23 ઑક્ટોબરે રાજસ્થાનની રાજધાની જયપુરમાં (Jaipur Police) પોલીસે ગેરકાયદે રહેતા 12 બાંગ્લાદેશી નાગરિકોની (Bangladeshi Citizens) ધરપકડ કરી હતી. આ સિવાય ઉસ્માન ખાન નામના એક ભારતીય નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેણે આ 12 લોકોને ભારતમાં ગેરકાયદે વસાવવામાં અને નકલી દસ્તાવેજો બનાવવામાં મદદ કરી હતી. ધરપકડ (Arrested) કરાયેલા આરોપીઓમાંથી 6 સગીર વયના છે. જ્યારે બાકીના તમામ પુખ્ત વયના છે. ખાસ વાત તો તે છે કે, આ બાંગ્લાદેશી ઘૂસણખોરોએ નકલી દસ્તાવેજોના આધારે સરકારી ફ્લેટ પણ મેળવી લીધો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, 20 ઑક્ટોબરે પોલીસને જયપુરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો વિશે ઈનપુટ મળ્યા હતા. DCP વેસ્ટ અમિત કુમારના જણાવ્યા અનુસાર, ભાંકરોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓની હાજરી વિશે એક બાતમીદાર પાસેથી માહિતી મળી હતી. માહિતીના આધારે, એડિશનલ ડીસીપી પશ્ચિમ આલોક સિંઘલ અને એસીપી બગરુ હેમેન્દ્ર શર્માના નિર્દેશનમાં સ્પેશ્યલ ટીમો બનાવવામાં આવી હતી.
દરોડા દરમિયાન પકડાયો બાંગ્લાદેશી પરિવાર
આ સ્પેશ્યલ ટીમ સાથે સાયબર સેલની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને, 23 ઑક્ટોબરે જયસિંહપુરા સ્થિત JDA ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દરોડા દરમિયાન સોહાગ ખાનનો પરિવાર ફ્લેટ નંબર 1-104માંથી મળી આવ્યો હતો. જ્યારે ફ્લેટની તપાસ કરવામાં આવી ત્યારે સમગ્ર પરિવારના નકલી ભારતીય દસ્તાવેજો અને બાંગ્લાદેશી હોવાના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.
નકલી ભારતીય દસ્તાવેજોમાં આધારકાર્ડ, પાનકાર્ડ, શ્રમ કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, ભારતીય પાસપોર્ટ, આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ, બર્થ સર્ટિફિકેટનો સમાવેશ થાય છે. તથા બાંગ્લાદેશના દસ્તાવેજમાં બાંગ્લાદેશ સ્કૂલ સર્ટિફિકેટ, બાંગ્લાદેશના પ્રોપર્ટીના દસ્તાવેજો અને અન્ય ઓળખ કાર્ડનો સમાવેશ થાય છે.
6 પુરૂષ-મહિલા અને 6 સગીર દિવ્યાંગનો સમાવેશ
જયપુરમાં દરોડા દરમિયાન પોલીસે 12 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી, જેમાં 6 શંકાસ્પદ બાંગ્લાદેશી પુરૂષો અને મહિલાઓનો સમાવેશ થાય છે. આ સિવાય એક ભારતીય નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી હતી, જે જયપુરના સોડાલાનો રહેવાસી છે. જયપુરનો રહેવાસી આરોપી ઉસ્માન ખાન આ બાંગ્લાદેશી પરિવારનો જમાઈ પણ છે. તેણે જ બાંગ્લાદેશીઓને ગેરકાયદે વસાવીને તેના પરિવારની પુત્રી સાથે નિકાહ કરી લીધા હતા. આરોપીઓ આખા પરિવારના બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા, જેથી તેને ભારતીય પરિવાર સાબિત કરી શકાય.
પોલીસે સોહાગ ખાન, નસરીન ખાનમ, મોઈન ખાન, શબનમ, શિબા ખાન, સબનૂરની ધરપકડ કરી હતી. આ સિવાય 6 સભ્યો સગીર અને દિવ્યાંગ હતા, જેમને CWC અને શિશુગ્રહમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે જ ભારતીય સહયોગી ઉસ્માન ખાનના ઘરેથી શંકાસ્પદ બાંગ્લાદેશી અને ભારતીય દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ બેંગ્લોરમાંથી પણ ગેરકાયદે હિંદુ ઓળખ સાથે રહેતા બાંગ્લાદેશી પરિવારોની ધરપકડ કરવામાં આવી હતી. જેમના છેડા બાંગ્લાદેશી કટ્ટરપંથી સંગઠન સાથે જોડાયેલા હતા.