તાજેતરમાં જ બિહારના (Bihar) બેગુસરાયની (Begusarai) એક શાળામાંથી એક ઘટના સામે આવી હતી. જેમાં જિયાઉદ્દીન નામક મુસ્લિમ શિક્ષક (Muslim Teacher) વિદ્યાર્થીઓને એવું ભણાવી રહ્યો હતો કે, ભગવાન શ્રીરામે (Bhagwan Ram) હનુમાનજીને (Bhagwan Hanuman) નમાજ (Namaz) પઢતા શીખવ્યું હતું. હિંદુઓના આરાધ્ય હનુમાનજી અને ભગવાન શ્રીરામ માટેના આવા નિવેદનથી હિંદુઓમાં ખૂબ રોષ ફેલાયો હતો. હિંદુ સંગઠનો અને વાલીઓ શિક્ષક પર કાયદેસર કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા. ત્યારે આ મામલે BDO અને ગ્રામજનોએ સંયુક્ત રીતે શિક્ષક મોહમ્મદ જિયાઉદ્દીન વિરુદ્ધ બછવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં FIR નોંધાવી છે.
શાળાની એક વિદ્યાર્થિનીના વાલીએ જિયાઉદ્દીન વિરુદ્ધ FIR નોંધાવી હતી. કૈદરાબાદના રહેવાસી રાજેશ પોદ્દારે બછવારા પોલીસ સ્ટેશનમાં કરેલ અરજીમાં તેમણે કહ્યું છે કે, “તેમની પુત્રી રોશની કુમારી મિડલ સ્કૂલ હરિપુર કૈદરાબાદમાં ધોરણ 7માં અભ્યાસ કરે છે. 8 ઑક્ટોબરે જ્યારે દીકરી સ્કૂલેથી ઘરે પહોંચી ત્યારે તેણે જણાવ્યું કે, અમારા શિક્ષક જિયાઉદ્દીન આજે ક્લાસમાં ભણાવતા હતા કે ભગવાન રામ અને હનુમાનજી મુસ્લિમ હતા. ભગવાન રામે હનુમાનને નમાજ પઢવાનું શીખવ્યું હતું.”
રાજેશ પોદ્દાર સાથે FIR નોંધાવવા પહોંચેલા ભાજપના વરિષ્ઠ નેતા અને વકીલ અમરેન્દ્ર કુમાર અમાને જણાવ્યું હતું કે, “મો. જિયાઉદ્દીને ભગવાન રામ અને હનુમાનને મુસ્લિમ ગણાવ્યા અને અભદ્ર ટિપ્પણી કરી. રોશની કુમારીએ આ વાત સૌથી પહેલાં કહી હતી. 12થી વધુ બાળકોએ ગ્રામજનોની સામે આ વાતની પુષ્ટિ પણ કરી હતી. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે.” આ ઉપરાંત ભાજપે પણ આ મામલે જણાવ્યું છે કે, આરોપી શિક્ષકે કોઈના કહેવાથી પણ આવું કર્યું હોય શકે છે, આ એક મોટું કાવતરું પણ હોય શકે. વધુમાં ભાજપે આરોપી શિક્ષકને બરતરફ કરવાની માંગ પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આરોપી શિક્ષક વિરુદ્ધ IPCની કલમ 299 અને 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કલમ 299 અને 302 બિનજામીનપાત્ર વોરંટ છે. કલમ 299 અંતર્ગત 3 વર્ષની અને 302 અંતર્ગત 1 વર્ષની સજા થઈ શકે છે. આ બંને કલમો લાગ્યા બાદ જામીન મેળવવા હાઈકોર્ટમાં જ જવું પડે છે. હવે જિયાઉદ્દીન પર FIR નોંધાવાના પગલે કાર્યવાહી શરૂ થશે.
હનુમાનજી અને શ્રીરામ સિવાય પણ હિંદુ ધર્મની બીજી બાબતો માટે પણ જિયાઉદ્દીને આપત્તિજનક નિવેદનો આપ્યા હતા. એક ગામવાસીએ જણાવ્યું કે બાળકોને કહેવામાં આવે છે કે ગંગા માતા નથી કારણ કે જો તે માતા હોત તો તેણે ડૂબતા વ્યક્તિને બચાવી લેતી હોત. જોકે, શાળાના શિક્ષકોએ પણ આ બાબતે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે.