાનો વિરોધ કર્યા બાદ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે એવું કહ્યું છે કે, ચામુંડેશ્વરી પર્વત અને ચામુંડેશ્વરી દેવી માત્ર હિંદુઓના નથી, પણ બધા જ સમુદાયના છે. તેમણે એવું પણ કહી દીધું છે કે, આ મંદિર કોઈ એક ધર્મની જાગીર નથી. તેમણે દાવો કર્યો હતો કે, રાજવી પરિવારના સભ્યોએ પોતે આ બાબતની પરવાનગી આપી છે.

તેમણે આગળ કહ્યું હતું કે, આ પર્વત પર અને મંદિરમાં દરેક વર્ગના લોકો આવે છે અને પોતાની શ્રદ્ધા પ્રગટ કરે છે. તેમના મતે કોઈને પણ આ મંદિરમાં આવતા રોકી ન શકાય. ત્યારબાદ તેમણે અયોધ્યાના રામ મંદિરનો હવાલો આપતા કહ્યું હતું કે, ત્યાં પણ આવો કોઈ નિયમ નથી. જોકે, કોંગ્રેસ સરકારના મંત્રીના આ નિવેદન પર પણ હવે ભારે હોબાળો થયો છે. 

મૈસૂરના રાજવી પરિવારે શિવકુમારના નિવેદનને નકાર્યું

ચામુંડેશ્વરી દેવી અને દશેરા ઉત્સવને હિંદુ ધર્મથી અલગ કરવાના શિવકુમારના પ્રયાસોનો મૈસૂર રાજવંશના રાજવીએ વિરોધ પણ કર્યો છે. તેમણે શિવકુમારના તમામ દાવાઓ ફગાવી દીધા છે. મૈસૂર રાજવંશના વંશજ અને સાંસદ યદુવીર કૃષ્ણદત્ત ચામરાજ વાડિયારે કહ્યું છે કે, ચામુંડેશ્વરી પર્વત એક શક્તિપીઠ છે, જે હિંદુઓનું એક પવિત્ર અને પૂજનીય સ્થળ છે. શિવકુમારના નિવેદનની ટીકા કરતાં તેમણે કહ્યું કે, આ મંદિર હંમેશાથી હિંદુઓની પોતાની સંપત્તિ રહ્યું છે અને આગળ પણ તે હિંદુઓની સંપત્તિ જ રહેશે. 

રાજવી પરિવારના સભ્યએ એ પણ સ્વીકાર કર્યો છે કે, આ પર્વત તમામ પંથો અને વર્ગોના લોકો માટે ખુલ્લુ છે, પણ તે હિંદુઓનો વારસો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે, ચામુંડેશ્વરી દેવી એક હિંદુ દેવી છે, તેનો ઉલ્લેખ હિંદુ ધર્મગ્રંથ માર્કંડેય પુરાણના દેવી માહાત્મ્યમાં મળે છે. તેમણે કહ્યું કે, અન્ય સમુદાયના ગ્રંથોમાં દેવીનો કોઈ ઉલ્લેખ નથી. તેમણે એવું પણ કહ્યું કે, આ મંદિરમાં દૈનિક પૂજા અને પરંપરાઓ હિંદુ ધર્મગ્રંથો અનુસાર જ થશે. 

તે સિવાય તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે, શિવકુમારે એક પરિવારને (ગાંધી પરિવાર) પોતાનો ભગવાન માની લીધો છે. તેવામાં તેમણે દેવીના હિંદુ સ્વરૂપ અને દશેરાની ધાર્મિક પરંપરાને નકારવાની હિંમત ન કરવી જોઈએ. તેમણે કહ્યું કે, કોંગ્રેસ તુષ્ટિકરણના રાજકારણ માટે હિંદુ ધર્મ પર પ્રહાર કરશે તો તેઓ પરંપરાની રક્ષા માટે આગળ આવશે અને હિંદુ સમુદાય સાથે મજબૂતીથી ઊભા રહેશે.

નોંધનીય છે કે, કર્ણાટકમાં દશેરાનો ઉત્સવ હંમેશા સાંસ્કૃતિક ગૌરવ અને ધાર્મિક પરંપરાનું પ્રતીક રહ્યો છે. પરંતુ, આ વખતે બાનુ મુશ્તાકને આમંત્રણ અને ડીકે શિવકુમારના નિવેદનોએ તેને રાજકીય અખાડો બનાવી દીધો છે. ભાજપ તેને હિંદુ ધર્મ અને પરંપરા પર હુમલો ગણાવીને આક્રમક બની ગયો છે, જ્યારે કોંગ્રેસ તેને બધા માટે ખુલ્લો રાજકીય કાર્યક્રમ કહીને તેનો બચાવ કરી રહી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં