Friday, October 18, 2024
More
    હોમપેજગુજરાતતમારી વાત સાચી છે PI સાહેબ, પણ લોહી તો કિશન ભરવાડ અને...

    તમારી વાત સાચી છે PI સાહેબ, પણ લોહી તો કિશન ભરવાડ અને રામગોપાલ મિશ્રાનું પણ લાલ જ હતું!

    ગોપાલ મિશ્રાનું લોહી પણ લાલ હતું, કિશન ભરવાડનું પણ અને કન્હૈયાલાલનું પણ. તમારામાંથી કેટલા પ્રવીણ નેત્તારુને ઓળખે છે? કોણ અંકિત સક્સેનાને જાણે છે? કોને ખબર છે કે મહારાષ્ટ્રના અમરાવતીમાં ઉમેશ કોલ્હે નામના એક વ્યક્તિની હત્યા માત્ર એટલા માટે કરી નાખવામાં આવી હતી કારણ કે તેણે સોશિયલ મીડિયા પર ભાજપનાં પૂર્વ નેતા નૂપુર શર્માનું સમર્થન કર્યું હતું!

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર કચ્છના એક પોલીસ અધિકારીનો એક વિડીયો બુધવાર (16 ઑક્ટોબર) સવારથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં શું છે?- હિંદુત્વ પર જ્ઞાન અને સાથે થોડી ગાળો. બોનસમાં.

    વિડીયોમાં જે વાતો કહેવાઈ છે એની ઉપર એક નજર કરીએ. અધિકારી પહેલાં અમુક લોકોને બોલાવીને ‘હિંદુત્વ’નો અર્થ પૂછે છે. પછી કહે છે કે, “હિંદુત્વનો અર્થ થાય…..હિંદુ એટલે સહિષ્ણુ પ્રજા. હિંદુ એટલે પ્રકૃતિને પૂજવાવાળી પ્રજા. તેમાં ગાય પણ આવી જાય અને ભૂંડ પણ આવી જાય. હિંદુત્વ એટલે શું? મારામાં પણ ઈશ્વર છે, આનામાં પણ ઈશ્વર છે અને નીચે કીડી મરી જાય તેનામાં પણ ઈશ્વર છે.”

    તેઓ પ્રશ્ન કરે છે કે બહાર રખડતી ગાયોનું શું? એ રખડે છે એ ગાયો નથી? આગળ અધિકારી કહે છે, “કુદરતે આપણામાં અને મિયાંભાઈઓ અને બીજી એક પણ જાતિમાં એક પણ ફેર નથી કર્યો. માણસ જ બનાવ્યા છે બધાને….તેનામાં પણ કોઈ લીલું લોહી નથી. તેનામાં પણ લોહી લાલ જ છે. એટલે માણસને માણસની જેમ જોવાનું નામ હિંદુત્વ છે.” 

    - Advertisement -

    અહીં વચ્ચે એક-બે ગાળો પણ સંભળાઈ છે. અમુક પત્રકારોએ વિડીયો શૅર કરતી વખતે એ ભાગ કાઢી નાખ્યો છે, અમુકે ગાળો બીપ કરી નાખી છે.

    હવે વિડીયોમાં કેસ શું હતો અને આંખો સંદર્ભ શું હતો એ ચર્ચા અહીં અસ્થાને છે. એનું કારણ એ કે જેઓ આ વિડીયો ફેરવી રહ્યા છે તેઓ પણ સંદર્ભ અને મૂળ કેસની ચર્ચા કરી રહ્યા નથી. તો શૅર કઈ રીતે કરવામાં આવી રહ્યો છે? એ નરેટિવ સાથે કે એક પોલીસ અધિકારીઓએ હિંદુત્વવાદીઓને ખુલ્લા પાડી દીધા, તેમના હિંદુત્વની પોલ ખોલી નાખી. 

    હવે અહીં પહેલી વાત. આ ભાઈ વિડીયોમાં જે હિંદુત્વની વ્યાખ્યા આપે છે એ સદંતર ખોટી, તથ્યથી વેગળી અને પાયા વગરની છે. હિંદુત્વનો આ અર્થ થતો નથી. એ વાતો સાંભળવામાં સારી લાગતી હશે. હાથી-કીડીનાં ઉદાહરણોથી વાતો સાચી બની જતી નથી. તથ્યાત્મક રીતે તેમાં ઘણા ઝોલ છે. 

