વડોદરા (Vadodara) શહેરના સાવલી (Savli) ખાતે સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધ સાથે કૃત્ય થયું હોવાની ઘટના સામે આવી હતી. આફતાબ નામના એક ઈસમે એક સગીરનું અપહરણ કર્યા બાદ તેની સાથે કુકૃત્ય કર્યું હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસના ચોપડે નોંધવામાં આવી છે. ઉપરાંત, તેણે કોઈને કહેવા પર સગીરને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
સમગ્ર ઘટના વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામ ખાતે બની હતી. પોલીસ મથકે નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, ગોઠડા ગામમાં રહેતો આફતાબ ઉર્ફે બોડો સઇદ ચૌહાણ મોડી રાત્રે સગીરને ઉઠાવી લઇ ગયો હતો. તેણે બાળકનું અપહરણ કર્યું અને તેની બાઈક ઉપર ચોરપુરા ગામની સીમમાં લઈ ગયો હતો. જ્યાં સૂમસામ ઠેકાણે લઈ જઈને બાળકનું મોઢું દબાવી સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આરોપ છે કે, સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્યા બાદ આરોપીએ સગીરને ધમકાવ્યો પણ હતો. આરોપીએ સગીરને ધમકી આપી હતી કે જો તે કોઈને આ બાબતની જાણ કરશે, તો તે તેને જાનથી મારી નાખશે. જોકે, દુષ્કૃત્યનો ભોગ બનેલ સગીરે ઘરે પરત ફરીને તેની સાથે બનેલ અણબનાવ પરિવારને જણાવ્યો હતો. ઘટનાની જાણ થયા બાદ પરિવારે આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
POCSO અંતર્ગત નોંધાઈ ફરિયાદ
ઉલ્લેખનીય છે કે આફતાબે આચરેલા કૃત્ય અંગેની જાણ સગીરના પરિવારજનોને થતા પરિવારે સાવલી પોલીસ મથકમાં આફતાબ ઉર્ફે બોડો ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે સાવલી પોલીસે આફતાબ ઉર્ફે બોડો વિરુદ્ધ POCSO સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. સ્થાનિકો પણ આરોપીને કડક સજા કરવાની માંગ કરી રહ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે આફતાબ માનસિક રીતે વિકૃત હતો. જોકે આરોપીની ધરપકડ થઈ કે કેમ તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી, પરંતુ સાવલી પોલીસ મથકના પી.એસ.આઇ ડી. જે. લીંબોલાએ ગુનો દાખલ કર્યા બાદ આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાની માહિતી મળી હતી. આરોપીની ધરપકડ બાદ કેસમાં વધુ ખુલાસા થઇ શકે છે.