ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગાઝિયાબાદ સ્થિત ડાસના દેવી મંદિરના મહંત યતિ નરસિંહાનંદ સરસ્વતી (Yati Narsinghanand Saradwati) ફરી એક વાર ચર્ચામાં છે. તેમના પર ઇસ્લામનું અપમાન કરવાના આરોપો લગાવીને કટ્ટરપંથી મુસ્લિમો તેમનું ‘સર તન સે જુદા’ કરવાની વાતો કરી રહ્યા છે. દેશભરમાં અનેક ઠેકાણે તેમની સામે FIR પણ થઈ અને વિરોધની આડમાં પોલીસ પર પણ પથ્થરમારો થવાના કેસ બન્યા.
આ બધી ચર્ચાઓ વચ્ચે પ્રશ્ન થાય કે તેઓ ખરેખર કોણ છે અને સાધુ બન્યા પહેલાં તેમનું જીવન શું હશે કે પછી તેમનો પરિવાર કોણ છે અને ક્યાં છે. આટલી નિર્ભીકતા આવી ક્યાંથી? આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે તેમના ભૂતકાળમાં એક ડોકિયું કરવું પડે. ‘દિપક ત્યાગી’માંથી મહંત યતિ નરસિંહાનંદ સરસ્વતી કેવી રીતે બન્યા તે તરફ એક નજર કરીએ.
એન્જિનિયર દિપક ત્યાગી કેવી રીતે બની ગયા ડાસના મંદિરના મહંત
થોડાં વર્ષો પહેલાં મહંત યતિ નરસિંહાનંદ સરસ્વતીએ પોતે એક લેખ દ્વારા પોતાના જીવનનાં અનેક પ્રકરણો જણાવ્યાં હતાં. આ લેખ ન્યૂઝ 24×7માં પ્રકાશિત થયો હતો. આ લેખમાં તેમણે જણાવ્યું છે કે કેવી રીતે એક હિંદુ યુવતી લવ જેહાદ અને હેવાનિયતની શિકાર બની અને તેમનું હ્રદય હચમચી ગયું. આ એક ઘટનાના કારણે તેમનું આખું જીવન બદલાઈ ગયું. આ લેખમાં તેમણે એક છોકરીની ‘દર્દનાક અને સત્યઘટના’ વિશે જણાવ્યું છે. આ ઘટના 1997ની છે, જ્યારે તેઓ મહંત નહીં પરંતુ ‘દીપક ત્યાગી’ હતા.
લેખમાં તેમણે માહિતી આપી હતી કે, તે સમયે મોસ્કોથી ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ’માંથી M.Tech શિક્ષણ પૂર્ણ કર્યું ત્યારબાદ લાંબા સમય સુધી તેઓ ત્યાં જ રહ્યા અને એન્જિનિયર તરીકે કામ પણ કર્યું. લગભગ એક દશકો વિદેશમાં વિતાવ્યા બાદ તેઓ 1997માં ભારત પરત આવી ગયા. પરત આવીને તેઓ કંઈક મોટું કરવા માંગતા હતા અને તે માટે તેમને લાગ્યું કે તેમણે રાજકારણમાં જવું જોઈએ. તેમનો જન્મ એક ઉચ્ચ-મધ્યમવર્ગીય ખેડૂત પરિવારમાં થયો હતો અને તેમના દાદા સ્વતંત્રતા પહેલાં બુલંદશહર જિલ્લાના કોંગ્રેસના પદાધિકારી હતા. મહંત યતિને ગર્વ છે કે તેઓ એવા ગણ્યાગાંઠ્યા લોકોમાંના એક હતા જેમણે આઝાદી પછી સ્વાતંત્ર્ય સેનાની તરીકે પેન્શન લીધું ન હતું.
રાજકારણમાં આગળ વધવા માંગતા હતા દીપક ત્યાગી
સાથે જ તેમના પિતા કેન્દ્ર સરકારના કર્મચારીઓના યુનિયનના રાષ્ટ્રીય સ્તરના નેતા હતા. મહંતનું કહેવું છે કે, તેમના દાદા અને પિતાના પદચિહ્નો પર ચાલતાં તેમણે રાજકારણમાં જવાનું પસંદ કર્યું હતું. કેટલીક ઓળખાણો અને વગના કારણે તેઓ સમાજવાદી પાર્ટીની યુથ બ્રિગેડના જિલ્લા પ્રમુખ બની ગયા હતા. પદ મળતાંની સાથે જ તેમણે દરેક રાજકારણીની માફક પોતાનું કદ વધારવાનું નક્કી કર્યું અને પોતાના ત્યાગી સમાજના એક મોટા જૂથને પોતાની સાથે જોડી દીધું. તેઓ સામાજિક કાર્યક્રમો પણ કરવા લાગ્યા.
મહંત યતિ નરસિંહાનંદ સરસ્વતી કહે છે કે ત્યારબાદ ત્યાગી સમાજના ઘણા યુવાઓ અને અગ્રણીઓ તેમની સાથે જોડાયા અને તેઓ યુવા નેતા તરીકે ઓળખાવા લાગ્યા. તેમના દાદા કોંગ્રેસી, પિતા યુનિયન લીડર અને પોતે સમાજવાદી પાર્ટીના નેતા હોવાથી તેમને તે સમયે હિંદુત્વના કોઈપણ વિચાર સાથે કોઈ લેવાદેવા નહોતી અને વિદેશમાં તેમના અભ્યાસ અને નોકરીને કારણે ધાર્મિક વાતોને માત્ર અંધશ્રદ્ધા અને દંભ માનતા હતા તેવું તેમણે પોતે સ્વીકાર્યું છે.
એક યુવતી આવી અને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી
પોતાનું રાજકીય કરિયર ચમકાવવા તેઓ મેરઠમાં રહેવા લાગ્યા. વિદેશમાં ભણ્યા હોવાથી અને રાજકારણમાં હોવાના કારણે તેમના અનેક મુસ્લિમ મિત્રો હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું, ત્યાં જ તેમની મુલાકાત ભાજપના સંસ્થાપકો પૈકીના એક અને પૂર્વ સાંસદ બૈકુંઠલાલ શર્મા ‘પ્રેમ’ સાથે થઈ. તેમણે પોતાના સાંસદપદ પરથી તાજું-તાજું રાજીનામું આપ્યું જ હતું અને હિંદુ જાગરણનું કામ કરવાનું શરૂ જ કર્યું હતું. તેમણે દીપક ત્યાગીને મુસ્લિમોના અત્યાચારોની એવી-એવી વાતો જણાવી કે તેઓ ચોંકી ઉઠ્યા. તેમને તેમની વાતોનો ભરોસો નહોતો આવી રહ્યો.
લેખમાં તેમણે આગળ જણાવ્યું હતું કે, તેમનું કાર્યાલય ગાઝિયાબાદમાં શંભુ દયાલ ડિગ્રી કોલેજની સામે હતું. એક દિવસ જ્યારે તેઓ કાર્યાલય પર બેઠા હતા ત્યારે આ જ કોલેજમાં ભણતી અને ત્યાગી પરિવારની જ એક યુવતી તેમની પાસે આવી અને તેમનું કામ હોવાનું જણાવ્યું. મહંતે (તે સમયે દીપક ત્યાગી) તેમને કામ બાબતે પૂછતાં યુવતીએ કહ્યું કે તે તેમને ખાનગીમાં જણાવશે. ત્યારે તેમણે પોતાની સાથે બેઠેલા લોકોને બહાર જવા કહ્યું. જેવા લોકો બહાર ગયા કે યુવતી ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી. દીપક કશું સમજી નહોતા રહ્યા કે આખરે આ યુવતી આમ તેમની સામે શા માટે રડી રહી છે. તેમણે જણાવ્યા અનુસાર યુવતી લગભગ અડધો કલાક ત્યાં રહી અને સતત રડતી રહી.
મહંત યતિ નરસિંહાનંદ સરસ્વતીએ આ ઘટનાની વિગતો આપતાં વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેમણે તેને પાણી આપવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે પાણી પણ ન પીધું અને ઉઠીને ત્યાંથી ચાલી ગઈ. આ જોઇને તેમને ખૂબ જ આશ્ચર્ય થયું. તેનું કહેવું છે કે, તેમણે કોઈ અજાણી મહિલાને આ રીતે ક્યારેય રડતી જોઈ નથી. તેમણે લખ્યું હતું કે લખે છે કે તે ‘બાળકી’નો ચહેરો ખૂબ જ માસૂમ હતો અને તે તેમને અજાણી હોવા છતાં પોતાની લાગી રહી હતી.
યુવતી સાથે થયેલી હેવાનિયતે હચમચાવી મૂક્યા
તેમણે આગળ લખ્યું કે, “થોડા દિવસો પછી હું તેના વિશે લગભગ ભૂલી જ ગયો હતો. તેવામાં એક દિવસ અચાનક તે પાછી આવી અને મને કહ્યું કે તે મારી સાથે વાત કરવા માંગે છે. ત્યારબાદ મેં મારા સાથીઓને બહાર મોકલ્યા અને તેને તકલીફ જણાવવા કહ્યું. તેણે વાત કહેવાનો પ્રયત્ન કર્યો પણ તે ફરી રડવા લાગી અને તેનું રડવાનું એટલું તીવ્ર હતું કે મારા જેવા જલ્લાદની આંખો પણ આંસુથી ભરાઈ ગઈ. મેં તેના માટે પાણી અને ચા મંગાવી. ધીમેધીમે તે સ્વસ્થ થઈ અને મને કહ્યું કે એક વર્ષ પહેલાં તેણે તેના જ ક્લાસની એક મુસ્લિમ છોકરી સાથે મિત્રતા કરી હતી, જેણે એક મુસ્લિમ છોકરા સાથે તેની મિત્રતા કરાવી હતી. ”
“બંનેએ સાથે મળીને તેની કેટલાક ફોટા પાડી લીધા હતા અને એ ફોટાથી બ્લેકમેલ થઈને તેણે આખી કૉલેજના બધા જ મુસ્લિમ છોકરાઓ સાથે સંબંધો બાંધવા પડ્યા હતા. હવે પરિસ્થિતિ એવી હતી કે તેઓ તેનો ઉપયોગ કોલેજના પ્રોફેસરો, અધિકારીઓ, રાજકારણીઓ અને શહેરના ગુંડાઓને ખુશ કરવા માટે કરતા હતા. તે એકમાત્ર એવી છોકરી નહોતી, પરંતુ તેના જેવી પચાસ છોકરીઓ તે લોકોની ચુંગાલમાં ફસાઈ ગઈ હતી. આમાં સૌથી મહત્ત્વની વાત એ હતી કે તેણે મને કહ્યું કે બધા મુસ્લિમ છોકરા-છોકરીઓ સંપૂર્ણપણે એકબીજાનો સાથ આપે છે અને ઘણા હિંદુ છોકરાઓ પણ તેમની લાલચમાં તેમની સાથે છે અને બધાનો ભોગ હિંદુ છોકરીઓ છે.” તેમણે લેખમાં આગળ જણાવ્યું.
મહંત યતિ નરસિંહાનંદ સરસ્વતીએ તે લેખમાં જણાવ્યું છે કે તેમના મનમાં સતત એક જ પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે તે યુવતીએ આ વાત તેમને જ શા માટે કરી? અને એ જ પ્રશ્ન તેમણે તે યુવતીને કર્યો હોવાનું પણ તેમણે લખ્યું છે. તેમના સવાલ પર યુવતીએ જણાવ્યું હતું કે, તે તમામ મુસ્લિમો, જેમણે તેની સાથે હેવાનિયત કરી તે હંમેશા તેમની (દીપક ત્યાગીની) સાથે જ જોવા મળે છે. યુવતીએ તેમને એમ પણ કહ્યું હોવાનું તેઓ લખે છે કે, “તમે હંમેશા ત્યાગી સમાજના ઉત્થાનની વાતો કરો છો, પરંતુ બીજી તરફ એવા લોકો સાથે જ ફરો છો જે આ રીતે બહેન-દીકરીઓના જીવન બરબાદ કરી રહ્યા છે.”
યુવતીની વાતોથી લાગી આવ્યું અને દીપક ત્યાગીનો અસ્ત થયો
મહંત યતિ નરસિંહાનંદ સરસ્વતીના જણાવ્યા અનુસાર, જ્યારે યુવતીએ કહ્યું કે તેના જેવા લોકો તેમની બરબાદી માટે જવાબદાર છે, ત્યારે તેને ખૂબ જ માઠું લાગ્યું. મુસ્લિમો સાથે ફરવાના કારણે છોકરીએ અંદાજો પણ લગાવી લીધો કે તેમને પણ પેલા લોકોની જેમ સ્વાર્થ સંતોષવા મળતો હશે, તો જ તેઓ ચૂપ રહી રહ્યા છે. એ જ છોકરી પાસેથી તેમણે પહેલી વાર ‘જેહાદ’ શબ્દ સાંભળ્યો અને તેની સાથે થયેલી ક્રૂરતા ખબર પડી. ત્યારબાદ તેમણે ઘણું ઇસ્લામિક સાહિત્ય વાંચ્યું. તેમના કાનમાં પૂર્વ સાંસદના શબ્દો ગૂંજવા લાગ્યા. બસ અહીંથી શરૂઆત થઈ દીપક ત્યાગીની મહંત નરસિંહાનંદ બનવાની.
તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે તે પીડિત યુવતીએ આત્મહત્યા કરી લીધી છે અને તેઓ તેને બચાવી શક્યા નહીં. તેઓ લખે છે, “આજે હું જોઉં છું કે આપણા દેશમાં આવી ઘટનાઓ દરરોજ બને છે અને કોઈને કોઈ ફરક પડતો નથી. જેમની બહેન-દીકરીઓ સાથે આમ થઇ રહ્યું છે, તેમને પણ કોઈ ફેર નથી પડી રહ્યો. પરંતુ મને ફરક પડ્યો. હું જાણું છું કે મેં જે કાઈ પણ કર્યું છે, તે સારું જ કર્યું છે. મને કોઈ જ વાતનો કોઈ જ અફસોસ નથી. હું જે કાંઈ પણ કરી શકતો હતો. મેં કર્યું, હજુ પણ કરી રહ્યો છું અને છેલ્લા શ્વાસ સુધી કરતો રહીશ.”
હિંદુઓને એક કરવા હંમેશા અગ્રેસર
નોંધવું જોઈએ કે ડાસના અને આસપાસના વિસ્તારોમાં યાદવો અને ગુર્જરો વચ્ચે ઘણો સંઘર્ષ થતો હતો. એ તણાવના કારણે જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી હતી ત્યારે મહંત નરસિંહાનંદ સરસ્વતીએ જ આગળ આવીને શાંતિ સ્થાપવાની પહેલ કરી હતી. તેમણે બંને કોમને સમજાવ્યું હતું કે તેઓ એક જ માતાના બે હાથ છે, તેથી લડવાનું બંધ કરો. તેમણે બંને કોમના લોકોને જણાવ્યું હતું કે, હિંદુત્વવિરોધી પરિબળોને હિંદુઓ વચ્ચેના આંતરકલહનો લાભ કેવી રીતે મેળવી રહ્યા છે. તેમણે સતત હિંદુત્વ માટે બોલવાનું ચાલુ કર્યું અને તેઓ કટ્ટરપંથીઓની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા. તેમના પર અનેક કેસ કરવામાં આવ્યા.
હાલ મહંત નરસિંહાનંદ સરસ્વતીને લઈને ચાલી રહ્યો છે વિવાદ
વર્તમાન સમયમાં તેઓ ‘અખિલ ભારતીય સંત પરિષદ’ના અધ્યક્ષ છે અને ‘હિંદુ સ્વાભિમાન’ નામની સંસ્થા પણ ચલાવે છે. તેમણે હિંદુ યુવાનો અને બાળકોને આત્મરક્ષણની તાલીમ આપવા માટે ‘ધર્મ સેના’ની રચના પણ કરી હતી. તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ‘કર્મયોગી’ માને છે અને કહે છે કે તેમણે ઉત્તર પ્રદેશને ઇસ્લામિક નરસંહારથી બચાવ્યું છે. એકવાર તેઓ ગુરુગ્રામમાં જાહેરમાં નમાજ પઢવાના વિરોધમાં મુખ્યમંત્રી આવાસ પર અગ્નિ સમાધી લેવા પહોંચી ગયા હતા, પરંતુ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી.
આમ એક હિંદુ યુવતીની પીડાએ વિદેશમાં ભણેલા ફાંકડા નવયુવાનને હચમચાવી મૂક્યો અને અંતે ‘દીપક ત્યાગી’નો અંત થયો અને ઉદય થયો ડાસના મંદિરના મહંત યતિ નરસિંહાનંદ સરસ્વતીનો. હાલ મહોમ્મદ પયગંબર અને ઇસ્લામના અપમાનના આરોપસર કટ્ટરપંથી મુસ્લિમો તેમનું ‘સર તન સે જુદા’ અને ગરદન કાપવાના મિજાજમાં છે. તેમના વિરુદ્ધ અનેક FIR કરવામાં આવી રહી છે. મુસ્લિમોનાં ટોળાં રસ્તા પર ઉતરી રહ્યાં છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના અમરાવતી પોલીસ સ્ટેશન પર આ કેસને લઈને જ ઇસ્લામી કટ્ટરપંથી ટોળાએ પથ્થરમારો કર્યો અને 21 પોલીસ જવાન ઘાયલ થયા હતા. હાલ તેમના વિરુદ્ધ અનેક ઠેકાણે FIR કરાવવામાં આવી રહી છે.