નવસારી (Navsari) શહેરની એક શાળાના શિક્ષક અને તેની પત્નીના એક વાયરલ વિડીયોએ (Viral Video) તાજેતરમાં વિવાદ જગાવ્યો છે અને હિંદુ સંગઠનો બંને સામે FIR નોંધવાની માંગ કરી રહ્યાં છે. જે વિડીયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે, તેમાં બંને કોઈ કાર્યક્રમમાં લોકોને એકઠા કરીને હિંદુ દેવી-દેવતાઓને ન માનવાના અને ઈસુને જ એકમાત્ર ઈશ્વર તરીકે સ્વીકારવાના શપથ લેવડાવતા જોવા મળે છે.
વાયરલ વિડીયોમાં અમુક બાળકો અને સાથે અન્ય વ્યક્તિઓ જોવા મળે છે. તેમને એક દંપતી શપથ લેવડાવતું જોવા મળે છે. જેમાંથી મહિલા બોલે છે અને સામેના લોકો તેનો પુનરુચ્ચાર કરે છે.
શપથમાં બોલાવવામાં આવી રહ્યું છે કે, “ઈશુ આ…..હમારે હિન્દુ ધર્મ મેં જો ભી દેવી-દેવતા હો, જો વાચા વાચી થી, હમ ઉસ વાચા કો ઇસુ કે નામ સે તોડ દેતે હૈ…ઈસુ હી જીવિત પરમેશ્વર હૈ….મારા ખાના, મારી પ્રીત, પ્રભુ યેશુ કો હી….હમ ઈસુ જીવિત પરમેશ્વર કો હી ભજેંગે, અબ તુ હી હમારા પરમેશ્વર હૈ..’
હિન્દુ સંગઠનોએ નવસારીના શિક્ષક અને તેની પત્ની વિરુદ્ધ ધર્મ પરિવર્તનના આરોપમાં કરી FIRની માંગ!
— Sagar Patoliya (@kathiyawadiii) November 29, 2024
નવસારીની સેવન્થ ડે સ્કૂલના શિક્ષકે તેની પત્ની સાથે ધર્મ પરિવર્તનને પ્રોત્સાહન આપતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થઈ રહ્યો છે. ઇસુને એકમાત્ર ભગવાન તરીકે જાહેર કરતી શપથ દર્શાવતા… pic.twitter.com/60bQWRBNyr
જાણવા મળ્યા અનુસાર, વિડીયોમાં જે પુરુષ જોવા મળે છે તે કમલ નાસકર નવસારીની સેવન્થ ડે ઈંગ્લીશ મીડિયા સ્કૂલમાં ફરજ બજાવે છે. સાથે તેની પત્ની સરિતા નાસકર પણ દેખાય છે, જે શપથ લેવડાવતી વિડીયોમાં જોવા મળે છે. આ વિડીયો સામે આવ્યા બાદથી હિંદુ સંગઠનોમાં રોષ વ્યાપી ગયો હતો અને આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ વગેરે સંગઠનોએ નવસારી જિલ્લા પોલીસ વડાને એક આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.
હિંદુ સંગઠનોએ કમલ અને તેની પત્ની સરિતા પર ગરીબ હિંદુઓને લાલચ આપીને ખોટી રીતે ધર્માંતરિત કરવાનો આરોપ લગાવ્યો છે. તેમની સામે FIR નોંધીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે, તેમજ જણાવવામાં આવ્યું છે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો ધરણાં કરવામાં આવશે.
આ મામલે બીજી તરફ, શાળાએ જણાવ્યું છે કે વિડીયો તેમની શાળાનો નથી. શિક્ષક સામે કાર્યવાહીને લઈને જણાવ્યું હતું કે, ઉચ્ચ સ્તરેથી કાર્યવાહીના આદેશની રાહ જોવામાં આવી રહી છે, ત્યારબાદ જ પગલાં ભરવામાં આવશે.
વિડીયો 8-9 મહિના જૂનો, બારડોલીના કોઈ ગામનો
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા અનુસાર, વિડીયો સુરતના બારડોલી તાલુકાના એકાદ ગામનો છે અને 8થી 9 મહિના જૂનો છે. શિક્ષક દંપતી કોઈ સભામાં હાજરી આપવા માટે ગયું હતું, ત્યાં આવા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ અને વિવાદ થયા બાદ સરિતાએ એક વિડીયો બનાવીને માફી માંગી લીધી હતી. તેણે કહ્યું કે, “મેં જોયું કે અમારો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આમાં કોઈ સ્કૂલ સામેલ નથી કે ધર્માંતરણનો આશય ન હતો. એક જગ્યાએ પ્રાર્થના સભામાં મેં આ વાત કહી હતી. પરંતુ અમુક શબ્દો એવા છે, જેના કારણે મારા હિંદુ ભાઈ-બહેનોની લાગણીને ઠેસ પહોંચી હશે, જેના મારે હું માફી માગું છું. હવે પછી અમારાથી આવી કોઈ ભૂલ નહીં થાય. અમારો આશય ધર્મને ઠેસ પહોંચાડવાનો ન હતો.”
સમગ્ર મામલે નવસારી પોલીસે જણાવ્યું હતું કે, ફરિયાદ મળ્યા બાદ તેમણે શાળાની મુલાકાત લીધી હતી, પરંતુ દંપતી કે શાળાના પ્રિન્સિપાલ હાજર ન હતા. તેઓ મળે એટલે ફરીથી આ મામલે પૂછપરછ હાથ ધરવામાં આવશે. હજુ સુધી કોઈ FIRની કાર્યવાહી થઈ હોવાનું જાણવા મળ્યું નથી.