Friday, November 22, 2024
More
    હોમપેજસ્પેશ્યલઈરાનમાં ઇસ્લામનો ઉદય, ઇઝરાયેલ સાથે બગડતા સંબંધો અને WW3ની અણી પર બેઠેલું...

    ઈરાનમાં ઇસ્લામનો ઉદય, ઇઝરાયેલ સાથે બગડતા સંબંધો અને WW3ની અણી પર બેઠેલું વિશ્વ: જાણો કેટલો જૂનો છે વિવાદ અને શું છે કારણ, એક સમયનું પર્શિયન રાજ્ય કઈ રીતે બન્યું ‘ઇસ્લામિક રાષ્ટ્ર’

    1979માં ઇસ્લામના ઉદય સાથે ઈરાનને 'ઇસ્લામિક દેશ'નો દરજ્જો આપવામાં આવ્યો અને અહીંથી બદલાયા તમામ નીતિ-નિયમો અને કાયદા-કાનૂન. જે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ખૂબ સારા સંબંધો હતા, તે આ એક પગલાંના કારણે સંકટમાં આવી ગયા.

    - Advertisement -

    ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે સતત ઘર્ષણ (Conflict between Israel and Iran) વધી રહ્યું છે. હિઝબુલ્લાહને (Hezbollah) ખતમ કરવા ઉતરેલા ઇઝરાયેલ પર ઈરાને મિસાઇલ હુમલો (Missile Attack) કર્યા બાદ હવે તેની ઉપર દુનિયાના નકશા પરથી ગાયબ થઈ જવાનું જોખમ સતત તોળાઈ રહ્યું છે. ઇઝરાયેલ પણ હાથ પર હાથ રાખીને બેસી રહે તેમાંનું નથી. તેણે ઈરાનને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે, હવે ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. પરંતુ, અહીં આશ્ચર્ય એ વાતનું થવું જોઈએ કે, આતંકી સંગઠન હમાસ (Hamas) અને હિઝબુલ્લાહને ખતમ કરવા નીકળેલા ઇઝરાયેલ સાથે ઈરાનને શું વાંધો છે? એક સમય હતો, જ્યારે ઈરાન અને ઇઝરાયેલના સંબંધો ઐતિહાસિક અને મધુર હતા. પરંતુ એવી કઈ ઘટનાઓ સામે આવી, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો ખટાશમાં પરિવર્તિત થયા અને બંને દેશો એકબીજાના કટ્ટર વિરોધી બની ગયા.

    ઈરાન અને ઇઝરાયેલના સંઘર્ષનો ઇતિહાસ ઘણો લાંબો છે. તે ઇતિહાસને સમજવા માટે ઈરાન અને ઇઝરાયેલનો તત્કાલીન ઇતિહાસ જાણવો ખૂબ જરૂરી બની રહી છે. એક તરફ પેલેસ્ટાઇન દેશમાં યહૂદીઓની પ્રતાડના શરૂ હતી અને બીજી તરફ પર્શિયા નામના દેશમાં આરબો, રોમ અને મેસોપોટેમીયન સભ્યતાના સતત હુમલા ચાલુ હતા. બંને દેશોનો ઇતિહાસ એક જ હરોળમાં અને એક જ હેતુ માટે ગતિ કરી રહ્યો હતો. યહૂદી પ્રજાનો હેતુ હતો પોતાનું અસ્તિત્વ ટકાવી પોતાની જ મૂળભૂમિ પર અલગ રાષ્ટ્રની સ્થાપના કરવી અને ઘણા અંશે પર્શિયન (પારસી) લોકોનો હેતુ પણ અસ્તિત્વ ટકાવી રાખવાનો હતો.

    બંને દેશોની લડાઈઓ પણ આરબો સાથે જ હતી. પરંતુ બંને માટેના સમય અને સંજોગો વિપરીત હતા. આજે એક યહૂદી દેશ અડીખમ ઊભો છે અને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે મરણિયા પ્રયાસો પણ કરી રહ્યો છે તો બીજી તરફ પર્શિયામાંથી પર્શિયન સભ્યતા અને તેના લોકોના નામ પણ ભૂંસાઈ ગયા છે. આજે પર્શિયન પ્રજાનું અસ્તિત્વ નહિવત થઈ ગયું છે. ભારત જેવા ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા દેશોમાં તેઓ શરણાર્થી બનીને વસ્યા હતા અને આજે વિશ્વની સૌથી નાની લઘુમતી બનીને રહી ગયા છે. આપણે બંને દેશો વચ્ચેના વિવાદને સમજવા માટે સૌપ્રથમ બંને દેશોના ઇતિહાસ પર નજર કરીશું.

    - Advertisement -

    ઇઝરાયેલનો ઇતિહાસ (યહૂદી ઇતિહાસ સાથે)

    ઇઝરાયેલના પ્રાચીન ઇતિહાસ વિશે વિદ્વાનો અથવા તો ઇતિહાસકારોને જે કોઈ પણ માહિતી મળી છે, તેમાંથી એક મોટો ભાગ હિબ્રૂ બાઇબલમાંથી આવ્યો છે. હિબ્રૂ બાઇબલ અનુસાર, યહૂદીઓની ઉત્પત્તિ અબ્રાહમ સાથે જોડાયેલી છે. આ જ અબ્રાહમને યહૂદી ધર્મ, (પુત્ર ઇસહાક દ્વારા) ઇસ્લામ મઝહબ (પુત્ર એશ્માઈલ દ્વારા) અને ખ્રિસ્તી પંથ (પુત્ર ઇસહાક દ્વારા)ના જનક માનવામાં આવે છે. અબ્રાહમ વંશમાંથી આ ત્રણેય પંથની સ્થાપના થઈ હતી અને અહીંથી જ તેઓ અલગ પણ થયા હતા. એવું કહેવાય છે કે, અબ્રાહમના વંશજો સેંકડો વર્ષો સુધી ઈજિપ્તના ગુલામ રહ્યા હતા અને ત્યારબાદ કનાનમાં આવીને વસ્યા હતા, જેને આધુનિક ઇઝરાયેલ તરીકે ઓળખવામાં આવે છે.

    ઇઝરાયેલ શબ્દ અબ્રાહમના પૌત્ર જેકેબ પરથી આવ્યો છે, જેનું નામ હિબ્રૂ બાઇબલમાં ‘ઇઝરાયેલ’ રાખવામાં આવ્યું હતું. જેકેબના આ નામ પરથી જ તે વિસ્તારને ઇઝરાયેલ કહેવામાં આવતું હતું. અહીં યહૂદી રાજા ડેવિડે લગભગ 1000 ઇસા પૂર્વ શાસન કર્યું હતું. તેના પુત્રએ, જે બાદમાં રાજા સુલેમાન તરીકે ઓળખાયો, તેણે પ્રાચીન જેરૂસલેમમાં એક પવિત્ર મંદિર બનાવ્યું હતું. ત્યારબાદ લગભગ 931 ઇસા પૂર્વ આ વિસ્તાર બે રાજ્યોમાં વિભાજિત થયો હતો, તેને ઉત્તરમાં ઇઝરાયેલ અને દક્ષિણમાં યહૂદા તરીકે ઓળખવામાં આવતો હતો. ત્યારબાદ આ યહૂદી સ્થાનો પર વારંવાર હુમલા પણ થયા હતા.

    સૌપ્રથમ ઈ.પૂ. 722માં અસેરિયન પ્રજાએ આક્રમણ કર્યું હતું અને ઉત્તરી ઇઝરાયેલને નષ્ટ કરી નાખ્યું હતું. તે પછી ઈ.પૂ 258માં બેબીલોન સભ્યતાએ જેરૂસલેમ પર કબજો કરી લીધો હતો. ત્યારબાદ સદીઓ સુધી આધુનિક ઇઝરાયેલની તે યહૂદી ભૂમિ પર વિભિન્ન સભ્યતાઓએ હુમલા કર્યા હતા. જેમાં યૂનાની, રોમન, આરબ, ફાતિમિદ, તુર્ક, ઇજિપ્શિયન, મામલુક અને ઇસ્લામવાદીઓનો સમાવેશ થાય છે. આટલા લાંબા ઇતિહાસ સુધી જવાનું મૂળ કારણ એ છે કે, ઇઝરાયેલ સહિતનો આસપાસનો આધુનિક વિસ્તાર યહૂદીઓનું મૂળસ્થાન હતું. જેના પર પછીથી ઇસ્લામવાદીઓ સહિતના કટ્ટરપંથીઓએ કબજો કરી લીધો હતો. 1517થી લઈને 1917 સુધી, આજના ઇઝરાયેલ સહિત મધ્ય-પૂર્વના મોટાભાગના વિસ્તાર પર ઓટોમન સામ્રાજ્યનું શાસન હતું.

    તે પછી પેલેસ્ટાઇનના તે વિસ્તારમાં આરબો અને યહૂદીઓ વચ્ચે વારંવાર ઘર્ષણ થતાં હતાં. યહૂદીઓ દરરોજ ઊઠીને પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યા હતા. પોતાની જ મૂળભૂમિ પર તેઓ પોતાનું રાજ્ય ફરીથી સ્થાપવા માટે અપીલો કરી રહ્યા હતા અને વારંવાર ક્રાંતિ લાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા હતા. પરંતુ કટ્ટર આરબ મુસ્લિમોએ તેમને પ્રતાડિત કરવાની એક પણ તક મૂકી ન હતી. ઘર્ષણના નામ પર યહૂદીઓ પર ખૂબ ક્રૂરતા આચરવામાં આવી હતી. ત્યારબાદ પ્રથમ વિશ્વયુદ્ધ સમયે મધ્ય-પૂર્વનું ભૌગોલિક રાજકીય લેન્ડસ્કેપ નાટકીય રીતે પરિવર્તિત થયું. 1917માં બ્રિટન સરકારે એક જાહેર નિવેદન બહાર પાડીને પેલેસ્ટાઇનમાં એક સ્વતંત્ર યહૂદી રાષ્ટ્ર સ્થાપવાનું સમર્થન કર્યું હતું. આ નિવેદનને ‘બાલ્ફર્સ ડિક્લેરેશન’ના નામે ઓળખવામાં આવે છે, જેમાં બાલ્ફર એ બ્રિટનનો ત્યારનો વિદેશ સચિવ હતો. 1918માં બ્રિટને પેલેસ્ટાઇન પર કબજો મેળવી લીધો અને તેમાં ઘણીખરી મદદ યહૂદીઓએ પણ કરી હતી. 1920માં આ ભૂભાગને બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે વહેંચી દેવામાં આવ્યો અને હાલ જ્યાં ઇઝરાયેલ છે તે ભાગ બ્રિટનના ભાગે ગયો, જેને નામ અપાયું ‘મેન્ડેટરી પેલેસ્ટાઇન.’ તે પહેલાંથી આ પ્રદેશમાં યહૂદીઓનું સ્થળાંતરણ શરૂ થઈ ગયું હતું તો ત્યારપછીનાં વર્ષોમાં પણ ચાલુ જ રહ્યું.

    1930માં યુરોપમાંથી લાખો યહૂદીઓ આ પ્રદેશમાં પરત ફર્યા અને તેના કારણે 1936-39માં આરબોએ બળવો પણ કર્યો, પણ બ્રિટિશ સેનાએ તેને દબાવી દીધો. તેમાં યહૂદી લડાયક સંગઠનોએ પણ સાથ આપ્યો હતો. આખરે 1939માં બ્રિટને પેલેસ્ટાઇનમાં યહૂદીઓના આગમન પર થોડાં નિયંત્રણો લાદી દીધાં, પણ વિશ્વભરના પીડિત યહૂદીઓને પેલેસ્ટાઇનમાં લાવવાનું કામ તેમ છતાં ચાલુ જ રહ્યું હતું. બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થયું ત્યાં સુધીમાં પેલેસ્ટાઇનની કુલ વસ્તીમાં 31% હિસ્સો યહૂદીઓનો હતો.

    ત્યારપછી બ્રિટને યહૂદીઓના આ સ્થળાંતર પર લગામ લગાવવાના બહુ પ્રયાસો કર્યા, પરંતુ ઝાઝી સફળતા ન મળી. બ્રિટનની મધ્યસ્થતાથી યહૂદીઓ અને આરબો વચ્ચે સમાધાનના પણ પ્રયાસો થયા, પણ યહૂદીઓનો સ્પષ્ટ મત સ્વતંત્ર યહૂદી રાષ્ટ્ર સ્થાપવાનો હતો અને આરબો તેની વિરુદ્ધ હતા. તેઓ સમગ્ર પેલેસ્ટાઇનને આરબ શાસન હેઠળ લાવવાના મતના હતા. પરંતુ, આખરે 14 મે, 1948ના દિવસે UNના અનેક પ્રયાસો બાદ યહૂદીઓના લડાયક સંગઠન જ્યુઈશ એજન્સીએ સ્વતંત્ર રાષ્ટ્ર ‘ઇઝરાયેલ’ની સ્થાપનાની ઘોષણા કરી અને તે જ દિવસે અમેરિકાએ તેને માન્યતા આપી દીધી. હવે બીજી તરફ પર્શિયામાં પણ ઇસ્લામ પગપેસારો કરી ગયો હતો અને તેનો ઇતિહાસ પણ એક ભયજનક વળાંક લેવા માટે તૈયાર હતો.

    ઈરાનનો ઇતિહાસ અને ઇઝરાયેલ સાથેના સંબંધો

    ઈરાનનું પ્રાચીન નામ હતું પર્શિયા અથવા તો પારસ. પર્શિયામાં પહેલાંથી પર્શિયન સામ્રાજ્યનું શાસન હતું, જેને ગુજરાતીમાં ફારસી શાસન અને પારસી શાસન તરીકે ઓળખવામાં આવે છે. પર્શિયાની રાજભાષા પણ ફારસી હતી, જે ઇન્ડો-યુરોપિયન ભાષા સમૂહની એક ભાષા ગણવામાં આવે છે. ફારસી ભાષાની એક બોલી ‘દારી’ તરીકે ઓળખાય છે, જે આજે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં બોલાય છે. શરૂઆતથી જ પર્શિયન સંસ્કૃતિના ગઢ તરીકે હાલના ઈરાન અને ઈરાક ઓળખાતા હતા. પર્શિયન લોકો મૂળે આર્ય સંસ્કૃતિમાં માનનારા હતા અને પવિત્ર અગ્નિની પૂજા કરતા હતા, તે સાથે જ તે લોકો સૂર્ય અનુષ્ઠાન અને પૂજા પણ કરતા હતા. તે લોકોમાં યજ્ઞોપવીત સંસ્કાર પણ જોવા મળતા હતા. એક રીતે તેઓ આર્ય સંસ્કૃતિના ઉપાસક હતા. જેને આધુનિક ભાષામાં હિંદુઓ અને પારસીઓમાં વિભાજિત કરવામાં આવે છે.

    પારસી ધર્મના અનુયાયીઓ પણ પોતાને આર્ય સંસ્કૃતિનો જ એક ભાગ ગણતા આવ્યા છે. તે સમયના પર્શિયામાં યજ્ઞ, હવન અને પ્રકૃતિ પૂજા જોરશોરમાં થઈ રહી હતી. પરંતુ, સાતમી સદીમાં પારસીઓની તે પવિત્ર ભૂમિ પર ઇસ્લામ ફેલાવવા લાગ્યો હતો. આરબો મોટી સંખ્યામાં મધ્ય-પૂર્વમાં સ્થળાંતર કરવા લાગ્યા અને પોતાના પંથ-મઝહબનો પ્રચાર કરવા લાગ્યા. આરબોની વર્ણમાળામાં ‘પ’ શબ્દનું ઉચ્ચારણ નથી થતું. તેઓ ‘પ’ શબ્દના સ્થાને ‘ફ’ શબ્દનું ઉચ્ચારણ કરે છે. તેથી તેમણે ‘પારસીઓ’ના સ્થાને ‘ફારસી’ શબ્દનો ઉપયોગ વધુ કર્યો હતો. જોકે, હમણાં તો ફારસી ભાષા બોલનારા લોકો માટે જ ફારસી શબ્દ વાપરવામાં આવે છે, પરંતુ તે સમયે આર્ય પારસીઓને પણ ફારસી કહીને બોલાવવામાં આવતા હતા.

    હવે પર્શિયાના નામની વાત કરવામાં આવે તો પર્શિયન શાસનના કારણે તેને પર્શિયા તરીકે ઓળખવામાં આવતું હતું. જોકે, તેને તે સમયે એર્યનમ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. એર્યનમનો અર્થ થાય છે, ‘આર્યોની ભૂમિ’. સમય જતાં તેને આર્યમ અને એર્યનમ તરીકે ઓળખવામાં આવ્યું અને ત્યારબાદ અપભ્રંશ થઈને ઈરાન તરીકે ઓળખવામાં આવ્યું હતું. સમય જતાં-જતાં તેમાં આરબો પણ રહેવા લાગ્યા હતા અને ઇસ્લામનો પ્રચાર કરવા લાગ્યા હતા. પરંતુ, હજુ સુધી કટ્ટરતા આવી શકી નહોતી. તે સમયે પર્શિયામાં મુખ્ય ત્રણ વંશોએ શાસન કર્યું હતું. જેમાં સૌથી પ્રસિદ્ધ વંશ સસાન વંશ હતો. સસાન વંશના રાજાઓ અને પદાધિકારીઓના નામની આગળ ‘આર્ય’ શબ્દ જોડવામાં આવતો હતો.

    સમય જતાં-જતાં સદીઓ વીતવા લાગી અને અહીં ઇસ્લામનો ઉદ્ભવ પણ જોર લાગ્યો. 19 અને 20મી સદીમાં પર્શિયાની મોટાભાગની વસ્તી શિયા મુસ્લિમોથી ભરાઈ ગઈ હતી. આરબોના આક્રમણ બાદ અહીં ઇસ્લામી શાસન લાગુ થઈ ગયું હતું અને પારસીઓ ધીરે-ધીરે પલાયન કરીને સુરક્ષિત સ્થળોએ જતાં રહ્યા હતા. પારસીઓનું એક મોટું જુથ ભારત અને ખાસ તો ગુજરાતમાં આવીને વસ્યું હતું. આજે પણ ગુજરાતના નવસારી સહિતના જિલ્લાઓમાં પારસી વસ્તી જોવા મળે છે. સમય જતાં 1935માં પર્શિયા અને પારસનું આધિકારિક નામ ‘ઈરાન’ કરી દેવામાં આવ્યું હતું. તે સમયે ઈરાનમાં મુસ્લિમ વસ્તી પણ વધી રહી હતી.

    ઇઝેરાયેલ સાથેના મધુર સંબંધો અને 1979માં ઇસ્લામના ઉદય બાદ સંઘર્ષ

    પર્શિયન પ્રજા અને યહૂદી પ્રજા બંને પોતાને આર્ય સંસ્કૃતિના ભાગ તરીકે ગણાવતી હતી. તેથી બંને વચ્ચે કોઈપણ પ્રકારનો વૈચારિક મતભેદ પણ નહોતો અને સંસ્કૃતિ તથા પરંપરા પણ ઘણા અંશે સમાન જ હતી. યહૂદીઓ પણ અગ્નિને પવિત્ર માનીને તેની પૂજા કરે છે. આજે પણ તેઓ અગ્નિની પૂજા કરતા જોવા મળે છે. તેથી પર્શિયા અને યહૂદી પ્રજા વચ્ચે ખૂબ સારા સંબંધો પહેલાંથી જ રહ્યા હતા. બંને પ્રજાઓ પરસ્પર વેપાર અને સંસ્કૃતિનું પણ આદાન-પ્રદાન કરતી હતી. 1948માં ઇઝરાયેલના જન્મ પછી પણ બંને દેશો વચ્ચે સારા સંબંધો રહ્યા હતા. મુશ્કેલીના સમયમાં પણ બંને એકબીજાને મદદ કરતાં હતા અને વેપારના ક્ષેત્રે પણ બંને એકબીજાના નજીકના સહયોગી હતા. પરંતુ, સમયની સાથે ઈરાનની ડેમોગ્રાફી પણ ચેન્જ થઈ રહી હતી. ઈરાનમાં ઇસ્લામની પકડ પણ મજબૂત થઈ રહી હતી.

    જ્યાં સુધી ઈરાનમાં મુસ્લિમોની સંખ્યા વધી નહોતી ત્યાં સુધી ઇઝરાયેલ સાથેના સંબંધો પણ શાંતિમય અને મધુર હતા. સમય જતાં વર્ષ 1979માં ઈરાનમાં ઇસ્લામનો ઉદય થયો, જેને ઈરાનના લોકો ‘ઇસ્લામિક ક્રાંતિ’ કહે છે. ઈરાનમાં રહેતા શિયા મુસ્લિમો સ્પષ્ટ બહુમતીમાં આવી ગયા હતા અને ઈરાનની 90% વસ્તીમાં ફેલાઈ ગયા હતા. એક સમયે પારસીઓનું મૂળભૂમિ કહેવાતું પર્શિયા હવે ઇસ્લામની પકડમાં આવી ગયું હતું. પારસીઓની ભૂમિ પર જ તેમનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું અને તેમણે દેશ છોડીને અન્ય સ્થળોએ જઈને રક્ષણ મેળવવું પડ્યું હતું. તેમાંથી મોટાભાગના લોકો ગુજરાત આવીને વસ્યા હતા. 1979માં ઈરાનના તમામ કાયદા-કાનૂન, નીતિ-નિયમો અને સ્વભાવ પણ પરિવર્તિત થઈ ચૂક્યો હતો.

    1979માં ઇસ્લામના ઉદય સાથે ઈરાનને ‘ઇસ્લામિક દેશ’નો દરજ્જો આપવામાં આવ્યો અને અહીંથી બદલાયા તમામ નીતિ-નિયમો અને કાયદા-કાનૂન. જે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ખૂબ સારા સંબંધો હતા, તે આ એક પગલાંના કારણે સંકટમાં આવી ગયા. ઇસ્લામિક રાષ્ટ્રની ઘોષણા બાદ ઈરાનીઓએ પોતાનો વાસ્તવિક રંગ દેખાડવાનું શરૂ કર્યું અને ઇઝરાયેલને પોતાનું કટ્ટર દુશ્મન માની લીધું. તેનું કારણ એ છે કે, ઈરાનના આરબ મુસ્લિમો ઇઝરાયેલને પેલેસ્ટાઇનની ભૂમિ ગણાવે છે અને તે માટે તેઓ હિંસા કરવા પણ પોતાની જાતને પ્રતિબદ્ધ દર્શાવે છે. ઇસ્લામિક રાષ્ટ્ર બન્યા બાદ બંને દેશોના મધુર સંબંધો બંધ થઈ ગયા અને અહીંથી જ ભવિષ્યના તમામ ઈરાન-ઇઝરાયેલ ઘર્ષણનાં બીજ રોપાયાં.

    તે ઉપરાંત હવે ઘર્ષણ અને વિવાદનું અન્ય એક કારણ વૈચારિક ભિન્નતા પણ છે. ઈરાન એક ઇસ્લામિક દેશ છે અને શિયા મુસ્લિમો દ્વારા શાસિત છે. બીજી તરફ ઇઝરાયેલ મુખ્યતઃ એક યહૂદી દેશ છે. ઇસ્લામના અનુયાયીઓની સૌથી મોટી ખામી એ છે કે, તેઓ પોતાના પંથ અને મઝહબને સર્વશ્રેષ્ઠ માનીને બાકીના તમામ પંથોની નિંદા કરે છે અને તેમને ‘કાફિર’ ગણીને નફરતી માહોલ ઊભો કરે છે. ઈરાનમાં પણ આવું જ થયું અને જ્યાં પણ કટ્ટર માનસિકતા ધરાવતી ઇસ્લામી પ્રજા હતી અથવા તો છે, ત્યાં પણ આ જ પ્રશ્ન આવીને ઊભો રહે છે. આ પ્રશ્નના કારણે પણ ઇસ્લામી અને યહૂદી પ્રજા વચ્ચે અંતર વધી ગયું હતું.

    તે સિવાયના કારણોની ચર્ચા કરવામાં આવે તો તેમાં ઇઝરાયેલ-પેલેસ્ટાઇન ઘર્ષણ પણ સામેલ છે. ઈરાન પેલેસ્ટિયન મુદ્દાઓનું કટ્ટર સમર્થક રહ્યું છે, જેમાં હમાસ અને હિઝબુલ્લાહ જેવા ઇસ્લામી આતંકી સંગઠનોનું સમર્થન કરવું પણ સામેલ છે. ઈરાને આ બંને સંગઠનોને ખુલ્લુ સમર્થન આપ્યું હતું અને ખાસ વાત એ છે કે, હમાસ અને હિઝબુલ્લાહનો એક માત્ર ધ્યેય ઇઝરાયેલને ખતમ કરવાનો છે. તેથી આ કારણે પણ ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે શત્રુતા ઊભી થઈ છે. તે સિવાય મધ્ય-પૂર્વની શાંતિ અને સુરક્ષામાં ઈરાન વારંવાર અડચણ ઊભી કરે તે પણ ઇઝરાયેલ માટે ચિંતાનો વિષય બનતો હતો.

    હવે ઉપર જણાવેલા ઇતિહાસ મુજબ વાત કરીએ તો ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનનો અમુક વિસ્તાર યહૂદીઓની મૂળભૂમિ તરીકે વ્યાખ્યાયિત છે અને આ બાબતનો પુરાવો હિબ્રૂ બાઇબલમાં પણ આપવામાં આવ્યો છે. હિબ્રૂ બાઇબલ ઇસ્લામ અને ખ્રિસ્તી બંને પંથો કરતાં પ્રાચીન છે, કારણ કે આખરે અગ્નિપૂજક યહૂદીઓમાંથી જ તેમનું અસ્તિત્વ સામે આવ્યું હતું. તેથી જો ઐતિહાસિક દ્રષ્ટિએ અને યોગ્ય રીતે જોવા જઈએ તો આધુનિક ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના કેટલાક વિસ્તાર ચોક્કસપણે યહૂદીઓની મૂળભૂમિ છે. પરંતુ તેમ છતાં, આરબના મુસ્લિમો તેને પોતાની ભૂમિ ગણાવતા આવ્યા છે અને તે માટે વારંવાર સંઘર્ષ કરતા આવ્યા છે. ઇઝરાયેલના કટ્ટર દુશ્મનોમાં સૌથી મોખરે ઈરાનનું નામ આવે છે, એ જ ઈરાન જે એક સમયે પારસીઓના પારસ રાજ્ય તરીકે ઇઝરાયેલ અને યહૂદીઓનું સુખ-દુઃખનું ભાગીદાર હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં