હમણાં થોડા દિવસ પહેલાં કર્ણાટક હાઈકોર્ટના (Karnataka High Court) એક ન્યાયાધીશની ટિપ્પણીઓની બે-ત્રણ વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થઈ. વાત એમ હતી કે કર્ણાટક HCમાં ફરજ બજાવતા જસ્ટિસ વી શ્રીશાનંદે બે જુદા-જુદા કેસની સુનાવણી કરતી વખતે અમુક ટિપ્પણીઓ કરી હતી. જેમાં એકમાં તેમણે કર્ણાટકના એક મુસ્લિમ બહુમતી વિસ્તારને ‘પાકિસ્તાન’ કહ્યો હતો તો એક સુનાવણીમાં મહિલા વકીલ વિશે પણ ટિપ્પણી કરી હતી.
ટેકનોલોજીના જમાનામાં હવે કોર્ટની સુનાવણીઓનું પણ જીવંત પ્રસારણ થાય છે એટલે આ ટિપ્પણીઓની વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પર ફરતી થઈ ગઈ. વિવાદ આખરે એટલો વધ્યો કે સુપ્રીમ કોર્ટે સ્વયં સંજ્ઞાન (સુઓમોટો) લીધું અને સુનાવણી શરૂ કરી. આ કેસમાં ગત બુધવારે (25 સપ્ટેમ્બર) કોર્ટે જજની માફી સ્વીકારીને કાર્યવાહી તો બંધ કરી દીધી પણ સાથે અમુક ટિપ્પણીઓ પણ કરી. આ સુનાવણી કરતી બેન્ચના અધ્યક્ષ હતા ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ.
સુપ્રીમ કોર્ટ પોતાની ટિપ્પણીમાં કહે છે કે, “આકસ્મિક અવલોકન પણ વ્યક્તિગત પૂર્વગ્રહની એક નિશ્ચિત સીમા દર્શાવતાં હોય છે, ખાસ કરીને એવા સમયે જ્યારે તે કોઈ વિશેષ લિંગ કે સમુદાય વિરુદ્ધ નિર્દેશિત હોય. એટલે મહિલાવિરોધી હોય પછી સમાજના કોઈ વર્ગ પ્રત્યે પૂર્વગ્રહયુક્ત હોય તેવી ટિપ્પણીઓ ન ન્યાયિક કાર્યવાહી દરમિયાન ન થાય તેનું ન્યાયાલયોએ વિશેષ ધ્યાન રાખવું પડે છે.”
ચીફ જસ્ટિસે પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે, “તમે ભારતના કોઈ પણ ભાગને ‘પાકિસ્તાન’ ગણાવી શકો નહીં. આ દેશની ક્ષેત્રીય અખંડિતતા સામે પણ મૂળભૂત રીતે વિરોધી છે.”
સુપ્રીમ કોર્ટ આગળ કહે છે કે, “ન્યાય કરવાનું મૂળ તત્વ નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ હોવામાં છે. આ પ્રક્રિયામાં દરેક ન્યાયાધીશે પોતાના વર્તનને લઈને જાગૃત થવાની જરૂર છે, કારણ કે તો જ આપણે ન્યાયાધીશ તરીકે ઉદ્દેશપૂર્ણ અને નિષ્પક્ષ ન્યાય પ્રધાન કરવાના મૌલિક દાયિત્વ પ્રત્યે ખરેખર વફાદાર થઈ શકીશું. અમે ભાર એટલા માટે આપી રહ્યા છીએ કારણ કે પ્રત્યેક હિતધારકે સમજવું પડશે કે ન્યાયિક નિર્ણય લેવામાં માત્ર એ જ મૂલ્યો સામેલ હોવાં જોઈએ, જે ભારતના બંધારણમાં નિહિત છે.”
સમય-સંજોગો જોઈએ તો સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીઓ અત્યંત અગત્યની પણ છે અને આવશ્યક અને સમયસર પણ ખરી. ઘણી વખત ન્યાય તોળતી વખતે ન્યાયાધીશોની અમુક ટિપ્પણીઓ સારા-ખરાબ કારણોસર ચર્ચામાં આવતી હોય છે. હવે લાઇવ સુનાવણીનું રિપોર્ટિંગ કરતી વેબસાઇટો પણ છે અને યુ-ટ્યુબ ચેનલો પર પણ પ્રસારણ થાય છે. એટલે આ વાતો માત્ર કોર્ટની ચાર દીવાલો પૂરતી સીમિત રહેતી નથી. તે છાપાંના પાને પણ ચડે છે અને તેની ચર્ચા પણ થાય છે.
આ કેસમાં આખરે સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશની ટિપ્પણી સ્વીકારી લઈને કાર્યવાહી બંધ કરી દીધી હતી. કોર્ટે કહ્યું કે, ન્યાયાધીશ તેમની સામે પાર્ટી નથી અને તેમણે ઓપન કોર્ટમાં માફી પણ માંગી છે તો તેઓ કાર્યવાહી હવે આગળ નહીં ચલાવે, પરંતુ સાથે ટકોર કરતાં કહ્યું કે, તેમની ટિપ્પણીઓ પર પૂરતું ધ્યાન આપવામાં આવે અને તેને અમલમાં લાવવામાં આવે.
નૂપુર શર્માનો કેસ અને ન્યાયાધીશોની ટિપ્પણીઓ
આ સુનાવણી અને કોર્ટની ટિપ્પણીઓ વખતે ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માનો કેસ યાદ કરવો ઘટે. બહુ વધારે સમય પણ થયો નથી. એક કેસની સુનાવણી કરતી વખતે આ જ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ નૂપુર શર્મા વિશે બહુ આકરી ટિપ્પણીઓ કરીને ત્યાં સુધી કહી દીધું હતું કે એ મહિલાએ બોલવા પર કાબૂ રાખવો જોઇતો હતો અને દેશમાં જે હિંસા થઈ તે માટે પણ એકમાત્ર તેઓ જ જવાબદાર છે.
મે, 2022માં એક ટીવી ડિબેટ દરમિયાન જે-તે સમયે ભાજપનાં પ્રવક્તા રહેલાં નૂપુર શર્માએ ‘ટાઈમ્સ નાઉ’ની એક ડિબેટમાં અમુક ટિપ્પણીઓ કરી હતી, જેમાંથી વિડીયો ક્લિપ કાપીને પૂરા સંદર્ભ વગર કટ્ટરપંથી ઈસ્લામીઓએ સોશિયલ મીડિયા પર ફેરવીને નૂપુરને વિલન ચીતરી દીધાં હતાં અને પછીથી તેમને રેપ અને હત્યાની ધમકીઓ મળવા માંડી તો અનેક શહેરોમાં મુસ્લિમોએ ‘સર તન સે જુદા’ના નારા પણ લગાવ્યા.
અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે નૂપુર શર્માની ટિપ્પણી ક્રિયાની પ્રતિક્રિયા માત્ર હતી. આ જ ડિબેટમાં ભાગ લેવા આવેલા તસલીમ રહેમાનીએ ભગવાન શિવજી વિશે ટિપ્પણી કરી હતી (ડિબેટ કાશી-જ્ઞાનવાપી વિષય પર હતી) તેના જવાબમાં નૂપુરે જે કાંઈ કહ્યું હતું તેને વિવાદનો વિષય બનાવી દેવામાં આવ્યો. પણ અડધાને એ ખબર નહીં હોય કે તસ્લીમ રહેમાનીએ શું કહ્યું હતું.
નૂપુર શર્માની સુરક્ષા પર પછીથી એવડું મોટું જોખમ સર્જાયું કે તેઓ ભાજપમાંથી પણ બરખાસ્ત થયાં અને પબ્લિક લાઈફ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું. તેમનું સમર્થન કરવા માત્રથી ઉદયપુરમાં કન્હૈયાલાલ અને મહારાષ્ટ્રમાં ઉમેશ કોલ્હે જેવા વ્યક્તિઓની હત્યા થઈ. ગુજરાતમાં પણ નૂપુરના સમર્થન બદલ મુસ્લિમોએ હિંદુ વ્યક્તિને ધમકી આપ્યાના કિસ્સાઓ બની ચૂક્યા છે. અનેક શહેરોમાં ઇસ્લામી કટ્ટરપંથીઓએ ઉત્પાત પણ મચાવ્યો હતો.
આ બધા પછી જ્યારે નૂપુર શર્મા વિરુદ્ધ દેશભરમાં અનેક ઠેકાણે FIR થઈ તો સુરક્ષાનું કારણ આપીને તેને એક ઠેકાણે ક્લબ કરી દેવા માટે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. પણ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોએ જે ટિપ્પણીઓ કરી, તે અસામાન્ય હતી.
કેસની સુનાવણી કરતા જસ્ટિસ પારડીવાલાએ ટિપ્પણીમાં કહ્યું હતું કે, ઉદયપુરમાં જે હત્યા થઈ તે માટે જવાબદાર નૂપુર શર્મા છે. જજોએ કહ્યું કે, તેમણે જીભ પર કાબૂ ન રાખ્યો તેના કારણે આખો દેશ ભડકે બળ્યો અને દેશની તેમણે માફી માંગવી જોઈએ. કોર્ટે કહ્યું કે, તેમની ટિપ્પણીઓ ‘દુર્ભાગ્યપૂર્ણ’ હતી અને આ ટિપ્પણીઓ કરવાની તેમણે જરૂર શું હતી? સાથે માફી પર કહ્યું કે, તેમણે બહુ મોડેથી માફી માંગી હતી.
સુનાવણી દરમિયાન જસ્ટિસ કાંતે કહ્યું હતું કે, “જે રીતે તેમણે દેશભરમાં ભાવનાઓ ભડકાવી છે….આજે જે દેશમાં થઈ રહ્યું છે તે માટે આ મહિલા એકમાત્ર જવાબદાર છે.” અને આગળ કહ્યું હતું કે, તમે એક પાર્ટીનાં પ્રવક્તા હો તેનાથી તમને કાંઈ પણ કહેવાની મંજૂરી મળી જતી નથી.
આ વાતો નાનીસૂની જગ્યાએ નહીં દેશની સર્વોચ્ચ અદાલતોમાં થઈ રહી હતી અને સુપ્રીમ કોર્ટનું એક-એક વાક્ય અને તેનો એક-એક શબ્દ મહત્ત્વ ધરાવે છે. ન ન્યાયાધીશોએ હિંસા કરતા કટ્ટરપંથી ઇસ્લામીઓનો ઉલ્લેખ કર્યો હતો કે ન ભારતનાં શહેરોમાં ફરીને ‘સર તન સે જુદા’ના નારા લગાવનાર લોહી તરસ્યાં ટોળાંનો. એક રીતે આ એવી વાત થઈ કે ઇસ્લામી કટ્ટરપંથીઓએ નૂપુર શર્માની ટિપ્પણીઓને ‘ઈશનિંદા’ ઘોષિત કરીને બે-ચાર માણસોને મારી નાખ્યા હોય તો તે માટે જવાબદાર નૂપુર શર્મા છે, પેલા હત્યારાઓ નહીં. જ્યારે હકીકતે તો આ મહિલાનું જ જીવવું આ કટ્ટરપંથીઓએ મુશ્કેલ બનાવી દીધું હતું.
હમણાં જે નિષ્પક્ષતા અને પૂર્વગ્રહયુક્ત ન હોય તેવી ટિપ્પણીઓની વાતો થઈ તેનું ધ્યાન આ નૂપુર શર્માના કેસમાં પણ રાખવામાં આવ્યું હોત તો વધુ યોગ્ય રહ્યું હોત. નૂપુર શર્મા પણ એક મહિલા છે, તેમના જીવને પણ જોખમ હતું અને પરિવારને પણ. આ ટિપ્પણીઓથી નૂપુરને એક ગુનેગાર તરીકે ચીતરી દેવાયાં, જ્યારે વાસ્તવમાં તેઓ ‘વિક્ટિમ’ હતાં, ઇસ્લામી કટ્ટરપંથનાં. જે ન્યાયાલય હાલ ન્યાયાધીશો દ્વારા થતી ટિપ્પણીઓથી અત્યંત ચિંતિત નજરે પડે છે તે જ ન્યાયાલયમાં બેસતા ન્યાયાધીશોએ આ મહિલાને કોઈ પણ બીજો વિચાર કર્યા વગર કટ્ટરપંથીઓની કરતૂતોને એક રીતે વ્યાજબી ઠેરવતાં દોષિત ચીતરી દીધાં હતાં. જોકે, પછીથી કોર્ટના મૂળ લેખિત આદેશમાં આ કોઈ ટિપ્પણીઓ સામેલ કરાઈ ન હતી.
ખેર, દેર આયે દુરસ્ત આયે. ઉપર કહ્યું તેમ, સુપ્રીમ કોર્ટની તાજેતરની ટિપ્પણીઓ અગત્યની પણ છે અને સમયસરની પણ. પરંતુ નૂપુર શર્માના કેસમાં પણ આવું સંજ્ઞાન લેવામાં આવવું જોઈતું હતું, પણ દુર્ભાગ્યે તેમ થયું નહીં.