Friday, October 18, 2024
More
    હોમપેજમિડિયામતગણતરી શરૂ થયા પહેલાં જ કેવી રીતે આવી જાય છે લીડ?: પોતાના...

    મતગણતરી શરૂ થયા પહેલાં જ કેવી રીતે આવી જાય છે લીડ?: પોતાના એક્ઝિટ પોલ્સને સાચા બતાવવા મીડિયા કરે છે પેંતરા, મુખ્ય ઈલેક્શન કમિશ્નરે ઉઘાડો પાડ્યો ખેલ

    પ્રશ્ન તો એ પણ છે કે CECના જણાવ્યા અનુસાર જો ગણતરી શરૂ થયા પહેલાં જ લીડની શરૂઆત થઇ જતી હોય તો આ ભ્રામક ચીજ વસ્તુઓ બતાવતી ચેનલોની વિશ્વસનીયતા કેટલી?

    - Advertisement -

    હરિયાણા વિધાનસભા ચૂંટણીનું પરિણામ (Haryana Assembly Election Result) આવ્યા બાદ ઘણા વિવાદો સર્જાયા હતા. કોંગ્રેસને ધાર્યું અથવા એક્ઝિટ પોલ્સ (Exit Polls)અનુસાર પરિણામ ન મળતા પાર્ટી દ્વારા ભારતીય ચૂંટણી પંચ (ElectionCommission of India) પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આમ જોવા જઈએ તો કોઈ પણ ચૂંટણીની જાહેરાત થયા બાદ કોઈને કોઈને સ્વરૂપે તેમાં મીડિયા મહત્વનો ભાગ ભજવતું હોય છે. દરેક ચેનલો માટે ચૂંટણીના પરિણામનો દિવસ મહત્વનો હોય છે કે કારણકે દેશભરના લોકોની નજર ન્યુઝ ચેનલ્સ (News Media Channels) પર જ હોય છે. વિવિધ પ્રકારના ‘વિશેષજ્ઞો’ને બેસાડીને પરિણામ આવ્યા પહેલા જ કોઈ ચોક્કસ પક્ષના સમર્થનમાં કે વિરોધમાં માહોલ બનાવવાના પ્રયાસો થતા હોય છે. TRP માટે થઈને પરિણામ આવ્યા પહેલાં જ રુઝાનોના આધારે જ ચોક્કસ પ્રકારનું વાતાવરણ ઉભું કરવામાં આવતું હોય છે.

    ઘણીવાર તો એવું પણ બનતું હોય છે કે પરિણામ પહેલાં જ મીડિયા ચેનલો દ્વારા રુઝાનોના આધારે કોઈ પાર્ટીની સરકાર બનતી દેખાડી દેવામાં આવી હોય અને પછી ચૂંટણી પંચ દ્વારા સાચું પરિણામ સામે આવ્યા બાદ U-Turn લેવો પડ્યો હતો. U-Turn લીધા પછી હકીકતનો સામનો કરવો તો એક તરફની વાત છે પણ પ્રશ્ન એ પણ થાય કે ચેનલો હરખ ઘેલી થઈને વિશ્વસનીયતાની ટોચ પર બિરાજમાન થઇ નંબર વન હોવાના જે દાવા કરતી હોય છે એનું શું?

    આ મામલે ચૂંટણી પંચના અધ્યક્ષ રાજીવ કુમારે (CEC Rajiv Kumar) મીડિયાના ખેલને ઉઘાડો પાડ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં જ તેમણે કહ્યું હતું કે, જે દિવસે મતદાન પૂર્ણ થાય તેના લગભગ ત્રીજા દિવસે મતગણતરી શરૂ થતી હોય છે. તેમણે એમ પણ કહ્યું કે મતગણતરી પહેલા જ કોઈપણ પ્રકારના વૈજ્ઞાનિક આધાર વિના અટકળો શરૂ થઇ જતી હોય છે કે આવું કઈક થવાનું છે. તેમણે ચૂંટણીના પરિણામ દરમિયાન મીડિયાએ શું ખેલ કરે છે અને કેવા હથકંડા અજમાવતી હોય છે તે ઉજાગર કર્યું હતું.

    - Advertisement -

    તેમણે કહ્યું કે, “જયારે ગણતરી શરૂ થાય ત્યારે 8 વાગીને 5 કે 10 મિનિટે રુઝાન આવવાની શરૂઆત થઇ જાય છે જે સંપૂર્ણ બકવાસ છે. પ્રથમ મતગણતરી 8:30એ શરૂ થાય છે અને 8:05, 8:10, 8:15 એ જ લીડ આવવાની શરૂઆત થઇ જતી હોય છે. ક્યાંક એવું તો નથી કે એક્ઝિટ પોલ્સને વાજબી ઠેરવવા માટે શરૂઆતમાં આ ટ્રેન્ડ બતાવી દેવામાં આવે છે? કે અમે જેવું કહ્યું હતું એવું જ પરિણામ આવી રહ્યું છે, પાછળથી જે થશે એ જોયું જશે.”

    તેમણે કહ્યું કે “જયારે 8:30એ ગણતરી શરૂ થાય છે અને 9 વાગવામાં 10 મિનીટ 5 મિનીટની વાર હોય ને અચાનક પ્રથમ રાઉન્ડનું પરિણામ આવી જતું હોય છે. જયારે અમે આ પરિણામ 9:30એ વેબસાઈટ પર મુકતા હોઈએ છીએ. પછીનું પરિણામ 11:30એ અને 1:30એ વેબસાઈટ પર મુકતા હોઈએ છીએ. માની લઈએ કે તમારા કોઈ સંવાદદાતા ત્યાં હાજર હતા જેમણે તમને અગાઉથી માહિતી આપી દીધી હોય. પરંતુ તેમ છતાં 20 મિનીટમાં પરિણામ આવવું શક્ય જ નથી.”

    તેમણે પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા અંગે કહ્યું કે, “મતગણતરીના પરિણામ માટે પરિણામો પહેલા સ્ક્રીન પર દર્શાવવા પડે છે, એજન્ટની સહીઓ લેવી પડે છે, નિરિક્ષક પાસેથી વાજબી ઠેરવવું પડે છે તો સત્તાવાર સાઈટ પર મુકતા અડધો કલાક લાગી શકે છે, પરંતુ પ્રશ્ન એ છે કે 9 વાગ્યામાં 10 મિનીટની વાર હોય ને પરિણામ કેવી રીતે જાહેર થઇ શકે?”

    આગળ તેમણે કહ્યું કે, “આનાથી શું થાય છે કે એક તો મનમાં એક્ઝિટ પોલ્સની અપેક્ષાઓ હોય છે પોણા નવ સુધી ચેનલોએ બતાવી દીધું કે એક્ઝિટ પોલ્સના માપદંડથી જ લોકો લીડ કરી રહ્યા છે, પરંતુ જયારે સાચા પરિણામ આવવાની શરૂઆત થાય છે તો એ એક્ઝિટ પોલ્સ સાથે મેળ ખાતા નથી. આના કારણે ઘણી વાર કેટલીક ગંભીર સમસ્યાઓ ઉભી થાય છે. અપેક્ષાઓ અને પરિણામ વચ્ચે જે ગેપ હોય છે એ હતાશામાં પરિણમે છે. આ એક એવો વિષય છે જેમાં મંથનની આવશ્યકતા છે.”

    ઉલ્લેખનીય છે કે CEC એ જે મુદ્દો ઉઠાવ્યો એવી ઘટના તાજેતરમાં જ બની ચુકી છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મીડિયાએ એક્ઝિટ પોલ્સના ગતકડાંથી માહોલ એવો ઉભો કરી દીધો હતો કે હરિયાણામાં કોંગ્રેસ જીતશે. પરિણામના દિવસે પણ આગાઉના 2 કલાક સુધી સતત કોંગ્રેસ અગાળ ચાલી રહી હતી, પરંતુ જેવા સાચા પરિણામ આવવાના શરૂ થયા કે કોંગ્રેસની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું. જેના ઠીકરા કોંગ્રેસે ચૂંટણી પંચની સાઈટ પર ફોડવાના પ્રયાસ કર્યા.

    પ્રશ્ન એ થાય કે જે ચેનલના પત્રકારો સ્ક્રીન પર બેસીને વિવિધ પાર્ટીના નેતાઓને નૈતિકતાના પાઠ ભણાવતા હોય છે, એ TRP માટે આટલી હદે જતા હશે કે કેમ. કે પછી પાર્ટી વિશેષ માટે તેમનો પ્રેમ જાહેર કરવા એક્ઝિટ પોલ્સનો સહારો લઈને વિશ્વસનીયતા અને નંબર વન હોવાના બ્યુગલ ફૂંકે છે. પ્રશ્ન તો એ પણ છે કે CECના જણાવ્યા અનુસાર જો ગણતરી શરૂ થયા પહેલાં જ લીડની શરૂઆત થઇ જતી હોય તો આ ભ્રામક ચીજ વસ્તુઓ બતાવતી ચેનલોની વિશ્વસનીયતા કેટલી?

    હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ એટલું તો કહી શકાય કે ચેનલો દ્વારા જે એક્ઝિટ પોલ્સ બતાવવામાં આવે છે એ વિશ્વાસપાત્ર હોય એવું જરૂરી નથી. પ્રશ્ન એમ થાય કે શું આ જ એક્ઝિટ પોલ્સને સાચા દર્શાવવા માટે મીડિયા ચેનલો આટલી ઉતાવળ કરતી હશે? ચેનલો દ્વારા તૈયાર કરાયેલા એક્ઝિટ પોલ્સ એ હકીકતમાં પરિણામ દર્શાવવા માટે જ હોય છે કે કોઈ ચોક્ક્સ પાર્ટીના પક્ષમાં કે વિરોધમાં માહોલ બનાવવા માટે?

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં