બાંગ્લાદેશમાં (Bangladesh) હિંદુવિરોધી હિંસા, હિંદુઓ પર અત્યાચાર વચ્ચે હવે ત્યાંની હાઈકોર્ટમાં હિંદુ સંસ્થા ઈસ્કોન (ISKCON) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે એક અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે હાઈકોર્ટે સરકારનો પક્ષ માંગતાં યુનુસ સરકાર તરફથી એટર્ની જનરલે ઈસ્કોનને ‘ધાર્મિક કટ્ટરપંથી સંગઠન’ જણાવ્યું હતું અને કહ્યું હતું કે, સરકાર તેની તપાસ કરી જ રહી છે. આ મામલે કોર્ટે વધુ વિસ્તૃત જવાબ ગુરુવાર (28 નવેમ્બર) સવાર સુધીમાં રજૂ કરવા માટે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાક્રમ એવા સમયે થઈ રહ્યો છે, જ્યારે ઇસ્કોનના હિંદુ સંત ચિન્મય કૃષ્ણદાસની ધરપકડને લઈને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને ભારત પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે.
બાંગ્લાદેશમાં ઈસ્કોન પર પ્રતિબંધ મુકવાનું અને તેને કટ્ટરપંથી સંગઠન સાબિત કરવાનું ષડ્યંત્ર ઘણા સમયથી ચાલી રહ્યું છે. દરમ્યાન તાજેતરમાં બાંગ્લાદેશમાં સક્રિય ઇસ્કોનના હિંદુ સંત ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ બાદ હિંદુઓએ વિરોધ શરૂ કર્યો અને ઘણાં ઠેકાણે રેલીઓ પણ યોજાઈ હતી. બીજી તરફ, બુધવારે એક વકીલે બાંગ્લાદેશ હાઈકોર્ટમાં ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજી દાખલ કરી. જેમાં તેમણે સંત ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ બાદ થયેલા કથિત હોબાળા અને હિંસાના અહેવાલો આપતા લેખો અને અખબારોનો હવાલો આપ્યો હતો.
બીજી તરફ, આ મામલે ISKCON વિરુદ્ધ કોઈપણ કાર્યવાહીનો નિર્ણય લેતાં પહેલાં કોર્ટે બાંગ્લાદેશની વચગાળાની સરકારે આ મામલે શું પગલાં લીધાં તે અંગેની માહિતી 28 નવેમ્બર સુધીમાં આપવા માટે કહ્યું હતું. દરમ્યાન, કોર્ટમાં હાજર એટર્ની જનરલ અસદુઝ્ઝમાએ ટૂંકો જવાબ પણ રજૂ કર્યો હતો. નોંધનીય છે કે આ જ એટર્ની જનરલ બાંગ્લાદેશના બંધારણમાંથી ‘સેક્યુલર’ અને ‘સમાજવાદ’ શબ્દ હટાવવાની માંગ કરી ચૂક્યા છે.
કોર્ટે એટર્ની જનરલ પાસેથી ઈસ્કોન વિશે માહિતી માંગી અને પૂછ્યું કે બાંગ્લાદેશમાં તેની સ્થાપના કેવી રીતે થઈ? કોર્ટમાં સરકારનો પક્ષ રજૂ કરતી વખતે બાંગ્લાદેશના એટર્ની જનરલ મોહમ્મદ અસદુઝ્ઝમાએ કહ્યું કે, ઈસ્કોન એ કોઈ રાજકીય પાર્ટી નથી પણ ધાર્મિક કટ્ટરપંથી સંગઠન છે. સાથે કોર્ટને વિનંતી કરતાં કહ્યું કે, હાલ તેઓ આ મુદ્દે કોઈ નિર્ણય ન કરે, કારણ કે સરકારે સંગઠન વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી જ દીધી છે. જોકે, ઇસ્કોનને આ રીતે ‘કટ્ટરપંથી સંગઠન’ કહેવા પર કોર્ટમાં હાજર હિંદુ જૂથના વકીલોએ વાંધ પણ ઉઠાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બરે ચિન્મય કૃષ્ણ દાસને ચિત્તાગોંગના છઠ્ઠા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કાઝી શરીફુલ ઈસ્લામની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. જ્યાં કોર્ટે જામીન અરજી ફગાવીને તેમને જેલમાં મોકલી દીધા હતા. જેના કારણે તેમના સમર્થકો અને હિંદુઓએ રસ્તા પર આવીને વિરોધ શરૂ કરી દીધો હતો.