    બીજું, જાહેરમાં બોલતી અને લખતી વખતે એક-એક શબ્દ તોલી-તોલીને લખવા અને બોલવા પડે છે. અધિકારીની ગાયો વગેરેને લઈને ઉઠાવેલી ચિંતા વ્યાજબી પણ માનીએ તોપણ આ રીતે જાહેરમાં ગાળાગાળી કરીને આ વાતો સમજાવવા પાછળ કોઈ કારણ જણાતું નથી કે નૈતિકતાની રીતે પણ એ ખોટું છે. તમે પોલીસ અધિકારી હો તો ભલે, પણ જાહેરમાં ગાળાગાળી કરવાનો અધિકાર તો CMને પણ નથી. તેમણે જે આશય સાથે વાતો કરી હોય એ, આ વિડીયોનો ઉપયોગ હવે સોશિયલ મીડિયા પર રાજકીય એજન્ડા ચલાવવા માટે અને હિંદુત્વવાદીઓને નીચા દેખાડવા માટે જ થઈ રહ્યો છે એ હકીકત છે. 

    જ્યાં સુધી વાત ગંગા-જમુની તહેજીબની છે તો પ્રશ્ન એ છે કે ક્યાં સુધી હિંદુઓ આવી વાયડી પંથનિરપેક્ષતા અને એક જ લોહી હોવાની વાયડી વાતો કરીને વાસ્તવિકતાને પાછળ ધકેલતા રહેશે? એક હકીકત એ પણ છે કે આવી વાતો કરતા તમને હિંદુઓ જ મળશે. કારણ કે પંથનિરપેક્ષતા સાચવવાનો અને લોકોનાં શરીરમાં લોહી કયાં રંગનાં વહે છે તે જોવાનો ઠેકો માત્ર હિંદુ સમાજે જ લઈ રાખ્યો છે. 

    તમારામાંથી કેટલાને ખબર છે કે ત્રણ દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના બહરાઈચમાં એક રામગોપાલ મિશ્રા નામના યુવકની બર્બર હત્યા કરી નાખવામાં આવી. આ હત્યા કોણે કરી? ઇસ્લામી કટ્ટરપંથીઓએ. દુર્ગા પૂજા વિસર્જન દરમિયાન ભૂતકાળમાં જેમ ઘણા કિસ્સાઓમાં થયું છે તેમ DJને લઈને મુસ્લિમ કટ્ટરપંથીઓએ વાંધો ઉઠાવ્યો તેમાંથી બબાલ મોટી થઈ. પછી ગોપાલને ટાર્ગેટ બનાવવામાં આવ્યો અને ખેંચી લઈ જઈને અમાનુષી અત્યાચાર આચરીને મારી નખાયો

    તેની હત્યા પછી ઇન્ટરનેટ પર ઇસ્લામીઓ એ સાબિત કરવા મથે છે કે ગોપાલે એક લીલો ઝંડો હટાવીને ભગવો લહેરાવ્યો હતો એટલે તેની હત્યા કરી નાખવામાં આવી! સેક્યુલર મૂરખો આ વાતમાં આવી પણ જાય છે, પણ એ પૂછતા નથી કે એક ઝંડાના કારણે માણસને મારી નાખવાનો? તો એક જ મહિના પહેલાં કચ્છના નખત્રાણામાં એક મૌલાના સહિત અમુક ઈસ્લામીઓએ મંદિર પર લીલો ઝંડો ફરકાવી દીધો હતો ત્યારે હિંદુઓએ પોલીસ ફરિયાદ કરવાના સ્થાને આવો ‘સેક્યુલર’ માર્ગ અપનાવ્યો હોત તો? 

    ગોપાલ મિશ્રાનું લોહી પણ લાલ હતું, કિશન ભરવાડનું પણ અને કન્હૈયાલાલનું પણ. તમારામાંથી કેટલા પ્રવીણ નેત્તારુને ઓળખે છે? કોણ અંકિત સક્સેનાને જાણે છે? કોને ખબર છે કે મહારાષ્ટ્રના અમરાવતીમાં ઉમેશ કોલ્હે નામના એક વ્યક્તિની હત્યા માત્ર એટલા માટે કરી નાખવામાં આવી હતી કારણ કે તેણે સોશિયલ મીડિયા પર ભાજપનાં પૂર્વ નેતા નૂપુર શર્માનું સમર્થન કર્યું હતું! આપણી આદત બહુ વહેલા ભૂલી જવાની છે. 

    હવે માણસને માણસ તરીકે જોવાની અને લોહી તપાસવાની સલાહ આ હિંદુઓને આપવાની જરૂર છે કે પછી એ કટ્ટરપંથી ઈસ્લામીઓને જેમણે આ નિર્દોષોને માત્ર એટલા માટે મારી નાખ્યા હતા, કારણ કે તેઓ હિંદુ હતા. કિશન ભરવાડનો ગુનો શું હતો? તેણે ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરતું એક સ્ટેટસ વોટ્સએપ પર મૂક્યું હતું. કન્હૈયાલાલ અને ઉમેશ કોલ્હેનો ગુનો શું હતો? તેમણે નૂપુર શર્માનું સમર્થન કર્યું હતું. રામગોપાલ મિશ્રાનો ગુનો શું હતો? તે દુર્ગા પૂજા યાત્રામાં ગયો હતો! 

    આવી વાતોથી આપણે કાયમ એક પક્ષને એક જ લાકડીએ હાંક્યા કરીએ છીએ. પરંતુ એ જોતા નથી કે સામેના પક્ષે પરિસ્થિતિ શું છે. સેક્યુલરિઝમનો કે લોકોનાં લોહી ચેક કરવાનો ઠેકો માત્ર એક જ સમુદાયે લઈ રાખ્યો નથી. અહીં વાત કોઈ સમુદાય પ્રત્યે વૈમનસ્ય ફેલાવવાની નથી, હકીકતનો સહજભાવે સ્વીકાર કરવાની છે. 

    યાદ રહે કે આ ભાષણ કોઈ ધર્મગુરુ કે નેતાએ નથી આપ્યું, પણ એક પોલીસ અધિકારીએ આપ્યું છે, જે સરકારી કર્મચારી છે. પોલીસનું કામ છે કાયદાનું પાલન કરાવવાનું, તેમાં વ્યક્તિગત મતમતાંતરો બાજુ પર રહી ગયા. કદાચ આપવામાં પણ આવે તો શબ્દો તોલી-તોલીને વાપરવામાં આવે એવી આશા રાખવામાં આવે છે. સોશિયલ મીડિયા પર લખતા માણસની અને એક અધિકારીની વાતોમાં ફેર હોવાનો અને હોવો જ જોઈએ. સાથે જે-તે વ્યક્તિને જાહેરમાં બોલતી વખતે સતત એ યાદ રહેવું જોઈએ કે આ શબ્દોનો પછીથી કેવો અને કેવા પ્રકારનો ઉપયોગ થઈ શકે છે, ખાસ કરીને વિષય સંવેદનશીલ હોય.

    કહેવાની વાત માત્ર એટલી છે કે, વર્ષો સુધી હિંદુ સમાજની આંખે પાટા બાંધી રાખવામાં આવ્યા. તેમના ધર્મ, સંસ્કૃતિ અને સભ્યતાને ગંદા પગ તળે કચડી નાખવા માટે આ સ્યુડો સેક્યુલરોની જમાતે બહુ પ્રયાસો કર્યા. હવે સદનસીબે આંખેથી આ પાટા ઉઘડી રહ્યા છે, લોકોને વાસ્તવિકતાનો ખ્યાલ આવતો જાય છે, તેઓ સમજતા થયા છે. શત્રુબોધ સમજતા થયા છે, તો તેમાં વધારે પડતું જ્ઞાન જેમની પાસે આવી ગયું હોય તેવા સેક્યુલર હિંદુઓ પાસેથી આશા માત્ર એટલી જ રખવામાં આવે છે કે તેઓ પોતાનું જ્ઞાન હમણાં થોડો સમય પોતાની પાસે રાખે, સમુદાયને તેની હમણાં જરૂર નથી. 

    અંતે એક પ્રશ્ન. આ જ પીઆઈ શું આ જ બેબાકી અને આટલી જ બહાદૂરીથી અમુક મુસ્લિમ યુવાનોને બોલાવીને સાથે બે-ચાર ગાળો સાથે ‘જેહાદ’ વિષય પર લેક્ચર આપી શકે? ને જેઓ હમણાં તેમના વિડીયો ફેરવીને વાહવાહી કરી રહ્યા છે, તેઓ એટલી જ હિંમતથી એમ કરી શકે? જવાબ તમને પણ ખબર છે, જવાબ મને પણ ખબર છે અને ખુદ પેલા અધિકારીને પણ. ને આ જવાબ જ સાચું સેક્યુલરિઝમ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં