દિલ્હી ભારતનાં સૌથી પ્રદૂષિત શહેરોમાં ટોચ પર છે અને દર વર્ષે શિયાળામાં અહીં પ્રદૂષણ નવા રેકોર્ડ બનાવે છે. અહીં આમ આદમી પાર્ટીની સરકાર સત્તામાં છે, જેઓ લગભગ એક દાયકાથી પ્રદૂષણ પર કાબૂ મેળવવાના વાયદા કરતા રહે છે પણ વાયદા છેલ્લે વાયદા જ રહી જાય છે. આ વર્ષે પણ પાર્ટી અને સરકાર કામ ઓછું અને પ્રેસ કૉન્ફરન્સ વધારે કરી રહ્યા છે. હવે દિવાળીનો દિવસ છે ત્યારે રાજ્ય સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું છે કે આજની રાત સૌથી મહત્વપૂર્ણ રાત છે. એટલે તેઓ વાત દિવાળીની કરી રહ્યા હતા અને તેને પ્રદૂષણ સાથે જોડી રહ્યા હતા.
31 ઑક્ટોબરે ભારત અને વિશ્વભરના હિંદુઓ દિવાળીનો તહેવાર ઉજવી રહ્યા છે. ત્યારે AAP નેતા અને દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે શહેરનો AQI વધ્યો હોવાની ચેતવણી આપી અને પ્રદૂષણનો ઉલ્લેખ કરીને દિલ્હીવાસીઓને ફટકડા ન ફોડવાની અપીલ કરી હતી. સાથે તેમણે એમ પણ કહ્યું કે, રાત્રે ફટાકડા ફૂટવાની ઘટનાઓની પણ નોંધ લેવામાં આવશે.
દિલ્હીની હવાની ગુણવત્તા છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ખરાબ હોવા છતાં અને ફટાકડાની તેમાં કોઈ ભૂમિકા ન હોવા છતાં આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય રાજધાનીમાં ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે અને પ્રદૂષણ અંગેનો દોષ દિવાળી પર ઢોળવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જાણે AAP અને તેના નેતાઓને લાગતું હોય કે ફટાકડા પર પ્રતિબંધ મૂકવાથી દિલ્હીની હવામાં જબરદસ્ત સુધારો આવી જશે.
અગાઉ આમ આદમી પાર્ટીએ હાસ્યાસ્પદ રીતે દિલ્હીમાં પ્રદૂષણ માટે ઉત્તર પ્રદેશની બસોને જવાબદાર ઠેરવી હતી અને હવે લાગે છે કે તેઓ હિંદુ તહેવાર દિવાળીને પણ જવાબદાર ઠેરવવા મથી રહ્યા છે. AAP નેતા સત્યેન્દ્ર જૈને તો ત્યાં સુધી કહ્યું હતું કે મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તેઓ દિલ્હીમાં યમુનાની સફાઈ કરવા માંગતા હતા. જ્યારે તેમની ધરપકડ થઈ ત્યાં સુધીમાં તેઓ ખરેખર યમુનાની સફાઈ કરવા માંગતા હોત તો ઘણાં વર્ષો તેમની પાસે હતાં. ધરપકડ થઈ પછી તેમને આ બહાનું યાદ આવ્યું?
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ છે. એ અલગ વાત છે કે જ્યારે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને તિહાડ જેલમાંથી જામીન પર છોડવામાં આવ્યા હતા, ત્યારે શહેરમાં પુષ્કળ ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
દિલ્હીમાં ખરાબ હવાની ગુણવત્તા માટે દિવાળીને જવાબદાર ગણાવતાં ગોપાલ રાયે કહ્યું, “કેટલીક જગ્યાએ AQI વધ્યો છે પરંતુ આજની રાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે બધા સાથે મળીને પ્રયાસ કરીએ અને એક વાત ધ્યાનમાં રાખીએ, કે આપણે દીવા પ્રગટાવીને, મીઠાઈ વહેંચીને દિવાળી ઉજવવાની છે ન કે ફટાકડા સળગાવીને બાળકો અને વડીલો માટે સમસ્યા ઉભી કરીને. જો આખી દિલ્હી તેના બાળકો અને વડીલોના જીવનનું ધ્યાન રાખે, તો મને લાગે છે કે દિવાળી પછી થતા ધૂમાડાથી આપણે દર વર્ષે દિલ્હીને બચાવી શકીશું.”
તેમણે વધુમાં કહ્યું કે, “આવી ઘટનાઓ (ફટાકડા ફોડવાની) નોંધવામાં આવી રહી છે અને પોલીસ તેના પર ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહી છે. રાત્રે બનતી આવી ઘટનાઓને પણ અટકાવવામાં આવશે… હું માનું છું કે પોલીસ અમલીકરણથી વધુ મહત્વનું છે કે આપણે બધા માનવતા પ્રત્યેની આપણી ફરજ નિભાવીએ.”
નોંધવાની વાત એ પણ છે કે, સમગ્ર દિલ્હીમાં ફટાકડા પરના પ્રતિબંધને લાગુ કરવા માટે 377 ટીમોની રચના કરવામાં આવી છે, જ્યારે દિલ્હીમાં પ્રદૂષણના વાસ્તવિક કારણોને દૂર કરવા માટે કોઈ પ્રયાસો કરવામાં આવી રહ્યા નથી.