Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણઆમ આદમી પાર્ટીએ અત્યારથી જાહેર કરવા માંડ્યા વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો: પહેલી યાદીમાં...

    આમ આદમી પાર્ટીએ અત્યારથી જાહેર કરવા માંડ્યા વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો: પહેલી યાદીમાં 11 નામ, 6 ભાજપ-કોંગ્રેસમાંથી આવેલા

    AAP દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોમાં, 6 ઉમેદવારો એવા છે, જે પહેલાં ભાજપ અથવા તો કોંગ્રેસમાં રહીને કામ કરતા હતા. જયારે બાકીના 5 ઉમેદવારોમાંથી 3 ઉમેદવારો નવા છે અને 3 ઉમેદવારો AAPના વફાદાર ઉમેદવારો છે.

    - Advertisement -

    2025ના ફેબ્રુઆરી મહિનામાં દિલ્હી વિધાનસભાનો (Delhi Assembly) કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, જેથી ફરીથી ચૂંટણી યોજાશે. હજુ જોકે ચૂંટણીની એટલી ચર્ચા પણ નથી અને ચૂંટણી પંચે પણ અધિકારિક રીતે કોઈ જાહેરાત કરી નથી. પરંતુ સત્તાધારી આમ આદમી પાર્ટીએ (AAP) ઉમેદવારો જાહેર કરવાના શરૂ કરી દીધા છે. ગુરુવારે (21 નવેમ્બર) ઉમેદવારોની પ્રથમ યાદી (Candidates List) જાહેર કરવામાં આવી, જેમાં કુલ 11 નામો છે. જેમાંથી 6 ઉમેદવારો એવા છે, જે ભાજપ અથવા કૉંગ્રેસમાંથી AAPમાં આવેલા છે.

    અહેવાલો મુજબ, 21 નવેમ્બરે આમ આદમી પાર્ટીના નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા PACની બેઠક યોજાઈ હતી. PAC બેઠકમાં અરવિંદ કેજરીવાલની પાર્ટી AAP દ્વારા દિલ્હી વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો અને પછી યાદી જાહેર પણ કરવામાં આવી છે. આ યાદીમાં કુલ 11 ઉમેદવારોના નામ છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના ભૂતપૂર્વ નેતાઓનો પણ સમાવેશ જોવા મળ્યો છે. ઉપરાંત 2 ઉમેદવારો એવા પણ છે, જેમના પર EDની કાર્યવાહી ચાલી રહી છે.

    ઉલ્લેખનીય છે કે, AAP દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોમાં, 6 ઉમેદવારો એવા છે, જે પહેલાં ભાજપ અથવા તો કોંગ્રેસમાં રહીને કામ કરતા હતા. જયારે બાકીના 5 ઉમેદવારોમાંથી 3 ઉમેદવારો નવા છે અને 3 ઉમેદવારો AAPના વફાદાર ઉમેદવારો છે. જેમાં રોહતાસ નગરના ભૂતપૂર્વ ધારાસભ્ય સરિતા સિંઘ, બદરપુરના ભૂતપૂર્વ ધારાસભ્ય રામ સિંઘ નેતાજી અને 2020ના વિશ્વાસ નગરના ઉમેદવાર અને મહારાષ્ટ્ર અને ગોવા AAPના પ્રભારી દીપક સિંઘલાનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    AAP દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી

    1. બ્રહ્મ સિંઘ તંવર (ભૂતપૂર્વ ભાજપ ધારાસભ્ય): છતરપુર
    2. અનિલ ઝા (ભૂતપૂર્વ ભાજપ ધારાસભ્ય): કિરાડી
    3. બીબી ત્યાગી (ભૂતપૂર્વ ભાજપ કાઉન્સિલર): લક્ષ્મી નગર
    4. વીર સિંઘ ધીંગાન (ભૂતપૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય): સીમાપુરી
    5. સુમેશ શોકીન (ભૂતપૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય): મટિયાલા
    6. ઝુબેર ચૌધરી : સીલમપુર (કોંગ્રેસ નેતા)
    7. સરિતા સિંઘ (ભૂતપૂર્વ AAP ધારાસભ્ય): રોહતાસ નગર
    8. રામ સિંઘ નેતાજી (ભૂતપૂર્વ AAP ધારાસભ્ય): બાદરપુર
    9. દીપક સિંઘલા: વિશ્વાસ નગર
    10. ગૌરવ શર્મા: ઘોંડા
    11. મનોજ ત્યાગી: કરાવલ નગર

    ઉપરાંત AAP દ્વારા જાહેર કરાયેલા 11 ઉમેદવારોમાંથી 6 કોંગ્રેસ અથવા ભાજપના નેતાઓ છે. તેમણે તાજેતરમાં જ AAPનું સભ્યપદ લીધું હતું. છતરપુરથી ઉમેદવાર બનાવવામાં આવેલા બ્રહ્મ સિંઘ તંવરે 1 નવેમ્બર, 2024ના રોજ જ AAPનું સભ્યપદ લીધું હતું. આ પહેલાં તેઓ ત્રણ વખત ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 1993, 1998 અને 2013માં ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. તેમની સીટ પરથી AAP ધારાસભ્ય કરતાર સિંઘ તંવર ભાજપમાં જોડાયા હતા. આ પછી બ્રહ્મ સિંઘ ભાજપ છોડીને AAPમાં જોડાયા હતા. તેઓ 2015 અને 2020માં કરતાર સિંઘ સામે હારી ચૂક્યા છે. તે સિવાય અનિલ ઝાને પણ ટિકિટ આપવામાં આવી છે, તેઓ પણ 17 નવેમ્બરે જ AAP સાથે જોડાયા હતા.

    નોંધનીય છે કે, આવતા વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હી વિધાનસભાની 70 સીટો પર ચૂંટણી થવાની સંભાવનાઓ છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં જ AAP પોતાની તૈયારીઓ કરવા લાગી છે અને ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી ચૂકી છે. 2020માં યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પૂર્ણ બહુમતી મેળવી અને 70માંથી 62 બેઠકો જીતી હતી. જયારે ભાજપે 8 બેઠકો પર વિજય મેળવ્યો હતો અને કોંગ્રેસ ખાતું પણ ખોલી શકી નહોતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં