Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટધાર્યું હતું એમ જ થયું: રજાના દિવસે કેવી છે લાલ સિંઘ ચઢ્ઢાની...

    ધાર્યું હતું એમ જ થયું: રજાના દિવસે કેવી છે લાલ સિંઘ ચઢ્ઢાની શરૂઆત? – ફિલ્મ ક્રિટિક તરન આદર્શે આપી સલાહ; સ્વરા ભાસ્કર પણ મેદાનમાં

    આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢાની શરૂઆત નબળી રહી છે, જેની સાથે વધુ એક ફિલ્મ પર ફ્લૉપ થવાનું સંકટ તોળાઈ રહ્યું છે.

    - Advertisement -

    વિવાદોમાં ઘેરાયેલી આમિર ખાન અને કરીના કપૂર ખાન અભિનીત ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢા આખરે આજે દેશભરનાં થીએટરોમાં રિલીઝ થઇ ગઈ છે. જોકે, જે પ્રકારનું અનુમાન હતું તેવું જ બન્યું છે અને ફિલ્મની શરૂઆત ઘણી નબળી થઇ છે. ફિલ્મ બહુ મોટા ખર્ચે બનાવવામાં આવી હતી અને પ્રચાર કરવાના પણ બહુ પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ દર્શકોનો પ્રતિસાદ જોઈએ તેવો મળ્યો નથી. 

    આમિર ખાનની ફિલ્મને પહેલા દિવસે 15-20 ટકાની જ શરૂઆત મળી છે. જ્યારે અક્ષય કુમારની રક્ષાબંધનને 12-15 ટકાની શરૂઆત મળી છે. અગાઉની ફિલ્મો ફ્લૉપ થયા બાદ લાલ સિંઘ ચઢ્ઢા પર બૉલીવુડને આશા હતી, પરંતુ તેની ઉપર પણ પાણી ફરી વળ્યું છે. અગાઉ લાલ સિંઘ ચઢ્ઢા 15-17 કરોડની શરૂઆત કરશે તેમ માનવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે તે 10-15 કરોડ પર અટકી જાય તેમ લાગી રહ્યું છે. રક્ષાબંધન, 15 ઓગસ્ટ, પતેતી વગેરે રજાઓનો પણ ફિલ્મને કોઈ લાભ મળતો જણાઈ રહ્યો નથી.

    કોરોના મહામારી પછીના સમયગાળામાં બૉલીવુડની મોટાભાગની ફિલ્મો ફ્લૉપ રહી છે. હાલમાં જ આવેલી શમશેરા હોય કે, તે પહેલાં આવેલી તાપસી પન્નુની ‘શાબાશ મિથુ’, ફિલ્મોને દર્શકોનો જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો ન હતો અને લોકો ફિલ્મ જોવા માટે જ પહોંચ્યા ન હતા. શમશેરા જેવી ફિલ્મોના શૉ પણ રદ કરવા પડ્યા હતા. 

    - Advertisement -

    ફિલ્મ રજાના દિવસે રિલીઝ કરવામાં આવી છે. ઉપરાંત 15 ઓગસ્ટ, પતેતી જેવા તહેવારોની પણ રજા રહેશે. તેમ છતાં ફિલ્મનું કલેક્શન અગાઉની ફિલ્મો કરતાં પણ ઓછું રહેવાનું અનુમાન છે. આ વર્ષે કોઈ ફિલ્મ પહેલા દિવસે 15 કરોડની પણ કમાણી કરી શકી નથી. લાલ સિંઘ ચઢ્ઢાની પણ શરૂઆત નબળી થતાં તેનું કલેક્શન પણ ઓછું જ થશે તેમ માનવામાં આવી રહ્યું છે. 

    બીજી તરફ, ફિલ્મને લઈને રિવ્યૂ આવવાના શરૂ થઇ ગયા છે. જાણીતા ફિલ્મ ક્રિટીક તરન આદર્શે આ ફિલ્મને નિરાશ કરનારી ગણાવી છે. તેમણે કહ્યું કે, ફિલ્મ અડધેથી પકડ ગુમાવી દે છે અને સ્ક્રીનપ્લે પણ નબળો જોવા મળે છે તેમજ બીજા ભાગમાં ફિલ્મ વધુ નિરાશ કરે છે. તેમણે ફિલ્મને 5માંથી 2 સ્ટાર આપ્યા છે.

    રિપોર્ટ અનુસાર, આમિર ખાનની ફિલ્મની શરૂઆત 10 મહિના પહેલાં આવેલી અક્ષય કુમાર અને રણવીર સિંઘ અભિનીત ફિલ્મ ‘સૂર્યવંશી’ કરતાં પણ નબળી રહી છે. ફિલ્મ ક્રિટીક તરન આદર્શે એક ટ્વિટમાં જણાવ્યું છે કે, 10 મહિના પહેલાં સૂર્યવંશી ફિલ્મે સૌથી સારી શરૂઆત કરી હતી, જે બાદ એકેય ફિલ્મ એવી શરૂઆત કરી શકી નથી. આ ફિલ્મે ત્રણ દિવસમાં લગભગ 75 કરોડની કમાણી કરી હતી. આ એ સમય હતો જ્યારે કેટલાંક રાજ્યોમાં થીએટરો 50 ટકા ક્ષમતા સાથે જ ચાલતાં હતાં. 

    બીજી તરફ, આજે 100 ટકા ક્ષમતા સાથે ચાલતાં થીએટરો અને મોટા અભિનેતાઓની ફિલ્મો પણ ખાસ કમાલ કરી શકી નથી. તરન આદર્શ કહે છે કે બૉલીવુડે બહાનાં શોધવાની જગ્યાએ આત્મમંથન કરવાની જરૂર છે. 

    વર્ષ 2022માં ભૂલ ભુલૈયા ફિલ્મે પહેલા દિવસે 14.11 કરોડની કમાણી કરી હતી. જ્યારે ત્રણ દિવસની કમાણી 55.96 કરોડ જેટલી હતી. જે આ વર્ષનો રેકોર્ડ છે. એટલે કે આ વર્ષે બૉલીવુડની કોઈ ફિલ્મ પહેલા દિવસે 15 કરોડ રૂપિયા પણ કમાઈ શકી નથી.

    બીજી તરફ, ફિલ્મની શરૂઆત નબળી જણાતાં બૉલીવુડ ‘અભિનેત્રી’ સ્વરા ભાસ્કરે પણ ટ્વિટર પર પ્રચાર કરવા માંડ્યો છે અને લોકોને મોટા પડદે ફિલ્મ જોવા માટે અપીલ કરી છે. જોકે, લોકોએ આવી અપીલ બહુ ગંભીરતાથી લેવાનું માંડી વાળ્યું હોય તેમ લાગી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં