જમ્મુ-કાશ્મીરમાં (Jammu-Kashmir) સરકાર બનાવ્યા બાદ કોંગ્રેસ (Congress) અને નેશનલ કોન્ફરન્સ (National Conference) વારંવાર કલમ 370 (Article 370) પરત લાવવાના ખોખલા દાવા કરી રહ્યા છે. આ મામલે વિધાનસભામાં ઘણું ઘમાસાણ પણ મચી ચૂક્યું છે. કોંગ્રેસ અને NCએ તેમના ચૂંટણી પ્રચારમાં પણ કલમ 370 પરત લાવવાના વાયદાઓ કર્યા હતા. ત્યારે મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત (Amit Shah) શાહે ફરી એક વાર કોંગ્રેસ અને NCનો ઉધડો લેતાં કહ્યું કે જો પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી (Indira Gandhi) પણ સ્વર્ગમાંથી ઉતરી આવે તો પણ કલમ 370 પરત લાવી શકશે નહીં.
નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન મહારાષ્ટ્રના ધૂલે જિલ્લામાં આયોજિત પ્રચાર સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. પ્રચાર દરમિયાન તેમણે કહ્યું કે, “મહાયુતિનો અર્થ છે ‘વિકાસ’ અને અઘાડી (મહાવિકાસ અઘાડી)નો અર્થ છે ‘વિનાશ’. હવે તમારે નક્કી કરવાનું છે કે, વિકાસ કરનારાને સત્તામાં લાવવા છે કે, વિનાશ કરનારાને.”
महायुति का मतलब ‘विकास’ है और महा अघाड़ी का मतलब ‘विनाश’ है।
— Amit Shah (@AmitShah) November 13, 2024
महायुतीचा अर्थ “विकास” आहे आणि महाआघाडीचा अर्थ “विनाश” आहे. pic.twitter.com/sWjjZ5mJBz
નોંધનીય છે કે આ જ સભા દરમિયાન તેમણે કલમ 370 અને પૂર્વ PM ઇન્દિરા ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો. શાહે કહ્યું હતું કે, “હું રાહુલ ગાંધીને જણાવી દઉં કે ઈન્દિરા ગાંધી સ્વર્ગમાંથી પાછાં ફરે તો પણ કલમ 370 ફરીથી લાગુ કરી શકાશે નહીં. કાશ્મીર અમારું છે અને એવું જ રહેશે.” ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન શાહે કહ્યું હતું કે કલમ 370 હવે ઇતિહાસ બની ગઈ છે તેને ફરી ક્યારેય લાગુ કરી શકાશે નહીં.
તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ પર નિશાન સાધતાં કહ્યું કે, “PM મોદીએ દેશને સમૃદ્ધ અને સુરક્ષિત બનાવ્યો છે. મનમોહન સિંઘના સમયમાં ભારત વિશ્વ અર્થવ્યવસ્થાની યાદીમાં 11મા સ્થાને હતું, પરંતુ મોદીએ દેશને પાંચમા સ્થાને લાવી દીધો છે. 2027માં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. આઘાડી લોકોને (મહા વિકાસ આઘાડી) ખોટા વાયદા કરે છે.”
આ ઉપરાંત તેમણે મુસ્લિમ અનામતની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “PM નરેન્દ્ર મોદીએ OBC સમુદાયમાંથી 27% મંત્રીઓની નિમણૂક કરી છે. દરેક કેન્દ્રીય સંસ્થામાં OBC અને SC/ST સમુદાયો માટે 27% અનામત છે. પરંતુ રાહુલ બાબાએ કહ્યું છે કે મુસ્લિમોને અનામત આપવું જોઈએ.” શાહે કહ્યું કે “મુસ્લિમોને ક્યારેય અનામત નહીં મળે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ચોથી પેઢી આવશે તો પણ મુસ્લિમોને અનામત મળશે નહીં.”