Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાકેનેડાના બ્રેમ્પટન જ નહીં, સરેમાં પણ ખાલિસ્તાનીઓએ હિંદુઓ પર કર્યો હતો હુમલો:...

    કેનેડાના બ્રેમ્પટન જ નહીં, સરેમાં પણ ખાલિસ્તાનીઓએ હિંદુઓ પર કર્યો હતો હુમલો: ગુનેગારોને પકડવાના સ્થાને હિંદુઓને ટાર્ગેટ કરી રહી છે ટ્રુડોની પોલીસ 

    સામે આવેલા વિડીયોમાં ખાલિસ્તાનીઓ ભડકાઉ નિવેદનો આપતા જોવા મળે છે. તમણે ભારતને 'લેન્ડ ઑફ ગેંગ્સ' અને હિંદુ કેનેડિયનોને ભારતને સમર્થન આપવા બદલ 'દેશદ્રોહી' ગણાવી દીધા હતા.

    - Advertisement -

    કેનેડાના (Canada) બ્રેમ્પટન શહેરમાં હિંદુ સભા મંદિર અને શ્રદ્ધાળુઓ પર ખાલિસ્તાનીઓએ (Khalistanis) હુમલો કરી દીધો હતો, જે ઘટનાની ભારત સહિત વિશ્વભરમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે કેનેડાના જ સરે (Surrey) શહેરમાં જ આવી વધુ એક ઘટના ઘટી હતી. અહીં પણ ખાલિસ્તાનીઓ મંદિરે ધસી આવ્યા હતા. તેઓ સરેની એક ગુરુદ્વારા સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે, જ્યાં હરદીપ સિંઘ નિજ્જર પ્રમુખ હતો. નિજ્જરની હત્યા જૂન, 2023માં થઈ હતી, જેના આરોપો કેનેડા ભારત પર મૂકી રહ્યું છે, પણ પુરાવો એક પણ રજૂ કર્યો નથી.

    ઇન્વેસ્ટીગેટીવ જર્નલિસ્ટ મોચા બેઝીર્ગન દ્વારા શૅર કરવામાં આવેલા એક વિડીયોમાં ખાલિસ્તાનીઓ ભડકાઉ નિવેદનો આપતા જોવા મળે છે. તમણે ભારતને ‘લેન્ડ ઑફ ગેંગ્સ’ અને હિંદુ કેનેડિયનોને ભારતને સમર્થન આપવા બદલ ‘દેશદ્રોહી’ ગણાવી દીધા હતા. ખાલિસ્તાનીઓએ એવો દાવો કર્યો હતો કે હિંદુ કેનેડિયનોમાં કેનેડા પ્રત્યે વફાદારીનો અભાવ છે. તેમણે 1984નાં શીખ-વિરોધી રમખાણો જેવી ઘટનાઓને ટાંકીને પોતાને હિંસાનો ભોગ બનેલા તરીકે રજૂ કર્યા અને હિંદુઓને ખુલ્લેઆમ ‘આતંકવાદીઓ’ કહ્યા હતા.

    હુમલા દરમિયાન મંદિરમાં હાજર એક હિંદુ શ્રદ્ધાળુએ બેઝીર્ગન સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “અમે અહીં માત્ર અમારા અસ્થાના કેન્દ્ર અને પૂજાસ્થળની રક્ષા માટે આવ્યા છીએ. અમે કેનેડામાં શાંતિથી રહેવા આવ્યા હતા, પરંતુ અમારાં બાળકોને ધમકાવવામાં આવી રહ્યાં છે અને અમારું મંદિર ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યું છે. કેનેડા આવું બની જશે તેની અમે કલ્પના કરી ન હતી.”

    - Advertisement -

    બીજી તરફ ખાલિસ્તાનીઓએ દાવો કર્યો હતો કે તેઓ હિંદુ સમુદાય પર નહીં પરંતુ ભારતીય કોન્સ્યુલેટને ટાર્ગેટ કરવા માટે આવ્યા હતા. આ દાવા છતાં હિંદુ સંસ્કૃતિને બદનામ કરવા અને પ્રતીકાત્મક રીતે ભારતને જ પડકારવા માટે વિરોધના સૂત્રોચ્ચાર ચાલુ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઓટાવા સ્થિત ઇન્ડિયન હાઈકમિશન દ્વારા આ સ્થળે એક કોન્સ્યુલર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ રીતે બ્રેમ્પટન અને વેનકુવરમાં પણ આ પ્રકારના કેમ્પ લગાવવામાં આવ્યા હતા. 

    પત્રકાર સમીર કૌશલે પણ સરે પોલીસના ખાલિસ્તાનીઓની ધરપકડ કરવાને બદલે હિંદુઓને રોકતા વીડિયો શેર કર્યા અને પોલીસની આવી કામગીરીની ટીકા કરી હતી.

    અન્ય એક વીડિયોમાં કૌશલે ઉલ્લેખ કર્યો છે કે મંદિરનું પ્રવેશદ્વાર પોલીસે બ્લોક કરી દીધું હતું. પ્રમુખ સતીશ કુમારે કહ્યું હતું કે તેઓ ભવિષ્યમાં સરે પોલીસ સર્વિસને મંદિરમાં પ્રવેશવા નહીં દે.

    અન્ય એક વિડીયોમાં સરે પોલીસ મંદિર બહાર હિંદુઓને રોકતી પણ નજરે પડી હતી.

    નોંધનીય છે કે સરે પહેલાં ખાલિસ્તાનીઓએ બ્રેમ્પટનમાં એક હિંદુ મંદિર અને હિંદુઓ પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસે પીડિત હોવાનો દાવો કર્યો હતો. તેમના દાવાઓથી વિપરીત ફૂટેજમાં તેઓ મંદિરની સંપત્તિને નુકસાન કરતા અને ભક્તોને પ્રતાડિત કરતા નજરે પડ્યા હતા. હિંદુઓ વિરુદ્ધ હિંસાની ઘટનાના કારણે કેનેડાના વડાપ્રધાન ટ્રુડો અને તેમની પાર્ટી સામે પણ સવાલો ઉઠ્યા છે. તેમણે હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલાની ટીકા તો કરી હતી, પણ ક્યાંય ખાલિસ્તાનીઓનો ઉલ્લેખ જોવા ન મળ્યો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં