વડોદરાની મહીસાગર નદી પર બનેલો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ (Gujarat Bridge Collapse) બુધવારે (9 જુલાઈ) સવારે તૂટી પડતાં ટ્રક, પીકઅપ અને રિક્ષા સહિતનાં વાહનો નદીમાં ખાબક્યાં હતાં, જેના કારણે 14 લોકોનાં મોત થયાં છે. NDRF-SDRFની ટીમોએ રેસ્ક્યુ દરમિયાન અમુક લોકોને બચાવી લીધા હતા, જ્યારે 24 કલાક બાદ આ લખાય રહ્યું છે ત્યારે પણ અમુક લોકો ગુમ હોવાનું જણાવાય રહ્યું છે, જેમની શોધખોળ હાલ ચાલી રહી છે.
ઘટના બાદથી સતત નદીમાં રેસ્ક્યુ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ગુરુવારે (10 જુલાઈ) સવારે એક મૃતદેહ મળી આવતાં મૃત્યુઆંક 14 પર પહોંચી ગયો હતો. મૃતદેહ પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી દેવામાં આવ્યો છે.
વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના અપડેટ :
— Sagar Patoliya (@kathiyawadiii) July 9, 2025
મૃત્યુઆંક 10થી વધીને 13 થયો, છેલ્લા 12 કલાકથી ચાલી રહી રેસ્ક્યુ કામગીરી મોડી રાત સુધી ચાલી રહી છે.
નદીમાં કીચડ અને સિરામિક ટાઇલ્સ ભરેલા ટ્રકને ખસેડી ત્યાં શોધ ખોળ કરવામાં આવી રહી છે.
એક ટ્રકને તારથી ખેંચી હિટાચી મશીન સાથે બાંધી ટ્રકને… pic.twitter.com/Hsr2gfp5cV
વડોદરા શહેરથી 27 કિલોમીટર દૂર મુજપુર નજીક આવેલો આ બ્રિજ વર્ષ 1986માં બનીને તૈયાર થયો હતો. પાદરા-અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારોમાં જતાં ટ્રક-ટેન્કરો મોટેભાગે આ બ્રિજનો ઉપયોગ કરતાં હતાં. ઉપરાંત સૌરાષ્ટ્ર જવા માટે પણ ઘણાં વાહનો અહીંથી જતાં હતાં. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર લાગતો ટોલ ટેક્સ બચાવવા પણ ઘણાં વાહનો આ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરતાં.
કુલ 830 મીટર લાંબા બ્રિજનો લગભગ 15થી 20 મીટર જેટલો ભાગ 9 જુલાઈની સવારે તૂટી પડ્યો. આ ભાગ બ્રિજની વચ્ચે આવેલો છે. દરમ્યાન જે વાહનો પુલ પર હતાં એ નીચે ખાબકી ગયાં. એક ટ્રક માંડ બચી હતી. તૂટેલા પુલના છેડે અટકી ગયેલી આ ટ્રકનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે પુલ તૂટ્યો ત્યારે ધરતીકંપ થઈ રહ્યો હોય તેવું લાગતું હતું. પુલના બે ભાગ પડી ગયા અને વાહનો નદીમાં ખાબક્યાં. અમુક અટકી ગયાં એ બચી ગયાં. ઘણા લોકો બાઇક-વાહનો પરથી કૂદી ગયા એટલે બચી ગયા હતા.
બીજી તરફ, પુલ તૂટવાનો અવાજ આવતાં આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક નાવડી લઈને નદીમાં પડેલા લોકોને બચાવવા માટે પહોંચ્યા હતા. પોલીસ અને ફાયર વિભાગને પણ ત્યારબાદ જાણ કરવામાં આવી. ત્યારબાદ બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી 14 મૃતદેહો કાઢવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા, એક ટીમ રવાના
ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર એક પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું અને બચાવ કામગીરી અંગે માહિતી આપી.
આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના ૨૩ ગાળા પૈકીનો ૧ ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુ:ખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 9, 2025
ઇજાગ્રસ્ત થયેલા લોકોની તત્કાલ સારવાર વ્યવસ્થા માટે વડોદરા કલેકટર સાથે વાતચીત કરીને અગ્રતા ક્રમે પ્રબંધ…
તપાસ વિશે કહ્યું કે માર્ગ અને મકાન વિભાગને તાત્કાલિક તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને આ માટે ચીફ એન્જિનિયર- ડિઝાઇન, ચીફ ઈજનેર સાઉથ ગુજરાત, પુલ નિર્માણમાં નિષ્ણાત બે ખાનગી એન્જિનિયરોની ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી અને પ્રાથમિક અહેવાલ આપવા સૂચના આપવામાં આવી. રાજ્ય સરકારે જીવ ગુમાવનાર વ્યક્તિના વારસદારોને ₹4 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50,000 આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરી છે.
ભૂતકાળમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું, ગત વર્ષે સમારકામ પણ થયું, પુલ પર વાહનવ્યવહાર ચાલુ રહ્યો
બીજી તરફ, આ બ્રિજ તૂટી પડ્યા બાદ સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકાર પર પણ સવાલો ઉઠ્યા છે. કારણ એ છે કે પુલ જર્જરિત હોવાનું ભૂતકાળમાં અનેક વખત ધ્યાને દોરવામાં આવી ચૂક્યું હતું, તેમ છતાં ન વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો કે ન બીજાં કોઈ સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યાં. અમુક અરજીઓ પણ સામે આવી છે, જે જે-તે સમયે સ્થાનિક નેતાઓએ અધિકારીઓને પહોંચાડી હતી અને આ પુલની સ્થિતિ વિશે ધ્યાન દોર્યું હતું.
4 ઑગસ્ટ, 2022ના દિવસે મુજપુર બેઠકના જિલ્લા પંચાયત સભ્ય હર્ષદસિંહ પરમારે એક્ઝિક્યુટિવ એન્જિનિયર વડોદરાને એક પત્ર લખીને ગંભીર બ્રિજ જર્જરિત હોવાનું કહીને તેની તપાસ કરવા માટે અને યોગ્ય પગલાં લેવા માટે રજૂઆત કરી હતી. આ પત્ર હવે ફરતો થયો છે.

પત્રમાં તેમણે જણાવ્યું હતું કે પુલ હાલ ભયજનક પરિસ્થિતિમાં છે અને જ્યારે મોટાં અને ભારે વાહનો પસાર થાય ત્યારે ધ્રુજારી ઉત્પન્ન થાય છે. ઉપરાંત, પુલની સપાટી પણ સતત ખરાબ થતી રહે છે અને વારંવાર સમારકામ કરવા છતાં પણ બહુ ફેર પડ્યો નથી.
તેમણે બ્રિજ ‘જોખમી’ જાહેર કરીને બંધ કરી દેવા માટે અને નવો બ્રિજ બનાવવા માટે તજવીજ હાથ ધરવા માટે વિનંતી કરી હતી અને સાથે એમ પણ કહ્યું હતું કે જો બ્રિજના કારણે ભવિષ્યમાં કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી સત્તાધીશોની રહેશે. તેમણે બ્રિજના નિભાવ માટે કોઈ પગલાં ન લેવાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
ત્યારબાદ ઑક્ટોબર 2022માં મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડ્યા બાદ તેમણે કલેક્ટરને ફરી એક પત્ર લખ્યો હતો અને ફરી એક વખત ગંભીરા બ્રિજની સ્થિતિ વિશે ધ્યાન દોરીને તપાસ કરવા માટે રજૂઆત કરી હતી. આ મામલે પછીથી કલેક્ટર કચેરીમાંથી પત્ર આર એન્ડ બી વિભાગના એક્ઝિક્યુટિવ ઈજનેરને મોકલી આપવામાં આવ્યો હતો.
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, જ્યારે આ મામલે વર્તમાન એક્ઝિક્યુટિવ એન્જિનિયરનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, “બ્રિજના અમારા ઇન્સ્પેક્શન રિપોર્ટમાં કોઈ મેજર ડેમેજ હોવાનું ધ્યાને આવ્યું ન હતું. પુલ જર્જરિત ન હતો. બેયરિંગ કોટમાં ખરાબી હતી અને તેનું સમારકામ ગત વર્ષે હાથ ધરવામાં આવ્યું હતું.”
2022નો એક લખન દરબાર નામની વ્યક્તિનો અન્ય વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ માર્ગ-મકાન વિભાગના કોઈ અધિકારીને આ બ્રિજની જ ફરિયાદ કરતા જોવા મળે છે. તેઓ બ્રિજની ખરાબ હાલત વિશે જણાવીને કહે છે કે ઘણી રજૂઆતો છતાં કામગીરી કરવામાં આવી નથી. તેઓ હર્ષદસિંહ પરમારની રજૂઆત વિશે પણ અધિકારીને જણાવે છે.
दशकों में कोई एक पुल टूटे तो वो दुर्घटना कहलाती है, एक ही राज्य में 5 सालों में 15 से ज्यादा पुल टूटने को दुर्घटना नहीं कहते ..
— Nirnay Kapoor (@nirnaykapoor) July 9, 2025
आज फिर गुजरात में एक पुल टूट गया और करीब 13 लोगों की मौत हो गयी.. सबसे पहला सवाल मन में ये उठता है कि क्या इस हादसे को रोका जा सकता था ??
तो जवाब है… pic.twitter.com/TTIJQAOu0L
જોકે વાતચીતમાં અધિકારી તેમણે રજૂઆતો આગળ મોકલી આપી હોવાનું કહેતા જોવા મળે છે. એમ પણ કહે છે કે, તાત્કાલિક બ્રિજ બંધ ન કરી શકાય. ત્યારબાદ કાર્યકર અધિકારી ફોન ન ઉપાડતા હોવાની પણ ફરિયાદ કરે છે પણ સામેથી વાત કરતા અધિકારી ગાંધીનગર અને ઉપરી અધિકારીઓનો ઉલ્લેખ કરતા સાંભળવા મળે છે.
આ સિવાય અમુક સ્થાનિક પત્રકારોએ પણ તાજેતરમાં જ આ પુલ જર્જરિત હોવાના અહેવાલો આપતા વિડીયો બનાવ્યા હતા. અન્ય પણ ઘણા સ્થાનિકો ભૂતકાળમાં આ બ્રિજની હાલત વિશે ધ્યાન દોરી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. જોકે રાજ્ય સરકાર પણ પુલની સ્થિતિ વિશે વાકેફ હતી અને નવા બ્રિજ પ્રોજેક્ટને મંજૂરી પણ આપી દેવાઈ હતી અને ફંડ પણ ઇસ્યુ કરી દેવામાં આવ્યું હતું.
જે બ્રિજ વિશે અધિકારીઓ કહી રહ્યા છે કે તે ‘જર્જરિત’ ન હતો, તે જ ત્રણ વર્ષ પછી તૂટી પડ્યો અને 14 લોકો માર્યા ગયા. હવે આ મામલે તપાસ હાથ ધરીને કારણ જાણવાના પ્રયાસ કરવામાં આવશે.


