ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સંભલ (Sambhal) જિલ્લામાં જામા મસ્જિદને લઈને વિવાદ વધુ પ્રબળ બની રહ્યો છે. એડવોકેટ વિષ્ણુ શંકર જૈન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં જામા મસ્જિદ (Jama Masjid) તરીકે ઓળખાતી જગ્યા પર અગાઉ એક હિંદુ મંદિર હતું, જેને 1529માં ઇસ્લામી આક્રમણખોર બાબર (Babar) દ્વારા તોડીને મસ્જિદમાં ફેરવવામાં આવ્યું હતું. આ અરજીમાં કોર્ટમાં મસ્જિદનો સરવે કરાવવાની માંગ કરવામાં આવી હતી, જેને સંભલની ડિસ્ટ્રિક્ટ કોર્ટે મંગળવારે (19 નવેમ્બર 2024) સ્વીકારી હતી અને એડવોકેટ કમિશનર દ્વારા સરવે કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
એડવોકેટ વિષ્ણુ શંકર જૈને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર કોર્ટનો નિર્ણય શેર કરતા જણાવ્યું કે, તેમના દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર અદાલતે સર્વેક્ષણનો આદેશ આપ્યો છે. અરજીમાં તેમણે દાવો કર્યો છે કે, સંભલ ખાતેની તે જગ્યા પ્રાચીન સમયમાં હરિહર મંદિર તરીકે જાણીતી હતી. વિષ્ણુ શંકરે કહ્યું કે, વર્ષ 1529માં બાબરે આ જગ્યાને તોડીને મસ્જિદ બનાવી હતી. આ જ પોસ્ટમાં તેમણે હિંદુઓની આસ્થાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેઓ માને છે કે ભગવાન કલ્કિ ભવિષ્યમાં તે સ્થાન પર અવતરશે.
Today the Hon’ble Civil Court sambhal on my petition has directed survey by advocate commissioner in alleged jami masjid in sambhal which was known as hari har mandir. Babur partly demolished this place in 1529. It is believed that kalki avatar is to happen at sambhal.
— Vishnu Shankar Jain (@Vishnu_Jain1) November 19, 2024
મીડિયા સાથે વાત કરતા વિષ્ણુ શંકર જૈને બાબરને ક્રૂર આક્રમણખોર ગણાવ્યો અને કહ્યું કે, તેમણે આ અરજી ઐતિહાસિક પુરાવા અને હિંદુ માન્યતાઓના આધારે દાખલ કરી છે. તેમણે આ કેસમાં ઉત્તર પ્રદેશ સરકાર, ભારત સરકાર, પુરાતત્વ વિભાગ (ASI), સંભલના જિલ્લા મેજિસ્ટ્રેટ અને જામા મસ્જિદ સમિતિને પક્ષકાર બનાવ્યા છે. અરજદારે મસ્જિદ તરીકે સ્થળના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો છે, કારણ કે તે ASI સંરક્ષિત સ્થળ છે. તેમનો દાવો છે કે હરિહર મંદિરનો હાલમાં ખોટી રીતે મસ્જિદ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
અરજીમાં, તેમણે કોર્ટ પાસે માંગ કરી હતી કે, ભારતીય નાગરિક પ્રક્રિયા સંહિતા (CPC)ના ઓર્ડર 26ના નિયમ 9 અને 10 હેઠળ, એક એડવોકેટ કમિશનરની નિમણૂક કરીને વિવાદિત સ્થળનો સરવે કરવામાં આવે. તેમની માંગણી સ્વીકારીને કોર્ટે સર્વે માટે એડવોકેટ કમિશનરની નિમણૂક કરી છે.
વિષ્ણુ શંકર જૈને કહ્યું કે, કોર્ટના આ આદેશનો વહેલી તકે અમલ થાય તે માટે તેઓ જરૂરી પગલાં લેશે. તેમણે અરજીમાં એવી પણ વિનંતી કરી છે કે, વિવાદિત સ્થળનો મસ્જિદ તરીકે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. તેમનું કહેવું છે કે, આ સાઇટ હિંદુ આસ્થા અને ઇતિહાસ સાથે જોડાયેલી છે અને તેનો ઉપયોગ કોઈ ધાર્મિક વિવાદનું કારણ ન બનવું જોઈએ.
આ નિર્ણય બાદ આ મામલો માત્ર કાયદાકીય જ નહીં પરંતુ ધાર્મિક અને સાંસ્કૃતિક સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો છે. હવે સરવેની પ્રક્રિયા અને તેના પરિણામો આ વિવાદને કઈ દિશામાં લઈ જશે તેના પર સૌની નજર છે.