Sunday, October 20, 2024
More
    હોમપેજસ્પેશ્યલ'કટે હુએ પેડ સે જ્યાદા સસ્તા હૈ કટા હુઆ સિર’: ત્રણ પુત્રીઓ...

    ‘કટે હુએ પેડ સે જ્યાદા સસ્તા હૈ કટા હુઆ સિર’: ત્રણ પુત્રીઓ સાથે અમૃતા દેવીએ આપ્યું હતું બલિદાન, 363 લોકોને કાપી નખાયા હતા કુહાડીથી; વાત બિશ્નોઈ સમાજના નરસંહારની

    હાથમાં કુહાડી લઈને વૃક્ષ કાપવા આવેલા પુરુષો આશ્ચર્યચકિત થઈ ગયા કે, મહિલા ઝાડના બદલે પોતાની દીકરીઓ સહિત પોતાનો જીવ આપવા પણ તૈયાર થઈ ગઈ હતી. તેમની બહાદુરી જોઈને સમાજના સેંકડો લોકો તેમની પાછળ ઉભા રહ્યા.

    - Advertisement -

    कटे हुए पेड़ से ज्यादा सस्ता है कटा हुआ सिर

    વૃક્ષોને બચાવવા માટે પોતાનું બલિદાન આપનાર મહિલાના આ છેલ્લા શબ્દો હતા. તેમનું નામ હતું- અમૃતા દેવી બિશ્નોઈ(Amrita Devi Bishnoi). તેમની ત્રણ દીકરીઓએ પણ પોતાનું બલિદાન આપ્યું હતું. કુલ 363 લોકોએ પોતાનું બલિદાન આપ્યું હતું. દરેકને કુહાડી વડે કાપી નાખવામાં આવ્યા હતા, જે આજે પણ ખેજરલી નરસંહાર (khejarli Massacre) તરીકે ઓળખાય છે. આ તમામ બલીદાનીઓ એ જ બિશ્નોઈ સમુદાયના હતા, જે સમુદાયનો ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) હાલ ખૂબ ચર્ચામાં છે.

    અમૃતા દેવીનું બલિદાન

    આ ઘટના 11 સપ્ટેમ્બર 1730ના રોજ બની હતી. રાજસ્થાનના સૂકા રણમાં, વિપુલ પ્રમાણમાં ખેજરી વૃક્ષોથી ભરેલું બિશ્નોઈ સમુદાયનું ખેજરલી ગામ છે. શરૂઆતથી જ આ ગામના લોકો વનસ્પતિને પવિત્ર માને છે અને તેની પૂજા કરે છે. તથા પોતાના પ્રાણની આહુતિ આપીને પણ વૃક્ષોનું રક્ષણ કરે છે. અમૃતા દેવી બિશ્નોઈ અને અન્ય 362 લોકોએ પણ એ જ કર્યું હતું. આજે સમગ્ર બિશ્નોઈ સમુદાય દરેક બાળકને તેમના પૂર્વજોના બલિદાનની વાર્તા કહે છે. દુનિયા એ ઘટનાને ખેજરલી નરસંહાર તરીકે ઓળખે છે.

    આ નરસંહાર પાછળનું કારણ જોધપુરના તત્કાલિન મહારાજા અભય સિંઘે આપેલ આદેશ હોવાનું કહેવાય છે. 1730માં મહારાજા તરફથી નવા મહેલના નિર્માણ માટે એવો આદેશ આપવામાં આવ્યો હતો કે, ખેજરલી ગામમાં ખેજરીના ઝાડ કાપી નાખવામાં આવે… આદેશ સાંભળીને, રાજાના સંદેશવાહકો મોટી કુહાડીઓ સાથે ગામ તરફ આગળ વધવા લાગ્યા હતા. જ્યારે અમૃતા દેવીને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ પોતાની ત્રણ પુત્રીઓ સાથે રાજાના લોકોની સામે આવીને ઉભા રહી ગયા હતા.

    - Advertisement -

    હાથમાં કુહાડી લઈને વૃક્ષ કાપવા આવેલા પુરુષો આશ્ચર્યચકિત થઈ ગયા કે, મહિલા ઝાડના બદલે પોતાની દીકરીઓ સહિત પોતાનો જીવ આપવા પણ તૈયાર થઈ ગઈ હતી. તેમની બહાદુરી જોઈને સમાજના સેંકડો લોકો તેમની પાછળ ઉભા રહ્યા. અમૃતા દેવીને સમજાવવામાં આવ્યા હતા પરંતુ પર્યાવરણ પ્રત્યેનો તેમનો અતૂટ પ્રેમ તેમના જીવન કરતાં વધુ હતો. તેમણે તેમના છેલ્લા સમયમાં પણ એ જ કહ્યું જે તમે શરૂઆતમાં વાચ્યું- ‘કટે હુએ પેડ સે જ્યાદા સસ્તા હૈ કટા હુઆ સિર’. તે એક ઝાડને વળગી રહ્યા અને આખરે સૈનિકોએ તેમનું માથું કાપીને આખું શરીર ચીરી નાખ્યું. આ જોઈને તેમની દીકરીઓ સ્તબ્ધ રહી ગઈ પરંતુ તેમણે પણ એ જ કર્યું જે તેમણે એમની માતાને કરતા જોયા હતા.

    જ્યારે સમાજના અન્ય લોકોને અમૃતા દેવી બિશ્નોઈ અને તેમની પુત્રીઓના આ બલિદાનની જાણ થઈ ત્યારે વિરોધ વધી ગયો. 83 ગામોના બિશ્નોઈ સમુદાયના લોકો વૃક્ષોને બચાવવા ખેજરલી પહોંચ્યા અને કોઈએ પણ પોતાના જીવનની ચિંતા કરી નહીં. તેમણે અહિંસક માર્ગ અપનાવીને પોતાની વનસ્પતિ બચાવવાનો પ્રયાસ કર્યો. કહેવાય છે કે, ત્યારપછી 49 ગામોના 362 લોકોએ પોતાનું બલિદાન આપ્યું હતું, આ બલિદાન ઇતિહાસમાં ખેજરલી નરસંહાર તરીકે ઓળખાય છે.

    રાજાએ બિશ્નોઈ સમુદાયની માંગી માફી

    આ દરમિયાન રાજા અભય સિંઘને ગામમાં ચાલી રહેલા સંઘર્ષની જાણ થઈ, ત્યારે તેમણે તરત જ ઝાડ કાપવાના આદેશ પર રોક લગાવી દીધી હતી. રાજાએ ન માત્ર બિશ્નોઈ સમુદાયના લોકોની માફી માંગી પરંતુ એક આદેશ પણ બહાર પાડ્યો જેના પછી આ સમુદાયના લોકોના ગામની આસપાસના ઝાડ કાપવા અને પ્રાણીઓને મારવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

    વર્ષો વીત્યા, દાયકાઓ વીત્યા, સદીઓ વીતી. પરંતુ રાજસ્થાનના લોકો 1730ની આ ઘટનાને ક્યારેય ભૂલી શક્યા નથી. પરિણામે ખેજરી વૃક્ષને રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણનું પ્રતીક માનવામાં આવ્યું અને 2013માં, પર્યાવરણ અને વન વિભાગે 11 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે જાહેર કર્યો.

    રાજસ્થાનની બહારના અન્ય સમુદાયના લોકો પણ જાણે છે કે, બિશ્નોઈ સમુદાય માટે દરેક છોડ અને પ્રાણી એક મનુષ્ય સમાન છે. તેમની સુરક્ષા માટે તે કોઈપણ હદ સુધી જઈ શકે છે. બિશ્નોઈઓના તે પ્રદર્શનનું પરિણામ હતું કે લોકો પ્રકૃતિની જાળવણી માટે સજાગ બન્યા અને પછીથી ઇતિહાસમાં આપણે ટિહરી ગઢવાલમાં ચિપકો આંદોલન (1973), બિહાર-ઝારખંડમાં જંગલ બચાવો આંદોલન (1982), કર્ણાટકના પશ્ચિમ ઘાટમાં અપ્પિકો ચલુવાલી (1983) જેવા વિરોધ થયા. જેની અસર વિદેશમાં પણ જોવા મળી હતી.

    બિશ્નોઈ સમાજનો પરિચય

    ઉલ્લેખનીય છે કે, બિશ્નોઈ સમુદાય પશ્ચિમી થાર રણ અને ભારતના ઉત્તરી રાજ્યોમાં જોવા મળતો સમુદાય છે. તેના સ્થાપક જમ્ભોજી મહારાજ છે. બિશ્નોઈ સમુદાય તેમને ભગવાન વિષ્ણુનો અવતાર માને છે અને તેમની પૂજા કરે છે. આ સમાજ તેમના ઉપદેશોને અનુસરીને જીવન નિર્વાહ કરે છે અને આ જ કારણ છે કે તેઓ કાળા હરણનું આટલું સન્માન કરે છે. એવું કહેવાય છે કે ગુરુ જમ્ભેશ્વરે તેમના અનુયાયીઓને કાળા હરણને પોતાનું સ્વરૂપ માનીને તેની પૂજા કરવાનું કહ્યું હતું. આ જ કારણ છે કે, બિશ્નોઈ સમાજ ખાસ કરીને કાળા હરણની પૂજા કરે છે. બિશ્નોઈ સમુદાયનું મુખ્ય મંદિર ‘મુક્તિધામ મુકામ’ પણ રાજસ્થાનના બિકાનેરમાં છે.

    નોંધઃ આ અહેવાલમાં જે ખેજરી વૃક્ષ વિશે વાત કરવામાં આવી છે તેને શમી વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સામાન્ય રીતે રણમાં જોવા મળે છે, પરંતુ તેની ખાસ વાત એ છે કે આ વૃક્ષ રણના શુષ્ક વાતાવરણમાં પણ લીલુંછમ રહે છે. રણમાં, તે માત્ર ઠંડો છાંયો આપીને લોકોને ગરમીથી બચાવે છે એટલું જ નહીં, પરંતુ તેના પાંદડા પ્રાણીઓ માટે ખોરાક પણ બને છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં