સિકંદરાબાદના કુમ્મારિગડામાં મુથ્યાલમ્મા મંદિરમાં થયેલ તોડફોડની ઘટના બાદ હૈદરાબાદ પોલીસે (Hyderabad Police) મુંબઈના ‘મોટીવેશનલ સ્પીકર’ મુનવ્વર ઝમા (Munawar Zama) અને અન્ય બે લોકો ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અને નફરત ફેલાવવાના આરોપ મામલે FIR નોંધી છે. અન્ય બે વ્યક્તિઓમાં અબ્દુલ રશીદ બશીર અહેમદ અને રહેમાનનો સમાવેશ થાય છે.
પોલીસે જણાવ્યા અનુસાર આ લોકો વ્યક્તિત્વ વિકાસની (Personality Development) વર્કશોપની આડમાં હિંદુઓ પ્રત્યે નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા હતા. અબ્દુલ રશીદ અને રહેમાન રેજિમેન્ટલ બજારમાં આવેલી મેટ્રોપોલિસ હોટલના માલિક અને સંચાલક છે. 1 મહિના સુધી ચાલનાર આ વર્કશોપમાં લોકોને હિંદુઓની વિરુદ્ધમાં ભડકાવવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું હતું. આ વર્કશોપમાં ભારતભરમાંથી લગભગ 151 લોકો ભાગ લેવાના હતા.
આ 151 લોકોમાં સલમાન સલીમ ઠાકુર ઉર્ફે સલમાન પણ સામેલ હતો. જેણે 14 ઓક્ટોબરે મંદિરમાં ઘૂસીને હિંદુ આરાધ્યની મૂર્તિ ખંડિત કરી હતી. સ્થાનિક લોકોએ તેને ઝડપી પાડ્યો હતો અને માર પણ માર્યો હતો. તથા પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ આ મામલે સામેલ અન્ય લોકોની તપાસ કરી રહી છે, તથા મુનવ્વર ઝમાના પાછલા રેકોર્ડ્સ પણ તપાસી રહી છે.
ત્રણેય વિરુદ્ધ સ્વત: સંજ્ઞાન લેતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 299 (ધાર્મિક ભાવનાઓનું ઈરાદાપૂર્વક અપમાન), કલમ 192 (હુલ્લડો ભડકાવવાના ઈરાદા સાથે દુર્ભાગ્યપૂર્ણ અથવા અયોગ્ય ઉશ્કેરણી), કલમ 196 (વિવિધ આધારો પર વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ અને નફરતને પ્રોત્સાહન આપવું), કલમ 223 (જાહેર સેવકોના આદેશોનો અનાદર કરવો જેનથી જોખમ ઉભું થઇ શકે છે) અને 49 (ગુના કરવા માટે ઉશ્કેરણી) હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ મામલે ગોપાલપુરમ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર એલ સુરેશે ફરિયાદમાં જણાવ્યું હતું કે, “મુંબઈ સ્થિત ‘મોટીવેશનલ સ્પીકર’ ઝમાએ ધાર્મિક આધારો પર જુદા જુદા જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા સાથે વર્કશોપમાં સામેલ લોકોને રમખાણો કરવા માટે ઉશ્કેર્યા હતા.” આગળ તેમણે કહ્યું કે, “સલમાનને મુથ્યાલમ્મા મંદિરમાં દેવીની મૂર્તિને નુકસાન પહોંચાડવા માટે પણ ઉશ્કેર્યો હતો.”
આ ઉપરાંત, ઝમાએ બશીર અને રહેમાનની મદદથી જે વર્કશોપનું આયોજન કર્યું તે યોજવા માટે પોલીસ પરવાનગી પણ લીધી ન હતી. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, “અમે કોન્ફરન્સના રેકોર્ડિંગ્સ, સહભાગીઓને વિતરિત સામગ્રી અને અન્ય કેટલીક વિગતોની પણ તપાસ કરી રહ્યા છીએ,” એક વરિષ્ઠ શહેર પોલીસ અધિકારીએ તપાસની દેખરેખ રાખતા કહ્યું કે તમામ સહભાગીઓની રહેવાની વ્યવસ્થા હોટલના 49 રૂમમાં કરવામાં આવી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.