તાજેતરમાં કેનેડાના બ્રેમ્પટનમાં (Brampton) ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ હિંદુ સભા મંદિર પર હુમલો કરી દીધો હતો, જેને લઈને વિશ્વભરના હિંદુઓમાં આક્રોશ છે અને ભારત સરકારે પણ મામલાનું સંજ્ઞાન લીધું છે. બીજી તરફ, એક ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે હુમલા બાદ થયેલાં ખાલિસ્તાની પ્રદર્શનોમાં સ્થાનિક પોલીસનો એક અધિકારી (Police Officer) પણ સામેલ હતો. તેની ઓળખ હરિન્દર સોહી તરીકે થઈ છે. તે કેનેડા પોલીસમાં સાર્જન્ટ તરીકે કાર્યરત હતો. તેનો એક વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તેને સસ્પેન્ડ કરી દીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સાર્જન્ટ હરિન્દર સોહીનો જે વિડીયો વાયરલ થયો તેમાં એક તરફ ભારત વિરોધી સૂત્રોચ્ચાર ચાલી રહ્યા છે, તો બીજી તરફ તે ખાલિસ્તાનનો ઝંડો ફરકાવતો જોવા મળે છે. કેનેડા પોલીસે પોતાની આબરૂ બચાવવા દલીલ આપી હતી કે ઘટના સમયે સોહી ઑફ ડ્યુટી હતો. પોલીસે કહ્યું કે, તેની સામે વિભાગીય કાર્યવાહી કરીને તાત્કાલિક તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
🚨 Breaking: Attack on Hindu Temple in Canada Involves CANADIAN Police Officers 🤯
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) November 4, 2024
~ Canadian Police Sergeant Harinder Sohi joined the Khalistan mob assaulting Brampton's Hindu Sabha Temple. He is seen waiving a Khalistani Flag😳
PM Modi has raised serious concerns over this👇 pic.twitter.com/c07M9HdWM6
પોલીસે મીડિયાને આપેલી જાણકારીમાં જણાવ્યું હતું કે, પીલ પોલીસના એક અધિકારીનો ઑફ ડ્યુટી દરમિયાનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેનાથી વિભાગ વાકેફ છે. ત્યારબાદ તેને કોમ્યુનિટી સેફ્ટી એન્ડ પોલીસિંગ એક્ટ હેઠળ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું કે, “વિડીયોમાં જે દેખાય રહ્યું છે તે બાબતની તપાસ હાલ અમે કરી રહ્યા છીએ અને આ તપાસ પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી અમે આગળ વધુ માહિતી આપી શકીએ તેમ નથી.”
પોલીસે કરી ત્રણની ધરપકડ
નોંધનીય છે કે આ મામલે પોલીસે ત્રણ લોકોની ધરપકડ પણ કરી હોવાનું સામે આવ્યું છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં મિસીસોગાનો રહેવાસી 43 વર્ષીય દિલપ્રીત સિંહ બાઉન્સ, બ્રેમ્પટનનો રહેવાસી 23 વર્ષીય વિકાસ અને મિસીસોગાનો જ રહેવાસી 31 વર્ષીય અમૃતપાલ સિંઘનો સમાવેશ થાય છે. આ ત્રણેય લોકો હિંદુ પ્રાર્થના સભા મંદિરમાં હિંદુઓ પર હુમલા કરનાર ટોળામાં સામેલ હતા. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
નોંધનીય છે કે ઘટના ગત રવિવારની (3 નવેમ્બર 2024) છે. ખાલિસ્તાનીઓના એક મોટા ટોળાએ બ્રેમ્પટન ખાતે આવેલ હિંદુ મંદિર પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન તેમણે હિંદુ શ્રદ્ધાળુઓ સાથે પણ ઝપાઝપી અને મારામારી કરી હતી. આ દરમિયાન પણ કેનેડિયન પોલીસે ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે હિંદુ શ્રદ્ધાળુઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. ઘટનાના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આખા વિશ્વમાં તેની નિંદા થઈ હતી.
ઘટના બાદથી જ હિંદુઓમાં ખાસ્સો રોષ જોવા મળી રહ્યો છે. કેનેડિયન હિંદુ સમુદાયે ત્યાં સુધીનો નિર્ણય લઈ લીધો છે કે તેઓ કોઈ પણ રાજકારણીને મંદિરોમાં નહીં પ્રવેશવા દે. હિંદુ સમુદાયોની ઘોષણા અનુસાર આ પ્રતિબંધ ત્યાં સુધી યથાવત રહેશે, જ્યાં સુધી કેનેડાની સરકાર ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કડક પગલાં ન ઉઠાવે.