ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બહરાઈચ (Bahraich) જિલ્લામાં રવિવારે (13 ઓક્ટોબર, 2024) મા દુર્ગાની મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન એક હિંદુ યુવકની હત્યા (Hindu boy Killed by Muslim Mob) કરવામાં આવી હતી. મુસ્લિમ ટોળાએ આ સરઘસ પર પથ્થરમારો કર્યો હતો. અબ્દુલ હમીદ, સરફરાઝ, ફહીમ અને સાહિર ખાન વગેરે પર આ હત્યાનો આરોપ છે. મૃતકનું નામ રામગોપાલ મિશ્રા છે. રામગોપાલ મિશ્રાના લગ્ન માત્ર 2 મહિના પહેલા જ થયા હતા. હત્યારાઓનું નેપાળ સાથે કનેક્શન પણ સામે આવ્યું છે. OpIndiaએ આ રમખાણને લગતી કેટલીક અન્ય જમીની માહિતી એકત્રિત કરી છે, અને પ્રત્યક્ષદર્શીઓ સાથે પણ વાત કરી છે.
વૃદ્ધ પિતા બેભાન, પત્ની 2 મહિનામાં વિધવા
OpIndiaએ આ ઘટના અંગે રામગોપાલના ભાઈ હરિમિલન મિશ્રા સાથે વાત કરી હતી. હરિમિલને જણાવ્યું કે તેના કુલ 3 ભાઈઓ છે જેમાં રામગોપાલ હવે દુનિયામાં નથી. રામગોપાલની ઉમર 22 વર્ષ હતી. તે રામગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના રેહુઆ મંસર ગામના નિવાસી હતા. રામગોપાલના પિતા કૈલાશનાથ 75 વર્ષના છે. પુત્રની હત્યા બાદ તેમની તબિયત પણ ખૂબ બગડી છે. પરિવારના સભ્યો અને અન્ય સંબંધીઓ તેમને કોઈક રીતે સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રામગોપાલ 3 ભાઈઓમાં સૌથી નાના હતા. તે અને તેના પરિવારના અન્ય પુરુષો ખેતીકામ અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. માત્ર 2 મહિના પહેલા રામગોપાલના લગ્ન ખૂબ જ ધામધૂમથી નજીકના ગામમાં થયા હતા. રામગોપાલની પત્ની, જે લગ્નના માત્ર બે મહિના પછી વિધવા થઈ ગઈ હતી, તે OpIndia દ્વારા મેળવેલા વિડીયોમાં તેના પતિના મૃતદેહને વળગીને રડતી જોઈ શકાય છે. હરિમિલને જણાવ્યું કે રામગોપાલની પત્ની તેના પતિની હત્યાની વાત સાંભળીને બેભાન થઈ ગઈ હતી.
જો પોલીસે લાઠીનો ઉપયોગ ન કર્યો હોત તો જીવતો હોત મારો ભાઈ
OpIndia સાથે વાત કરતી વખતે હરિમિલન મિશ્રા પોસ્ટમોર્ટમ હાઉસમાં હતા. ત્યાં કડક સુરક્ષા વચ્ચે રામગોપાલ મિશ્રાનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું હતું. હત્યા બાદ પરિવારની સ્થિતિને અત્યંત દયનીય ગણાવતા હરિમિલને અપીલ કરી છે કે સરકારે તેમને મદદ કરવી જોઈએ. તેમજ મુસ્લિમ હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગણી કરી હતી. અત્યાર સુધી રામગોપાલના પરિવારને કોઈ સરકારી મદદ મળી નથી. તેમણે પોલીસની કાર્યશૈલી સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો છે.
આ ઘટનાનો ઉલ્લેખ કરતા હરિમિલને કહ્યું કે મા દુર્ગાની શોભાયાત્રામાં પહેલા અબ્દુલ હમીદના ઘરેથી પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. આ પથ્થરોથી દેવીની મૂર્તિનો હાથ તૂટી ગયો હતો અને મૂર્તિ ખંડિત થઈ ગઈ હતી. જે બાદ ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ દરમિયાન પોલીસે હિંદુઓ પર લાઠીચાર્જ કર્યો જેના કારણે હોબાળો મચી ગયો અને લોકો અહીં-તહીં દોડવા લાગ્યા. એવો આરોપ છે કે પથ્થરમારો કરી રહેલા મુસ્લિમ ટોળાએ આ અરાજકતાનો ફાયદો ઉઠાવીને રામગોપાલને ઘરમાં ઘસડી લઇ જઈને તેમની નિર્દયતાથી હત્યા કરી નાખી.
હરિમિલને કહ્યું કે જો પોલીસે હિંદુઓ પર લાઠીનો ઉપયોગ ન કર્યો હોત તો બધા ભક્તો એકજૂટ રહ્યા હોત અને તેમનો ભાઈ જીવિત હોત. હાલમાં મિશ્રા પરિવારને ખબર નથી કે તેમના પરિવારનું ભવિષ્ય શું હશે. તેમણે હુમલાખોરોની સાથે ખોટો નિર્ણય લેનાર પોલીસ દળ સામે તપાસ અને કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.
મુસ્લિમો તરફથી પહેલો હુમલો
જે વિસર્જન યાત્રામાં રામગોપાલની હત્યા થઇ તે સરઘસમાં સામેલ હોવાનો દાવો કરનાર લલિત સાથે પણ OpIndiaએ વાતચીત કરી હતી. લલિતે જણાવ્યું કે મહારાજગંજમાં જે જગ્યા પર હુમલો થયો હતો તે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. લલિતનો દાવો છે કે રસ્તા પર ઉભેલા કેટલાક મુસ્લિમ યુવકોએ અબીર અને ગુલાલના બહાને વિવાદ શરૂ કર્યો હતો. આરોપ છે કે પોલીસ આ દરમિયાન મૌન હતી જેના કારણે અબ્દુલ હમીદના ઘરથી પથ્થરમારો શરૂ થયો હતો.
લલિતે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયો વિશે પણ માહિતી આપી હતી જે રામગોપાલ મિશ્રાનો છે અને જેમાં તે કથિત રીતે લીલો ઝંડો ઉખેડીને ભગવો ઝંડો લગાવતા જોવા મળે છે. લલિતે જણાવ્યું કે માતા દુર્ગાની મૂર્તિના હાથ ખંડિત જોઈને ભક્તો ગુસ્સે થઈ ગયા હતા.
પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહીના આક્ષેપોથી લોકોનો ગુસ્સો વધુ ભડક્યો હતો. રામગોપાલ મિશ્રાની લાશ અબ્દુલ હમીદના ઘરની અંદરથી મળી આવી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. અન્ય કેટલાક શ્રદ્ધાળુઓ પણ ઘાયલ થયા હતા તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
OpIndia દ્વારા મેળવેલા વિડીયોમાં હિંદુ સંગઠનો મૃતકના મૃતદેહને લઈ જતા અને સૂત્રોચ્ચાર કરતા જોઈ શકાય છે. તેઓ ‘પોલીસ પ્રશાસન મુર્દાબાદ’ના નારા લગાવી રહ્યા છે. રામગોપાલના ભાઈ હરિમિલને કહ્યું કે હુમલા દરમિયાન મુસ્લિમ ભીડ પણ સૂત્રોચ્ચાર કરી રહી હતી. આ સૂત્રોચ્ચાર સાથે મારો-મારોનો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો.
હત્યારાનું નેપાળમાં કનેક્શન
OpIndiaને રામગોપાલની હત્યા કરનારા મુસ્લિમો વિશે વધુ માહિતી મળી છે. અબ્દુલ હમીદનું ઘર આ હુમલા માટે લોન્ચ પેડ તરીકે કામ કરતું હોવાનું બહાર આવ્યું છે. અબ્દુલ હમીદ પોતે આ ઘટનાનો માસ્ટર માઈન્ડ હોવાનું કહેવાય છે. આ હુમલામાં તેના બે પુત્રો સરફરાઝ અને ફહીમનું નામ પણ છે. નામ ન આપવાની શરતે એક સ્થાનિક વ્યક્તિએ OpIndiaને જણાવ્યું કે અબ્દુલ હમીદનો એક પુત્ર નેપાળમાં રહે છે.
એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેની નેપાળમાં ભારત વિરોધી તત્વો સાથે સાંઠગાંઠમાં છે. નેપાળના બાંકે જિલ્લામાં ફુલટેકરા પાસેની મદરેસામાં તેણે મુલાકાતો લીધી હોવાનું પણ આવી રહ્યું છે. આરોપ છે કે આ મદરેસામાં ભારત વિરોધી અને હિંદુ વિરોધી ગતિવિધિઓ કરવામાં આવે છે. કેટલાક લોકોએ એવી આશંકા વ્યક્ત કરી છે કે રામગોપાલની હત્યા બાદ અબ્દુલ હમીદનો પરિવાર ભારતીય સરહદ પાર કરીને નેપાળ ભાગી ગયો છે.
રામગોપાલની હત્યા બાદ ગુસ્સે ભરાયેલા લોકો આરોપીઓનું એન્કાઉન્ટર કરવા અને તેમના ઘરો પર બુલડોઝર ચલાવવાની માંગ કરી રહ્યા છે. મૃતકના પરિજનોને આર્થિક સહાય અને સરકારી નોકરી આપવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. પોલીસ પ્રશાસન લોકોને પરિસ્થિતિ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.