માલદીવથી પરત ફર્યાં બાદ PM મોદી તમિલનાડુની મુલાકાતે, તિરુવતિરાય મહોત્સવમાં રહેશે હાજર: રાજેન્દ્ર ચોલ Iના માનમાં બહાર પાડશે સ્મારક સિક્કો

યુકે અને માલદીવની યાત્રાથી પરત આવ્યા બાદ PM નરેન્દ્ર મોદી તમિલનાડુની (PM Modi Tamil Nadu Visit) 2 દિવસીય યાત્રા પર છે. તેઓ 26 જુલાઈની રાત્રે 8 વાગ્યે તમિલનાડુ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે કુલ ₹4,800 કરોડના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું.

હવે 27 જુલાઈના રોજ PM મોદી ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલાની જન્મજયંતિ નિમિત્તે આયોજિત આદિ તિરુવતિરાય મહોત્સવના ભવ્ય સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ એક સ્મારક સિક્કો પણ બહાર પાડશે.

આ અંગે તેમણે X પોસ્ટ કરીને માહિતી આપી હતી જેમાં લખ્યું હતું કે, “મહાન રાજા રાજેન્દ્ર ચોલ Iના દક્ષિણ-પૂર્વ એશિયામાં નૌકાદળ અભિયાનની 1000મી વર્ષગાંઠ અને ચોલ સ્થાપત્યની શ્રેષ્ઠ કૃતિ, ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ ગંગૈકોંડા ચોલાપુરમ મંદિરના નિર્માણની શરૂઆતની ઉજવણી માટે આવતીકાલે, 27 જુલાઈના રોજ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજેન્દ્ર ચોલ Iના માનમાં એક સ્મારક સિક્કો બહાર પાડવાનો અમને લહાવો મળ્યો છે. આદી તિરુવતિરાય ઉત્સવ પણ ઉજવવામાં આવશે.”

નોંધનીય છે કે આ મંદિર ચોલ સામ્રાજ્યના ત્રણ મુખ્ય મંદિરો—બૃહદેશ્વર (તંજાવુર), ગંગૈકોંડ ચોલીશ્વરમ અને ઐરાવતેશ્વનો ભાગ છે, જે યુનેસ્કો દ્વારા ‘ગ્રેટ લિવિંગ ચોલ ટેમ્પલ્સ’ તરીકે નામાંકિત છે.