સોમવાર 23 સપ્ટેમ્બરે ઇઝરાયેલે (Israel) ફરી એકવાર આતંકી સંગઠન હિઝબુલ્લાહના (Hezbollah) ઠેકાણાં પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 100 લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ હુમલો છેલ્લા એક વર્ષમાં થયેલ બધા હુમલામાંથી સૌથી ભયંકર હુમલો ગણવામાં આવી રહ્યો છે. જોકે, સરહદ પર ભારે ગોળીબાર થયા બાદ ઇઝરાયેલે અગાઉથી જ લોકોને એવા વિસ્તારો ખાલી કરવા ચેતવણી આપી હતી, જ્યાં હિઝબુલ્લાહ દ્વારા શસ્ત્રોનો સંગ્રહ કરવામાં આવતો હતો.
ઉલ્લેખનીય બાબત છે કે, લગભગ એક વર્ષથી ઇઝરાયેલની દક્ષિણી સરહદ પર આતંકી સંગઠન હમાસ સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યારે હમાસના સમર્થક હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયેલ પર રોકેટ દ્વારા હુમલો કરતા ઇઝરાયેલે તેનું ધ્યાન તેની ઉત્તરી સરહદે હિઝબુલ્લાહ પર કેન્દ્રિત કર્યું હતું. એટલે હમાસને છોડીને હવે ઇઝરાયેલ હિઝબુલ્લાહને ખતમ કરવા માટે ઉતરી પડ્યું છે.
ઇઝરાયેલ દ્વારા દક્ષિણ લેબનોન, પૂર્વ બેકા ખીણ અને સિરીયા નજીકના ઉત્તરીય પ્રદેશમાં ઇરાન સમર્થિત હિઝબુલ્લાહના ઠેકાણાંઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઇઝરાયેલે હવાઈ હુમલો કરતા પહેલાં સામાન્ય લોકોને વિસ્તાર ખાલી કરવા માટે ચેતવણી પણ આપી હતી. આ બાદ ઇઝરાયેલે હિઝબુલ્લાહ દ્વારા જ્યાં શસ્ત્રો છુપાવવામાં આવે છે એવા ઘરો પર હુમલો કરી દીધો હતો.
લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સોમવારે ઇઝરાયેલના હુમલામાં લગભગ 182 લોકો માર્યા ગયા હતા, જેમાં મહિલાઓ, બાળકો અને ચિકિત્સકોનો સમાવેશ થાય છે. તથા 400થી વધુ ઘાયલ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
ઇઝરાયેલી સૈન્યના પ્રવક્તા અવિચાય અદ્રાઇએ જણાવ્યું હતું કે, લેબનોનમાં જ્યાં “હિઝબુલ્લાહ શસ્ત્રો છુપાવે છે” એવા ઘરો પર હવાઈ હુમલો થવાની ચેતવણી આપ્યા બાદ અત્યાર સુધીમાં 300થી વધુ હિઝબુલ્લાના ઠેકાણાં પર હુમલો કરવામાં આવ્યો છે.
રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ એક ટેલિવિઝન નિવેદનમાં જણાવ્યું હતું કે “દક્ષિણ લેબનોનના જે ઘરોની અંદર વિસ્ફોટ થઇ રહ્યા છે, તે હિઝબુલ્લાહના શસ્ત્રોના ગૌણ વિસ્ફોટો છે. જ્યાં હથિયારો છુપાયેલા છે તે દરેક ઘરો પર અમે હુમલો કરી રહ્યા છીએ. ઇઝરાયેલી નાગરિકોને મારવાના હેતુથી રોકેટ, મિસાઇલો, માનવરહિત હવાઈ વાહનો રાખવામાં આવ્યા હતા, તેવા તમામ ઘરો પર હુમલો કરવામાં આવી રહ્યો છે.”’
ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલે ગત અઠવાડિયે જ હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતા પેજર્સ અને વૉકી-ટૉકી તથા હેન્ડ હેલ્ડ રેડિયો વિસ્ફોટ કર્યા હતા. આ પછી ઇઝરાયેલ દ્વારા હમાસના ઠેકાણાં અને રોકેટ લોન્ચર્સ પર પણ એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આજે ફરીથી ઇઝરાયેલે હિઝબુલ્લાહ દ્વારા છુપાવવામાં આવેલા હથિયારો પર હુમલો કરવામાં આવ્યો હતો.