Saturday, October 19, 2024
More
    હોમપેજદેશ‘આજ કુત્તોં કા વક્ત હૈ, હમારા દૌર આયેગા’ કહેનાર મુફ્તી સલમાન અઝહરીને...

    ‘આજ કુત્તોં કા વક્ત હૈ, હમારા દૌર આયેગા’ કહેનાર મુફ્તી સલમાન અઝહરીને મુક્ત કરવાનો સુપ્રીમનો આદેશ, કહ્યું- ‘ભાષણથી શાંતિભંગ થયો હોય તેમ જણાતું નથી’; PASA હેઠળ બંધ હતો વડોદરાની જેલમાં

    સુપ્રીમ કોર્ટે મુફ્તી સલમાન અઝહરીને મુક્ત કરવાના આદેશ આપ્યા છે, તે PASA હેઠળ જેલમાં બંધ હતો.

    - Advertisement -

    જાન્યુઆરી, 2024માં જૂનાગઢમાં આવીને ભડકાઉ ભાષણ આપનાર ઇસ્લામિક મૌલાના મુફ્તી સલમાન અઝહરીને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. ત્રણેક ઠેકાણે FIR નોંધાયા બાદ સરકારે તેને પાસા હેઠળ વડોદરાની જેલમાં ધકેલ્યો હતો, પરંતુ કોર્ટે હવે આ આદેશ રદ કર્યો છે. કોર્ટે કહ્યું કે, તેના ભાષણથી શાંતિભંગ થાય તેમ જણાતું નથી.

    નોંધનીય છે કે, 31 જાન્યુઆરી, 2024ના રોજ ગુજરાતના જૂનાગઢમાં એક મઝહબી કાર્યક્રમમાં ઇસ્લામિક સ્કોલર મુફ્તી સલમાન અઝહરીએ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. ભડકાઉ ભાષણને લઈને ઑપઇન્ડિયાએ રિપોર્ટ પ્રકાશિત કર્યા બાદ જૂનાગઢ પોલીસ પણ એક્શનમાં આવી હતી અને અઝહરી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાત ATSની ટીમે મુંબઈથી તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ કચ્છ અને મોડાસામાં પણ તેની વિરુદ્ધ ભડકાઉ ભાષણ મામલે બે FIR નોંધાઈ હતી અને બંને કેસમાં વારાફરતી તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને PASA હેઠળ ધકેલવામાં આવ્યો હતો. જે આદેશ હેઠળ તેણે ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો પરંતુ ત્યાંથી રાહત ન મળતાં સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સુપ્રીમમાંથી તેને રાહત મળી છે.

    સુપ્રીમ કોર્ટે મુફ્તી સલમાન અઝહરીને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જોકે આ પહેલાં ગુજરાત હાઈકોર્ટે ડિટેન્શનના આદેશને માન્ય રાખ્યો હતો અને કહ્યું હતું કે અઝહરી દ્વારા આપવામાં આવેલું અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવેલું જાહેર ભાષણ ધર્મના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા માટે પૂરતું છે અને તે સંવાદિતા જાળવવા અને રાષ્ટ્રીય એકતા માટે પણ હાનિકારક છે.

    - Advertisement -

    બંને પક્ષે શું દલીલો થઇ?

    સુપ્રીમ કોર્ટ સમક્ષ મુફ્તીનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ એડવોકેટ હુઝેફા એ. અહમદીએ દલીલ કરી હતી કે ડિટેન્શન ઓથોરિટી પાસે પૂરતી સામગ્રીનો અભાવ છે. તેમણે દલીલ આપી હતી કે ફોજદારી ગુનાઓમાં ઉલ્લેખ કર્યા મુજબ કથિત ગતિવિધિઓએ અસલામતી, નફરત અને દુશ્મનાવટની ભાવના પેદા કરી હોય કે, તેનાથી વ્યાપક સમાજમાં જાહેર અશાંતિનું સર્જન થાય અને સામાજિક સદભાવ તેમજ જાહેર વ્યવસ્થા ખોરવાઈ હોય તેવું કશું જ નથી.

    બીજી તરફ, અઝહરીની અરજીનો વિરોધ કરતાં એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ દલીલ કરી હતી કે અઝહરીએ કરેલાં ભાષણો પાસા હેઠળની સત્તાનો ઉપયોગ કરીને તેમની અટકાયતનો આદેશ આપવા માટે પૂરતાં છે, કારણ કે આ ભાષણોથી શાંતિભંગ થઈ શકે તેમ છે.

    પક્ષકારોના વકીલની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું હતું કે એવું એક પણ તથ્ય નથી કે જેમાં અઝહરી દ્વારા કરવામાં આવેલા ભાષણોએ જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડી હોય. રેકર્ડ પર એવી કોઈ સામગ્રી ઉપલબ્ધ નથી કે જેનાથી તેની ધરપકડને વ્યાજબી ઠેરવી શકાય. કોર્ટે કહ્યું કે, “રેકર્ડ પર રહેલી બાબતોનું અધ્યયન કર્યા બાદ નિષ્કર્ષ નીકળે છે કે તેમને કેદમાં રાખવાનો આદેશ લાગુ રાખી શકાય નહીં, કારણ કે એવા કોઈ જ સંકેત નથી કે અરજદાર દ્વારા આપવામાં આવેલા ભાષણ કોઈ પણ રીતે જાહેર શાંતિમાં ખલેલ ઉભી કરી શકે.”

    હિંદુઓની સરખામણી કૂતરા સાથે કરી હતી

    નોંધનીય છે કે, મુફ્તી સલમાન અઝહરીએ 31 જાન્યુઆરી, 2024 ના રોજ ગુજરાતના જૂનાગઢમાં એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. તેણે કહ્યું હતું, “મુસલમાનો ઘબરાઓ મત, અભી ખુદા કી શાન બાકી હૈ. અભી ઇસ્લામ જિંદા હૈ, અભી કુરાન બાકી હૈ, યે ઝાલીમ કાફિર ક્યા સમજતા હૈ, જો રોજ હમસે ઉલજતા હૈ, અભી તો કરબલા કા આખરી મૈદાન બાકી હૈ. કુછ દિન કી ખામોશી હૈ, કિનારા આયેગા…આજ કુત્તો કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા.” આ બાદ તેની વિરુદ્ધ ગુજરાતમાં FIR પણ નોંધવામાં આવી હતી.

    મુફ્તી સલમાન અઝહરીનો લોકોને ઉશ્કેરતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ બાદ ગુજરાત ATSએ મુંબઈ જઈને તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેનો વધુ એક વિડીયો સામે આવ્યો હતો જેમાં તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરી રહ્યો હતો. મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ FIR નોંધવામાં આવી હતી. તેની સામે રમખાણો ભડકાવવાથી લઈને સંપત્તિને નુકસાન પહોંચાડવા સુધીના કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, મુફ્તી સલમાન અઝહરી ફેબ્રુઆરી, 2024થી ગુજરાતની જેલમાં બંધ હતો.

    ત્રણવાર જામીન મળ્યા બાદ થયા હતા PASA

    વિવિધ જગ્યાએ ભડકાઉ ભાષણ મામલે મુફ્તી સલમાન અઝહરી સામે ગુજરાતમાં જ ત્રણ અલગ અલગ જગ્યાએ ગુના નોંધાયા હતા. જૂનાગઢમાં ભડકાઉ ભાષણનો વિડીયો વાયરલ થયા બાદ સૌપ્રથમ જૂનાગઢ પોલીસે ગુનો નોંધી મુફ્તી અઝહરીની મહારાષ્ટ્રના મુંબઈથી ધરપકડ કરી હતી. જે પછી તે જ દિવસે જૂનાગઢ પહેલાં કચ્છના સામખિયાળીમાં એ જ પ્રકારનું ભડકાઉ ભાષણ આપવા મામલે કચ્છ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

    જૂનાગઢમાં નોંધાયેલા કેસમાં જામીન મળ્યા બાદ સામખિયાળીમાં નોંધાયેલી FIRના કેસમાં કચ્છ પોલીસે મુફ્તીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેને 3 દિવસ માટે રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. જે પછી આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે ₹30 હજારના બોન્ડ પર તેને જામીન આપ્યા હતા.

    કચ્છની ભચાઉ કોર્ટે જામીન આપ્યા બાદ મોડાસા પોલીસે મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી હતી. જ્યાં તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવતાં કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે પછી તેને મોડાસા સેશન કોર્ટેમાંથી શરતી જામીન મળ્યા હતા, પરંતુ જામીન પર બહાર નીકળે એ પહેલા જ જૂનાગઢ પોલીસે તેની અટકાયત કરી લીધી હતી અને PASA હેઠળ કાર્યવાહી કરતાં મુફ્તી સલમાન અઝહરીને વડોદરા સ્થિત સેન્ટ્રલ જેલને હવાલે કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં