સુરતમાં (Surat) પાલ (Pal) વિસ્તારમાં આવેલા ગ્રીનસિટીમાં (Green City) ખ્રિસ્તી પંથના લોકોના (Christian) ‘શાઓલ’ સંમેલનને લઈને ભારે હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, આ ઘટનાની જાણ થયા બાદ લગભગ 2થી 3 હજાર જેટલા હિંદુઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ કરવા લાગ્યા હતા. તેમનો આરોપ છે કે, સત્સંગ સભાના નામે ખ્રિસ્તી મિશનરીઓ ધર્મ પરિવર્તન કરાવે છે. ઘટનાની જાણ થયા બાદ મોટી સંખ્યામાં હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
માહિતી અનુસાર, આ ઘટના બુધવારે (20 નવેમ્બર) સાંજે સુરતમાં આવેલા પાલ વિસ્તાર સ્થિત ગ્રીનસિટીમાં બિલ્ડિંગ નંબર 13માં બનવા પામી હતી. માહિતી અનુસાર, 40 જેટલા ખ્રિસ્તી સમુદાય સાથે સંકળાયેલા લોકોએ અહીં ‘શાઓલ’ સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં વડોદરાથી કાર અને બસ દ્વારા ઘણા ખ્રિસ્તી લોકો ભાગ લેવા આવ્યા હતા. આ કાર્યક્રમ વિશેની જાણ સ્થાનિક લોકોને થતાં તેનો ભારે વિરોધ થવા લાગ્યો હતો.
હિંદુ સંગઠનોએ રસ્તા પર આવીને કર્યો વિરોધ
પોતાના રહેણાંક વિસ્તારમાં ‘શાઓલ સંમેલન’ જેવા કાર્યક્રમને લઈને સ્થાનિક હિંદુઓએ વિવિધ સંગઠનોમાં જાણ કરી હતી. જે બાદ વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના વિવિધ હિંદુ સંગઠનોના લગભગ 2000 જેટલા લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને કાર્યક્રમનો ભારે વિરોધ પણ કર્યો હતો. જાણવા મળ્યું છે કે, હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ ‘જય શ્રીરામ, અહીં તમારું શું કામ’ અને ‘જય બજરંગબલી’ જેવા નારા લગાવીને આ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. હિંદુ સંગઠનોનો આરોપ છે કે, સત્સંગ સભાના નામે ખ્રિસ્તી મિશનરીઓનું ધર્માંતરણ રેકેટ ચાલે છે. ઘટના વધતી જોઈને પાલ પોલીસ સ્ટેશન સ્ટાફે ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત સુરત વિભાગ વિશ્વ હિંદુ પરિષદના મંત્રી નીલેશ અકબરીએ આ ઘટનાને લઈને નિવેદન પણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “સુરત શહેરમાં હાલ શાંતિનો માહોલ છે. ત્યારે ખ્રિસ્તી સમુદાયના અમુક લોકોએ હિંદુ વિસ્તારમાં જઈને અશાંતિ ફેલાવવાના ઈરાદે સત્સંગ સંધ્યા યોજીને ગરીબ પરિવારના લોકોની લાગણીઓ સાથે છેડછાડ કરી ધર્મ પરિવર્તન કરાવવાના પેંતરા ઘડ્યા છે. પાલ ખાતેના હિંદુ વસાહતોમાં જઈને ખ્રિસ્તી ધર્મના સંમેલનના નામે અશાંતિ ફેલાવનારા સામે પોલીસ કાયદેસર કાર્યવાહી કરે એવી માંગ છે. ધર્મના પ્રચારના નામે અને સત્સંગ સભાના નામે ધર્મ પરિવર્તન કરવાની પ્રવૃત્તિને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં.