Thursday, November 14, 2024
More
    હોમપેજદેશસાકેત ગોખલેએ જે સ્થળે બંધ કરાવ્યું જાગરણ, ત્યાં ભજન વગર જ થઈ...

    સાકેત ગોખલેએ જે સ્થળે બંધ કરાવ્યું જાગરણ, ત્યાં ભજન વગર જ થઈ આરતી, ભંડારામાં આવતા પણ ડરતા હતા લોકો: પીડિતોએ ઑપઇન્ડિયાને કહ્યું- આજે ચૂપ રહ્યા તો હોળી-દિવાળી પણ કરાવશે બંધ

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા ઘણા સ્થાનિક લોકોએ પોતાને સાંસદો અને મંત્રીઓના નોકર ગણાવ્યા. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે, સંભવતઃ તેમના ઇન્ટરવ્યુના પ્રકાશન પછી, તેમાંથી ઘણાની નોકરી જોખમમાં આવી શકે છે.

    - Advertisement -

    દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) શનિવાર (9 નવેમ્બર 2024)ના રોજ, પોલીસે ડૉક્ટર વિશ્વંભર દાસ માર્ગ પર શરૂ થનારા મા દુર્ગાના જાગરણને (Maa Durga Jagran) બળજબરીથી બંધ કરાવી દીધું હતું. જાગરણ બંધ કરવા માટેની કાર્યવાહી તૃણમૂલ કોંગ્રેસ (TMC) પાર્ટીના સાંસદ સાકેત ગોખલેના (Saket Gokhale) આદેશ પર કરવામાં આવી હતી. ભક્તોએ સાકેત ગોખલેને ઘણી વિનંતીઓ કરી, તેમની શ્રદ્ધા વ્યક્ત કરી, પરંતુ તેમના પર કોઈ અસર પડી નહીં. આખરે તેમણે તમામ કાર્યક્રમ બંધ કરાવી દીધો હતો.

    અંતે લોકોને ત્યાંથી હટાવવામાં આવ્યા અને સમગ્ર પંડાલ આખી રાત શાંત રહ્યો. આ કાર્યક્રમનું આયોજન મંત્રીઓ અને સાંસદોના નિયુક્ત સહાયકો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાં પરિસ્થિતિ એવી બની કે લોકોએ ભજન-કીર્તન વગેરે વિના જ આરતી કરીને પૂજા પૂરી કરવી પડી હતી. ઑપઇન્ડિયાએ ઘટનાસ્થળે જઈને સમગ્ર ઘટના અને નવીનતમ પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી.

    જ્યાં રોકવામાં આવી મા દુર્ગાની પૂજા, તે જગ્યા CRPF હેઠળની

    દિલ્હીના વિશ્વંભર દાસ માર્ગ પર એમએસ ફ્લેટ સ્થિત છે. અહીં સિંધુ અને ગોમતી નામના બે અલગ-અલગ બ્લોક સહિત એક અન્ય ભાગ પણ એમએસ ફ્લેટનો છે. સિંધુ અને ગોમતી બ્લોકમાં સાંસદો અને ઘણા કેન્દ્રીય મંત્રીઓના રહેઠાણ છે. ઉપરાંત આ લોકોને મળેલા ઘરેલુ સહાયકો એમએસ ફ્લેટમાં છે. આ એક ખૂબ જ ખાસ વિસ્તાર માનવામાં આવે છે. તેના ત્રણેય ભાગ 24 કલાક CRPFના નિરીક્ષણ હેઠળ રહે છે.

    - Advertisement -

    શું હતી સમગ્ર ઘટના?

    એમએસ ફ્લેટના રહેવાસીઓએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, તેઓ બે દાયકા કરતાં વધુ સમયથી તે સ્થળે દુર્ગા પૂજાનું આયોજન કરતાં આવ્યા છે. નવરાત્રિથી શરૂ થયેલી આ પૂજા 35 દિવસ સુધી ચાલતી હતી. એમએસ ફ્લેટના રહેવાસીઓ 35 દિવસના ઉપવાસ પણ કરે છે. શનિવારે જાગરણ બાદ રવિવારે ભંડારાના આયોજનની યોજના બનાવવામાં આવી હતી અને સોમવારે મા દુર્ગાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવવાનું હતું.

    જાગરણના દિવસે એમએસ ફ્લેટના લોકો એકઠા થયા હતા. જેમાં મહિલાઓ, બાળકો, યુવાનો અને વૃદ્ધોનો પણ સમાવેશ થતો હતો. જાગરણ સાંજે 5 વાગ્યે શરૂ થયું હતું. પોલીસ જાગરણ સ્થળે પહોંચી ત્યારે મ્યુઝિક સિસ્ટમમાં ભજન વગાડ્યાને માંડ 15 મિનિટ થઈ હતી. કાર્યક્રમ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે લોકોએ તેમને રોકવાનું કારણ પૂછ્યું તો તેમને કહેવામાં આવ્યું કે, TMC (તૃણમૂલ કોંગ્રેસ)ના સાંસદે કાર્યક્રમ સામે વાંધો ઉઠાવ્યો છે.

    ત્યાં હાજર કેટલાક લોકોએ તેને આસ્થાનું અપમાન ગણાવ્યું, તો પોલીસે તેમને જેલમાં મોકલી દેવાની ધમકી પણ આપી દીધી. આખરે લોકો ડરી ગયા અને મ્યુઝિક સિસ્ટમ બંધ પણ કરી દીધી. આ પછી ભક્તોએ પોલીસને વિનંતી કરી કે તેમને માત્ર તાળીઓ પાડીને માતા રાનીના ભજન ગાવાની મંજૂરી આપવામાં આવે. પોલીસ આ માટે પણ તૈયાર નહોતી. ત્યારબાદ ભક્તોને પરત ફરવાનું કહી દેવામાં આવ્યું અને આખી રાત પંડાલ એકદમ શાંત રહ્યો.

    સમજાવવા ગયા તો ભડકીને ભગાવ્યાં લોકોને

    જ્યારે ભક્તોને ખબર પડી કે, પોલીસે સાકેત ગોખલેના આદેશ પર તેમનો કાર્યક્રમ બંધ કરી દીધો છે, ત્યારે લોકો સાકેત ગોખલેને સમજાવવા માટે ભેગા થયા હતા. સાકેત ગોખલે સાથે લાંબા સમયથી કામ કરનારા કેટલાક વડીલો અને સ્ટાફ પણ તેમને મનાવવા માટે ગયા હતા. આરોપ છે કે, આ તમામને કહેવામાં આવ્યું હતું કે આ કાર્યક્રમને કોઈ પણ સંજોગોમાં ચલાવવા દેવામાં આવશે નહીં. આજીજી કરવા પર તમામ લોકોને ઠપકો આપીને રવાના કરી દેવામાં આવ્યા હતા.

    આરોપ છે કે, અરજી આપવા ગયેલા લોકોને ગોખલેએ જેલમાં મોકલવાની અને ઘર ખાલી કરવાની ધમકી પણ આપી હતી. ગોખલેએ તેમના ભૂતપૂર્વ સ્ટાફને પણ ખૂબ પરેશાન કર્યા હતા. હવે લિફ્ટ ઓપરેટરથી લઈને રિસેપ્શનિસ્ટ સુધીની નોકરી કરતા લોકોની નોકરી જોખમમાં છે. તેમનું માનવું છે કે, ગોખલે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરશે. બધાએ મીડિયા દ્વારા ગોખલેને વિનંતી કરી છે કે, તેમની નોકરી બક્ષવામાં આવે.

    દરમિયાન સાકેત ગોખલેએ મા દુર્ગાના ભંડારા અને જાગરણમાં ભાગ લેવાનું આમંત્રણ પણ ઠુકરાવી દીધું હતું. એમએસ ફ્લેટના રહેવાસીઓના જણાવ્યા અનુસાર, સાકેત ગોખલે આવું કરનાર એકમાત્ર સાંસદ છે. જોકે, લોકો એ પણ સમજી શકતા નથી કે દિલ્હી પોલીસ સાકેત ગોખલેના આદેશને લાગુ કરવામાં આટલી સક્રિય કેવી રીતે થઈ, જ્યારે ત્યાં તો કોઈ ગેરકાયદેસર કામ પણ નહોતું થઈ રહ્યું.

    300 મીટર દૂર, તેમ છતાં ભજનથી શોર!

    TMC સાંસદ સાકેત ગોખલે સમજાવવા આવેલા લોકો સાથે એ વાત પર અડગ રહ્યા હતા કે, જાગરણ ભજનના ‘ઘોંઘાટ’ને કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ્ણે ડોકટરોની સલાહનો હવાલો આપ્યો અને અવાજ નાપસંદ હોવાનું કહ્યું હતું. લોકોએ દાવો કર્યો હતો કે, માતા દુર્ગાનો પંડાલ તેમના ઘરથી 300 મીટર દૂર હતો. લોકો તાળીઓ પાડીને પણ ભજન ગાવા તૈયાર હતા. તાળીઓનો અવાજ તેમના સુધી પહોંચતો પણ નહોતો. તેમ છતાં ગોખલેએ સ્પષ્ટપણે કહ્યું કે, તેઓ કાર્યક્રમને ચાલુ રાખવા દેશે નહીં.

    આસ્થાનું કર્યું અપમાન

    રવિવારે (10 નવેમ્બર) ઑપઇન્ડિયાની ટીમ સવારે 10 વાગ્યે તે પંડાલમાં પહોંચી હતી, જ્યાં સાકેત ગોખલેના આદેશ પર મા દુર્ગાની પૂજા અટકાવવામાં આવી હતી. અમે પંડાલની આસપાસ માંડ 1 ડઝન લોકોને જોયા. પંડાલ ખાલી હતો. કેટલાક નાના બાળકો નીચા અવાજમાં મા દુર્ગાના ભજન ગાતા હતા. ઘણી મુશ્કેલીથી તે ડઝન લોકોમાંથી કેટલાક અમારી સાથે વાત કરવા સંમત થયા.

    વાતચીતની શરૂઆતમાં જ તેમણે કહ્યું કે, “અમારી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.” અમને કહેવામાં આવ્યું હતું કે, TMC સાંસદના ડરને કારણે સ્થિતિ એવી બની ગઈ છે કે, ભંડારા શરૂ કરતા પહેલાં જે 9 કન્યાઓ ભોજન કરાવવામાં આવે છે, તે પણ પંડાલમાં આવવા તૈયાર નથી. બાળકોને પંડાલમાં જ બેસાડીને ભજન કરાવવામાં આવતા હતા જેથી પોલીસ આવે તો પણ તેમને સગીર સમજીને છોડી દે.

    ત્યાંના લોકોએ એમ પણ કહ્યું કે, હવે માઈકને બદલે મોઢેથી ભજન ગાવામાં આવી રહ્યા છે, તે પણ બબડાટમાં. જોકે, લગભગ 1 વાગ્યે કેટલીક યુવતીઓ અને ભક્તો ઘરની બહાર આવ્યા હતા અને આરતી તથા ભંડારો સંપન્ન કરાવ્યો હતો. તેમ છતાં, લોકો એ હકીકતથી પરેશાન થયા કે કોઈએ તેમની આસ્થાનું સન્માન ન કર્યું.

    દેશના દરેક ભાગના પીડિતો, મોટાભાગના દલિત સમુદાયમાંથી

    TMC સાંસદ સાકેત ગોખલેના તુગલકી ફરમાનથી પ્રભાવિત લોકો દેશના લગભગ તમામ રાજ્યોના છે. તેમાંના મોટાભાગના બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન વગેરેના છે. TMC સાંસદને જાગરણ પૂજા કરવા માટેની વિનંતી કરવા ગયેલા મોટાભાગના ભક્તો દલિત (SC) વર્ગના લોકો હતા. બધા નિરાશ થઈને પાછા ફર્યા બાદ તેમના ઘરની સ્ત્રીઓ, જે માતાના ભજન ગાવા આવી હતી તે રડતી-રડતી પરત ફરી હતી.

    આજે જાગરણ રોક્યું, કાલે હોળી-દિવાળીનો પણ વારો

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા ઘણા સ્થાનિક લોકોએ પોતાને સાંસદો અને મંત્રીઓના નોકર ગણાવ્યા. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે, સંભવતઃ તેમના ઇન્ટરવ્યુના પ્રકાશન પછી, તેમાંથી ઘણાની નોકરી જોખમમાં આવી શકે છે. જોકે, તેમણે બોલવું પણ તેમની મજબૂરી ગણાવી હતી. તેમણે કહ્યું, “જો ચૂપ રહ્યા તો આજે જાગરણ બંધ કરી દેવામાં આવ્યું, કાલે હોળી-દિવાળી જેવા અન્ય તહેવારો સામે પણ આવું જ કરવામાં આવશે.”

    એક મહિલા ભક્તે કહ્યું કે, મમતા બેનર્જીના સાંસદ તેમના સ્ટાફની છત પણ છીનવી લેવા માટે ઝઝૂમી રહ્યા છે. મહિલાએ કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી તે એક જ સ્થળે ઘંટ, શંખ, ઢોલ અને મંજીરા વગાડીને દેવી દુર્ગાની પૂજા કરી રહી છે, પરંતુ આ વખતે તાળીઓ વગાડવાની પણ મંજૂરી નથી. પીડિતાએ કહ્યું, “મીડિયાના લોકોને જોઈને અમે બોલવાની હિંમત એકઠી કરી શક્યા છીએ.”

    ત્યાં જ કરીશું જાગરણ, કોઈ રોકીને બતાવે

    દિલ્હી ભાજપના નેતા આદેશ ગુપ્તા એ વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં સાકેત ગોખલેએ મા દુર્ગાનું જાગરણ અટકાવ્યું હતું. આદેશ ગુપ્તાએ ગોખલેની કાર્યવાહીને TMCની પાર્ટી લાઇન ગણાવી અને ઘટનાની નિંદા કરી હતી. તેમણે જાહેરાત કરી છે કે, જ્યાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદે જાગરણ અટકાવ્યું છે, ત્યાં જ માત્ર એક અઠવાડિયાની અંદર ભવ્ય જાગરણનું આયોજન કરવામાં આવશે.

    આદેશ ગુપ્તાએ પડકાર ફેંક્યો અને કહ્યું કે, જે રોકી શકે તે રોકીને બતાવે. તેમણે આ મુદ્દે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના વડા અરવિંદ કેજરીવાલને પણ આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ અને મમતા બેનર્જી રાજકારણની એક જ લાઇનને અનુસરી રહ્યા છે. આડકતરી રીતે આદેશ ગુપ્તાએ અરવિંદ કેજરીવાલ પર પણ આ ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.

    ઘટનાસ્થળે પહોંચેલા ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, તેઓ આ મુદ્દા પર નજર રાખી રહ્યા છે અને સમગ્ર મામલાને સમજ્યા બાદ ટૂંક સમયમાં જ પ્રતિક્રિયા પણ રજૂ કરશે. આ દરમિયાન સ્થાનિક લોકોએ ‘અરવિંદ કેજરીવાલ મુર્દાબાદ’ અને ‘તૃણમૂલ કોંગ્રેસ મુર્દાબાદ’ના નારા પણ લગાવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં