‘દુનિયામાં આર્થિક સ્વાર્થની નીતિઓ… રસ્તો કાઢીને રહીશું’: ટ્રમ્પના ટેરિફ વિવાદ વચ્ચે પીએમ મોદી, કહ્યું- ખેડૂતો, પશુપાલકો અને લઘુ ઉદ્યમીઓનું હિત સર્વોપરી

વડાપ્રધાન મોદી ગુજરાતની બે દિવસીય યાત્રા પર છે. સોમવારે (25 ઑગસ્ટ) નિકોલમાં જાહેરસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ અનેક બાબતો વિશે વાત કરી હતી. દરમિયાન તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને પણ એક સંદેશો મોકલી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, તેમની સરકાર માટે દેશનું હિત સર્વોપરી છે. 

તેમણે કહ્યું કે, તેમની સરકાર નાના ઉદ્યમીઓ, ખેડૂતો અને પશુપાલકોને કોઈ નુકસાન પહોંચવા નહીં દે. અમેરિકાનું નામ લીધા વિના વડાપ્રધાને દુનિયામાં આર્થિક સ્વાર્થ પ્રેરિત રાજકારણ તરફ ઈશારો કર્યો હતો. તેમણે ખેડૂતો અને લઘુ ઉદ્યોગો તથા પશુપાલકોને વચન આપ્યું છે કે, તેમની સરકાર તેમના હિતોની રક્ષા કરશે. 

પીએમ મોદીએ કહ્યું કે, “દુનિયામાં આજે આર્થિક સ્વાર્થની નીતિઓ જોવા મળે છે. હું મારા લઘુ ઉદ્યમીઓ અને ખેડૂતોને કહીશ કે, તમને વચન આપું છું કે, મોદી માટે તમારા હિત સર્વોપરી છે. મારી સરકાર તમારું ક્યારેય અહિત નહીં થવા દે. દબાણ ગમે તેટલું આવે, આપણે રસ્તો બનાવતા રહીશું.”