Monday, September 23, 2024
More
    હોમપેજદેશચેસ ઓલમ્પિયાડ 2024માં ભારતનો ડંકો: મેન્સ-વુમેન્સ બંને કેટેગરીમાં સુવર્ણ પદક જીતી રચ્યો...

    ચેસ ઓલમ્પિયાડ 2024માં ભારતનો ડંકો: મેન્સ-વુમેન્સ બંને કેટેગરીમાં સુવર્ણ પદક જીતી રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ પણ આપ્યા વધામણા

    45માં ચેસ ઓલમ્પિયાડમાં પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ભારતે સુવર્ણ પદક જીતીને વિક્રમ સર્જ્યો છે. બુડાપેસ્ટ ખાતે યોજાયેલી આ પ્રતિયોગીતાએ ભારતના ચેસ ઇતિહાસમાં એક નવો અધ્યાય રચી દીધો છે.

    - Advertisement -

    ભારતે ચેસ ઓલમ્પિયાડ 2024માં ઈતિહાસ રચી દીધો છે. 45માં ચેસ ઓલમ્પિયાડમાં (45th FIDE Chess Olympiad) પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ભારતે સુવર્ણ પદક (Gold Medal) જીતીને વિક્રમ સર્જ્યો છે. બુડાપેસ્ટ ખાતે યોજાયેલી આ પ્રતિયોગીતાએ ભારતના ચેસ ઇતિહાસમાં એક નવો અધ્યાય રચી દીધો છે. આ પહેલીવાર છે કે ભારતે એક જ ચેસ ઓલમ્પિયાડમાં બંને કેટેગરીમાં ગોલ્ડ જીત્યા હોય. વડાપ્રધાન મોદીએ (PM narendra Modi) પણ આ અવસરે ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.

    સૌપ્રથમ પુરુષ ટીમની વાત કરીએ તો ટીમે સ્લોવેનિયન ખેલાડીઓ વિરુદ્ધ 11માં અને અંતિમ રાઉન્ડમાં કરેલું અવિશ્વસનીય પ્રદર્શન ભારતને ગોલ્ડ તરફ લઈ ગયું. વર્લ્ડ ચેમ્પિયનશીપ ચેલેન્જર ડી. મુકેશે વ્લાદિમીર ફેડોસેવ વિરુદ્ધ પોતાની અદમ્ય કુશળતા દર્શાવી. માત્ર 18 વર્ષના આ માસ્ટરે પોતાની રણનીતિઓથી ગેમ જીતી જેણે ભારતને ગોલ્ડ તરફ આગળ વધાર્યું.

    તો બીજી તરફ અર્જુન એરિગેસીએ પણ શાનદાર પ્રદર્શન કર્યું અને થર્ડ બોર્ડ પર જાન સુબેલ્ઝને હરાવ્યા. એક જબરદસ્ત સેન્ટર કાઉન્ટર ડિફેન્સ ગેમ તેમને જોત તરફ દોરી ગઈ. આ ઉપરાંત આર. પ્રગ્ગાનંદે એન્ટોન ડેમચેંકોને પોતાની બુદ્ધિમતાથી હરાવીને સ્લોવેનિયા સામે ભારતને 3-1થી જીત અપાવી.

    - Advertisement -

    આખી મેન્સ ગેમની વાત કરીએ તો ભારતીય પુરુષ ટીમે 22માંથી 21 પોઈન્ટ પોતાના નામે કર્યા હતા. જેમાં ઉઝબેકિસ્તાન સાથે થયેલી 2-2 ડ્રો મેચનો સમાવેશ પણ થાય છે. આ ડ્રો સિવાય ભારતે બાકીના તમામ ખેલાડીઓને હારનો સ્વાદ ચખાડ્યો હતો.

    ભારતીય મહિલા ખેલાડીઓએ પણ ભારતના નામે ગોલ્ડ કર્યો

    આ તો થઇ પુરુષોની વાત. બીજી તરફ ઇન્ડીયન વુમેન્સ ટીમે પણ ખભે ખભો મેળવીને ભારતને ગોલ્ડ અપાવવા જોરદાર પ્રદર્શન કર્યું. હરિકા દ્રોણાવલી, વૈશાલી આર, દિવ્ય દેશમુખ, વંતિકા અગ્રવાલ, તાનિયા સચદેવ અને કેપ્ટન અભિજિત કુંટેની ટીમે 11માં રાઉન્ડમાં અઝરબેઝાનને હરાવીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો. ભારતીય મહિલા ટીમ માટે આ એક મહત્વપૂર્ણ અને મોટી ઉપલબ્ધી છે. ટીમે આખી ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું.

    ભારતીય મહિલા ટીમે આઝરબેઝાનને 3.5-0.5થી હરાવીને દેશ માટે ગોલ્ડ મેડલ મેળવ્યો. ડી હરિકાએ પ્રથમ બોર્ડ પર પોતાની બુદ્ધિમતાનો પરચો આપ્યો અને દિવ્યા દેશમુખે પણ પોતાના વિરોધી ખેલાડીને થર્ડ બોર્ડ પર ગોલ્ડ ભારતના નામે કર્યો. તો બીજી તરફ વૈશાલીની ડ્રો મેચ બાદ વંતિકા અગ્રવાલની જોરદાર જીતે ભારત માટે ગોલ્ડ મેળવ્યો.

    વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

    ભારતે ચેસ ઓલમ્પિયાડ 2024માં મેલ-ફિમેલ બંને કેટેગરીમાં સુવર્ણ પદક જીતી ઈતિહાસ રચી દીધા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હરખ દર્શાવ્યો હતો. તેમણે પોતાના આધિકારિક X હેન્ડલ પર પોસ્ટ કરીને ટીમને ખોબલે-ખોબલે વધામણા આપ્યા હતા. તેમણે લખ્યું કે, “ભારતની ઐતિહાસિક જીત, કારણકે અમારી ચેસ ટીમે 45માં ચેસ ચેસ ઓલમ્પિયાડમાં શાનદાર જીત મેળવી છે. ભારતે ઓપન અને મહિલા એમ બંને શ્રેણીમાં સુવર્ણ પદક જીત્યા છે. આપણી શાનદાર ટીમોને શુભકામનાઓ. આ ઉપલબ્ધી ભરતના રમતના ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડવા જઈ રહી છે. આ જીત ચેસ પ્રત્યે ઉત્સાહિત લોકોને ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પ્રેરિત કરશે.”

    અહીં નોંધવું જરૂરી છે કે ભારત પાસે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 2 કાંસ્ય પદકો જ હતા. જયારે સોવિયત રશિયા પાસે 18 ગોલ્ડ, અમેરિકા પાસે 6 ગોલ્ડ અને રશિયા પાસે 6 ગોલ્ડ મેડલ હતા અને તે અત્યાર સુધીની સહુથી સફળ ટીમો માનવામાં આવતી હતી. આ ચેસ ઓલમ્પિયાડ ઓલમ્પિક રમતો જેવું જ હોય છે, તેને ચેસની ઓલમ્પિક કહી શકાય. સહુથી પહેલા વર્ષ 1924માં પેરીસ ખાતે 45માં ચેસ ઓલમ્પિયાડનું આયોજન થયું હતું. આ ટુર્નામેન્ટ દર 2 વર્ષે યોજાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં