અજમેરની (Ajmer) જાણીતી ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ (Khwaja Moinuddin Chishti Dargah) હાલ ચર્ચાના દાયરામાં આવીને ઊભી રહી છે. હિંદુ સંગઠને દરગાહના સ્થાને સંકટ મોચક શિવ મંદિર હોવાનો દાવો કર્યો છે. અજમેર સિવિલ કોર્ટમાં રજૂ (Ajmer Civil Court) કરવામાં આવેલી દરગાહના સરવેની માંગ કરતી અરજીને કોર્ટે સુનાવણી યોગ્ય ગણાવી છે. આ ઉપરાંત કોર્ટે આ મામલે સુનાવણી માટે 20 ડિસેમ્બરની તારીખ પણ નક્કી કરી છે. કોર્ટમાં અરજી દાખલ કરનાર હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ હાઈકોર્ટના ભૂતપૂર્વ જજના પુસ્તક અને અનેક તથ્યોના આધારે અરજી દાખલ કરી છે.
અરજીને યોગ્ય ઠેરવતા અજમેર સિવિલ કોર્ટે લઘુમતી મંત્રાલય, દરગાહ કમિટી એને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને નોટિસ પાઠવીને 20 ડિસેમ્બર સુધીમાં પોતાનો પક્ષ રાખવા માટે હાજર રહેવા કહ્યું છે. 20 ડિસેમ્બરના રોજ ત્રણેય પક્ષકારોએ પોતાનો પક્ષ લઈને કોર્ટમાં હાજર રહેવું અનિવાર્ય છે. ઉપરાંત હિંદુ સેનાના અધ્યક્ષે દાવો કર્યો છે કે, તેમણે 2 વર્ષના રિસર્ચ બાદ અરજી દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
2 વર્ષનું રિસર્ચ, હાઈકોર્ટના સિવિલ જજના પુસ્તકનો હવાલો અને બીજું ઘણું
અરજદાર હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ આ સમગ્ર ઘટનાને લઈને દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, તેમણે 2 વર્ષના સંશોધન બાદ અને રિટાયર્ડ જજ હરબિલાસ શારદાના પુસ્તક ‘અજમેર: હિસ્ટોરિકલ એન્ડ ડિસ્ક્રિપ્ટિવ’માં આપવામાં આવેલાં તથ્યોના આધારે આ અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું કે, પુસ્તકમાં ઉલ્લેખ છે કે, અજમેર દરગાહના સ્થાન પર એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું અને દરગાહ સ્થળ પર જ બનેલા શિવ મંદિરમાં પૂજા-અર્ચના પણ કરતું હતું. તે સિવાય પણ અનેક તથ્યો છે, જે સાબિત કરે છે કે, આ દરગાહ પહેલાં ત્યાં એક શિવ મંદિર હતું. તેમણે કહ્યું છે કે, દરગાહના તહેખાનામાં મંદિરનું ગર્ભગૃહ હતું.
તેમણે વધુમાં કહ્યું કે, “મેં અજમેરના લોકોને કહેતા સાંભળ્યા હતા અને આસપાસમાં ઘણી વખત તેવા દાવા પણ થતા હતા કે, દરગાહના સ્થાને પહેલાં સંકટ મોચક મહાદેવ મંદિર હતું. તેની બનાવટને લઈને પણ લોકો શંકા સેવી રહ્યા છે.” પૂર્વ જજના પુસ્તકને ટાંકીને તેમણે દાવો કર્યો હતો કે, તે પુસ્તકમાં પણ કહેવામાં આવ્યું છે કે અજમેર દરગાહના સ્થાને પહેલાં એક હિંદુ શિવ મંદિર હતું.
બાંધકામની શૈલી, નક્શીકામ અને બીજું ઘણું…
વિષ્ણુ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ જ્યારે પણ અજમેર આવતા હતા, ત્યારે ત્યાંનાં સ્થાનિક લોકો કહેતા કે, અહીં એક પ્રસિદ્ધ હિંદુ મંદિર હતું. તેમણે કહ્યું, “દરગાહના દરવાજા અને તેની ઇમારતના બાંધકામની શૈલી અને નક્શીકામ હિંદુ મંદિરોની યાદ અપાવે છે.” વધુમાં ફરીથી તેમણે ભૂતપૂર્વ જજના પુસ્તકને ટાંકીને કહ્યું હતું કે, “હરબિલાસ શારદાના પુસ્તવમાં આ વિશેની વિગતે માહિતી પણ આપવામાં આવી છે. હરબિલાસ શારદા કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. તેઓ જોધપુર હાઈકોર્ટમાં સિનિયર જજ તરીકે કાર્ય કરી ચૂક્યા છે. તેઓ અજમેર મેરવાડાના ન્યાયિક વિભાગમાં પણ સામેલ હતા. તેમણે 1911માં એક પુસ્તક લખ્યું હતું.” ગુપ્તાએ દાવો કર્યો કે, આ પુસ્તક ખોટું સાબિત થઈ શકશે નહીં.
ક્યા છે મુખ્ય ત્રણ દાવા?
હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષે પોતાની અરજીમાં પહેલો દાવો દરવાજાઓની બનાવટ અને નક્શીકામને લઈને કર્યો છે. તેમણે કહ્યું છે કે, “દરગાહમાં મોજૂદ બુલંદ દરવાજાની બનાવટ હિંદુ મંદિરોના દરવાજા જેવી જ છે, નક્શીકામને જોઈને પણ અંદાજો લગાવી શકાય છે કે, આ સ્થળ પહેલાં હિંદુ મંદિર રહી ચૂક્યું હતું.”
તેમનો બીજો દાવો છે ઉપરી સ્ટ્રક્ચરને લઈને. તેમણે કહ્યું છે કે, “દરગાહના ઉપરી સ્ટ્રક્ચરને જોતાં લાગે છે કે, ત્યાં હિંદુ મંદિરના અવશેષો પણ છે. ગુંબદને જોઈને સરળતાથી અંદાજો લગાવી શકાય છે કે, હિંદુ મંદિરને તોડીને જ અહીં દરગાહ બનાવવામાં આવી હતી.
તેમનો ત્રીજો દાવો પાણી અને ઝરણાને લઈને છે. તેમણે કહ્યું કે, “જ્યાં-જ્યાં શિવ મંદિર છે, ત્યાં-ત્યાં પાણી અને ઝરણાં હોવાનાં જ. અજમેર દરગાહ સ્થાને પણ એવું જ છે. મુસ્લિમ આક્રાંતા જો એક વિદ્યાલયને તોડીને ‘ઢાઈ દીન કા ઝોપડા’ બનાવી શકે, તો શિવ મંદિર પણ તેમણે જ તોડ્યું હોવું જોઈએ.”
આ ઉપરાંત વિષ્ણુ ગુપ્તાના વકીલ રામસ્વરૂપ બિશ્નોઈએ જણાવ્યું છે કે, સિવિલ જજ મનમોહન ચંદેલની બેન્ચે આ કેસની સુનાવણીને લઈને આગામી તારીખ નક્કી કરી છે. આ કેસ ભગવાન શ્રી સંકટ મોચક મહાદેવ વિરાજમાન અને દરગાહ કમિટી વચ્ચે લડવામાં આવશે. આ સાથે જ અજમેર દરગાહના મુખ્ય ઉત્તરાધિકારી અને ખ્વાજાના વંશજ નસરુદ્દીન ચિશ્તીએ આ ઘટનાને સસ્તી માનસિકતા ગણાવી દીધી છે.