Saturday, November 23, 2024
More
    હોમપેજસ્પેશ્યલભારત એક પ્રમાણિક પડોશી છે, ભારત વગર શ્રીલંકા બહુ પહેલાં જ દેવાળિયું...

    ભારત એક પ્રમાણિક પડોશી છે, ભારત વગર શ્રીલંકા બહુ પહેલાં જ દેવાળિયું થઇ ગયું હોત: જાણીતા ક્રિકેટ કોમેન્ટેટર રોશન અબેસિંઘેની ઑપઇન્ડિયા સાથે ખાસ મુલાકાત

    શ્રીલંકા હાલમાં ભયંકર આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે. તેના કારણો, ભારતની ભૂમિકા તેમજ આ આર્થિક સંકટમાંથી શ્રીલંકા કેવી રીતે બહાર આવી શકશે તેના પર પોતાના મંતવ્યો જણાવે છે વિખ્યાત શ્રીલંકન ક્રિકેટ કોમેન્ટેટર રોશન અબેસિંઘે.

    - Advertisement -

    શ્રીલંકા તેના સહુથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યું છે. રાજપક્ષેની કંગાળ આર્થિક નીતિઓને કારણે દેશ અને અહીંની પ્રજા અત્યંત ત્રાસદાયક પીડા વેઠી રહ્યાં છે. આવા સમયમાં શ્રીલંકાના જ નાગરિક રોશન અબેસિંઘે જેઓ આરએફ એશિયા પ્રાઈવેટ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર છે તેમણે ઑપઇન્ડિયા સાથે ગત અઠવાડિયે ખાસ મુલાકાત કરી હતી. તેમની કંપની હેર પ્રોડક્ટ્સ તેમજ અન્ય કોસ્મેટીક બનાવટોનો વ્યાપાર કરે છે. આ ઉપરાંત તેઓ ક્રુસેડર સ્પોર્ટ્સ એન્ડ લીઝર ટુર્સના પણ ડિરેક્ટર છે. અબેસિંઘે શ્રીલંકાના સહુથી લોકપ્રિય ક્રિકેટ કોમેન્ટેટર પણ છે જેમને દેશ-વિદેશના ક્રિકેટ ફેન્સ બહુ સારી રીતે ઓળખે છે.

    ઑપઇન્ડિયા સાથે ચર્ચા કરતી વખતે અબેસિંઘેએ શ્રીલંકાની તકલીફોની વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે અહીંના પરિવારવાદી રાજકારણથી માંડીને ચીનનો આ ટાપુ રાષ્ટ્રમાં કેવો રોલ રહ્યો હતો અને ભારત શ્રીલંકાનું કેવું પડોશી બની રહ્યું છે આ તમામ વિષયોને સ્પર્શ કર્યો હતો. રોશન અબેસિંઘેએ ભારતને શ્રીલંકાના પડોશી તરીકે વર્ણવતા કહ્યું હતું કે “ભારતે અત્યંત પ્રમાણિકતાથી શ્રીલંકાની મદદ કરી છે. ભારતે જે શરતોએ શ્રીલંકાને લોન આપી છે જો એ ન આપી હોત તો શ્રીલંકા બહુ પહેલાં જ દેવાળિયું થઇ ગયું હોત. ચીન વિષે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અન્ય નાણાંકીય સંસ્થાઓ પાસેથી લોન મળવા કરતાં ચીન પાસેથી અત્યંત આસાનીથી લોન મળી જતી હોય છે. તેમણે આગળ જણાવ્યું હતું કે કેવી રીતે ચીને ઓછા વળતર ધરાવતા પ્રોજેક્ટ્સમાં નિવેશ કરીને શ્રીલંકાને લોન પરત કરવાની ક્ષમતામાં તકલીફ ઉભી કરી.

    જે રીતે શ્રીલંકામાં આર્થિક કટોકટી સામે આવી છે ત્યારે આ કટોકટીના મૂળમાં શું હતું તે જાણવું અત્યંત જરૂરી છે, જેમાં ભારતનો શ્રીલંકાને સ્થિર કરવામાં ભજવવામાં આવેલી ભૂમિકા વિષે શ્રીલંકાના જ જાણીતા ક્રિકેટ સેલિબ્રિટીનું મંતવ્ય પણ સામેલ છે તેને આપણે જાણીએ.

    - Advertisement -

    ઑપઇન્ડિયા: શ્રીલંકા હાલમાં આર્થિકરીતે લગભગ તૂટી ચૂક્યું છે જેમાં રાજકીય કટોકટી પણ સામેલ થઇ છે. એક શ્રીલંકન તરીકે તમે આ પરિસ્થિતિને કેવી રીતે સમજો છો?

    રોશન અબેસિંઘે: જો તમે ફક્ત આર્થિક સમસ્યાની જ વાત કરતા હોવ તો આ પરિસ્થિતિ રાતોરાત ઉભી નથી થઇ, પરંતુ એક સમયના અંતરે આ બધું થયું છે. હું અયોગ્ય રાજકીય નિર્ણયો અને નીતિઓ જે એકપછી એક સરકારોએ અમલમાં મૂકી તેને આ પરિસ્થિતિ માટે સહુથી વધારે જવાબદાર ગણીશ. આ સરકારોએ ઉત્પાદકતા વધારવા કે નિર્યાતને પ્રોત્સાહન આપવાનું કાર્ય ન કર્યું. શ્રીલંકા જે દેવાનાં ભાર નીચે દબાયેલું છે તે દેવું મોટેભાગે બિનઉત્પાદક પ્રોજેક્ટ્સમાં અને તમામ સ્તરે થયેલા નાણાના દુરુપયોગ, જેમાં સરકારી કર્મચારીઓએ પણ ભાગ ભજવ્યો છે, તેના કારણે ઉભું થયું છે.

    આ ઉપરાંત સરકાર બહાર રહેલા રાજકીય પક્ષોએ પણ હડતાલ કરીને ઘણા બધા પ્રોજેક્ટ્સ અધવચ્ચે જ બંધ કરાવી દીધા હતા, જેણે જે-તે સમયની સરકારને પોતાની પાસે રહેલા સંસાધનોને દેશની ઉત્પાદકતા વધારવાથી અટકાવી હતી. આથી ટૂંકમાં કહું તો છેલ્લા 25 વર્ષની લગભગ તમામ સરકારો આજે તમામ પક્ષોના તમામ સ્તરના રાજકારણીઓ શ્રીલંકાની આ હાલત માટે જવાબદાર છે.

    ઑપઇન્ડિયા: શ્રીલંકાની હાલની કટોકટી માટે રાજપક્ષેને સહુથી વધુ જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. તમારા માટે આ પરિવારનો શ્રીલંકાના રાજકારણમાં કેવો દબદબો હતો અને તેમનો વિરોધ અગાઉ કેમ ન થયો?

    રોશન અબેસિંઘે: શ્રીલંકાનું રાજકારણ મુખ્યત્વે બે રાજકીય પક્ષો દ્વારા ચલાવવામાં આવે છે, યુનાઈટેડ નેશનલ પાર્ટી અને શ્રીલંકા ફ્રિડમ પાર્ટી. UNP શરૂઆતમાં સેનાનાયકે પરિવાર દ્વારા ચલાવવામાં આવતી હતી અને આ પારિવારિક પક્ષ પર બાદમાં જેઆર જયવર્દને, રણસિંગે પ્રેમદાસા, અને રનીલ વિક્રમાસિંગે દ્વારા કાબુ મેળવવામાં આવ્યો હતો. જ્યારે શ્રીલંકા ફ્રિડમ પાર્ટી અથવાતો SLFP પોતાના નામ અને ચૂંટણી ચિન્હો દ્વારા સતત બદલાતી રહી છે. શરૂઆતમાં બંદારનાયકે પરિવાર અને ત્યારબાદ 2005થી રાજપક્ષે પરિવાર દ્વારા તેનું સંચાલન થતું રહ્યું છે.

    આ બંને પરિવારો દ્વારા શ્રીલંકામાં રાજકારણની વ્યવસ્થા એ રીતે ગોઠવાઈ હતી કે તેઓ શ્રીલંકાના મતદારો દ્વારા સતત સ્વીકાર પામતા રહ્યા. આ ઉપરાંત મહિંદા રાજપક્ષે જેમણે 30 વર્ષથી ચાલતાં આંતરિક યુદ્ધનો અંત લાવ્યો તેમને લોકોએ રાજાનો દરજ્જો આપ્યો. જો કે 2015માં તેઓ શક્યતાઓની સાવ વિરુદ્ધ રાષ્ટ્રપતિની રેસ સીરીસેના સામે હારી ગયા, પરંતુ ત્યારબાદ સિરીસેના અને વિક્રમાસિંગે વચ્ચેની લડાઇએ શ્રીલંકાની આર્થિક સ્થિતિને વધુ ખરાબ કરી જે આગમાં ઈસ્ટર બોમ્બિંગે ઘી નાખવાનું કાર્ય કર્યું અને ફરીથી રાજપક્ષે પરિવારને 2019માં દેશના તારણહાર બનીને સત્તામાં પરત થવાની તક મળી અને તેઓ હાલની કટોકટી સુધી સત્તામાં રહ્યાં.

    ઑપઇન્ડિયા: શ્રીલંકાનું ચીન પર આધારિત હોવું, ખાસકરીને આર્થિક મામલાઓમાં, એ છેલ્લા અમુક વર્ષોમાં ખૂબ વધી ગયું હતું. શું તમે માનો છો કે આ હકીકતે પણ શ્રીલંકાની હાલની કટોકટીમાં મહત્વનો ફાળો આપ્યો છે?

    રોશન અબેસિંઘે: અન્ય વિશ્વસ્તરીય નાણાંકીય એજન્સીઓ કોઇપણ પ્રોજેક્ટ્સ પર લોન આપતાં પહેલાં તેનું કડક વિશ્લેષણ કરતી હોય છે, તેની સરખામણીએ ચીન પાસેથી લોન મેળવવી અત્યંત સહેલી હોય છે.જો કે ચીનના બાકી નાણા એ શ્રીલંકાના કુલ દેવાનાં 10% જ છે. પરંતુ જે પ્રોજેક્ટ્સમાં ચીને રોકાણ કર્યું છે તેમાં તેના રોકાણનું વળતર (ROI) મળવું ખૂબ અઘરું છે જે મારા મતે દેવાની ચુકવણીમાં આડે આવે છે. આ જ કારણ હતું કે 2015માં સરકારે હંબનટોટા ખાતેનું પોર્ટ ચીનને લાંબા ગાળા માટે લીઝ પર આપી દીધું જેથી લોનની ચુકવણી ત્વરિત ગતિએ થઈ શકે.

    ઑપઇન્ડિયા: શ્રીલંકાની હાલની પરિસ્થિતિમાં તમે ભારતની ભૂમિકા કેવી રીતે જોઈ રહ્યા છો?

    રોશન અબેસિંઘે: ભારતે શ્રીલંકાની મદદ કરવામાં એક પ્રમાણિક પડોશીની ભૂમિકા અદા કરી છે. ભારતે જે શરતોએ શ્રીલંકાને લોન સહાય કરી છે તે અત્યંત સરળ છે અને જો આ લોન સમયસર શ્રીલંકાને ન મળી હોત તો એ ક્યારનુંયે દેવાળિયું થઇ ગયું હોત. આથી શ્રીલંકાને વગર કોઈ ખાસ અપેક્ષાએ મદદ કરનાર ભારતનો શ્રીલંકા આભાર માને તેટલો ઓછો છે. અને હાલમાં પણ ભારત શ્રીલંકાને જે મદદ કરી રહ્યું છે તેની અત્યંત સુંદર છાપ શ્રીલંકનોના મનમાં પડી છે.

    ઑપઇન્ડિયા: શું હાલની પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે રનીલ વિક્રમાસિંગે જ એક માત્ર વિકલ્પ છે કે પછી તમારા મતે બીજા આગેવાનો પણ છે જે લડવા માટે વધુ સક્ષમ છે?

    રોશન અબેસિંઘે: તેઓ (રનીલ વિક્રમાસિંગે) એક માત્ર વિકલ્પ તો નથી જ પરંતુ મોટાભાગના લોકોમાં તે ઉપલબ્ધ રહેલા સહુથી ખરાબ વિકલ્પોમાં સહુથી સારો વિકલ્પ છે કારણકે તેમનો અનુભવ ખૂબ લાંબો છે અને આંતરરાષ્ટ્રીય ફલક પર શ્રીલંકાના અન્ય આગેવાનો કરતાં તેમની સ્વીકૃતિ વધુ છે. જો કે ગત રાજપક્ષે શાસનના સંરક્ષક તરીકેની તેમની છાપે તેમના રાજકીય કદ પર થોડોઘણો બટ્ટો લગાડ્યો છે અને પ્રજાનો તેમના પરનો વિશ્વાસ પણ ઓછો થયો છે. જો કે પહેલાં દેશના વડાપ્રધાન અને બાદમાં સંસદ દ્વારા તેમનું રાષ્ટ્રપતિ બનવું એ પણ જ્યારે તેઓ ફક્ત પોતાની એક બેઠકને કારણે જ સંસદમાં આવી શક્યા છે અને તેમના પક્ષના બાકીના ઉમેદવારો હારી ગયા હતા, કોઈ પરીકથાથી ઓછું જરાય નથી.

    તેમ છતાં, વ્યક્તિગતરીતે મારું માનવું છે કે દેશ પોતાને આ પરિસ્થિતિમાંથી ઉગારવા માટે તેમના પર હજી પણ વિશ્વાસ કરે છે. આ તેમની કારકિર્દીનો પણ અતિશય મહત્ત્વનો સમય છે જે તેમનું અને આ સુંદર દેશનું ભવિષ્ય પણ નક્કી કરવાનો છે.

    ઑપઇન્ડિયા: તમારા મતે હવે શ્રીલંકા માટે ભવિષ્યનો માર્ગ કયો હોઈ શકે?

    રોશન અબેસિંઘે: એકમાત્ર ઉપાય એ જ છે કે તમામ રાજકીય પક્ષો અને આગેવાનોએ એકસાથે મળીને એક જ સરકાર છે એમ માનીને ચાલવું પડશે અને પ્રજાએ પણ સરકાર પાસેથી બધું જ મફતમાં આપવાની માંગણી પડતી મુકવી પડશે. રાજકીય વાતાવરણની બહારની જો વાત કરું તો જે કોઇપણ સરકારી સાહસો છે જે ખોટ કરી રહ્યા છે તેમને કડકાઈથી અને થોડી કંજૂસાઈથી કાર્ય કરીને નફો કરવો પડશે અને એ પણ આત્મનિર્ભર બનીને. હાલમાં શ્રીલંકાની પ્રજાનો મોટો હિસ્સો સરકારી સાહસોમાં નોકરી કરી રહ્યો છે જે બિનઉત્પાદક કાર્યો કરી રહ્યા છે અને આ જ બાબત રાષ્ટ્રને આગળ વધવાથી રોકી રહી છે.

    પેટ્રોલિયમ, ટ્રાન્સપોર્ટ અને ઈલેક્ટ્રીસિટી ક્ષેત્રો સહીત શ્રીલંકન એરલાઈન્સ જેને એક સમયે આગેવાન સરકારી સાહસ ગણવામાં આવતી હતી, આ તમામ અત્યારે ભયંકર ખોટ કરી રહ્યા છે. આ માટે ખરાબ સરકારી કાર્યશૈલી અને તેમના પર યુનિયનોનું પ્રભુત્વ જવાબદાર છે. આ બાબતે પણ સુધાર લાવવો અત્યંત જરૂરી છે. એક સ્પષ્ટ યોજના જે ધીરેધીરે શ્રીલંકાને ગરીબીમાંથી બહાર લાવે અને આગળ મેં જે વાત કરી એ સરકારી સાહસોની સરકાર પરની નિર્ભરતા દૂર કરે તેની હાલમાં ખાસ જરૂર છે. આ તમામ દેખીતા ઉપાયો છે પરંતુ તેની સાથે અન્ય બીજા પણ અસંખ્ય ઉપાયો હાજર છે જેના પર પણ ધ્યાન આપવું અત્યંત જરૂરી છે.

    ઑપઇન્ડિયા: શ્રીલંકનોમાં આપની લોકપ્રિયતા જાણીતી છે, તો આપ આપના સાથી નાગરિકોને આ પરિસ્થિતિમાં કઈ સલાહ આપશો?

    રોશન અબેસિંઘે: તમારા તમામ કાર્યમાં લચીલાપણું અને શિસ્ત લાવો. તમારી આસપાસની જમીનમાં જે પણ શક્ય હોય તે ઉગાડો અને એટલી બાબતોમાં આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરો. દેશના સંસાધનો જેવા કે વિજળી અને પાણીનો અતિશય બગાડ જે થઇ રહ્યો છે તેને અટકાવો જેથી સરકારી તિજોરીને થઇ રહ્યેલું અસહ્ય નુકશાન અટકે. દેશને પ્રેમ કરો અને શ્રીલંકન હોવામાં ગર્વનો અનુભવ કરો.

    આ મુલાકાત આપ અંગ્રેજીમાં પણ વાંચી શકો છો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં