Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત‘ચૂંટણી વખતે કાર્યકર્તાઓને જમાડ્યા, બિલની ઉઘરાણી કરી તો માર માર્યો’: ચૈતર વસાવા...

    ‘ચૂંટણી વખતે કાર્યકર્તાઓને જમાડ્યા, બિલની ઉઘરાણી કરી તો માર માર્યો’: ચૈતર વસાવા સામે ‘બાળપણના મિત્રએ’ જ નોંધાવી ફરિયાદ, AAP MLA સહિત 21 સામે રાયોટિંગનો ગુનો

    શાંતિલાલ વસાવાના જણાવ્યા અનુસાર, તેઓ નિંઘટ ગામની એક શિવમ પાર્ક હોટેલમાં મેનેજર તરીકે કામ કરતા હતા. લોકસભા ચૂંટણી દરમિયાન ભરૂચ લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાના પ્રચાર માટે આવતા AAP કાર્યકર્તાઓ અને અન્ય માણસોની જમવાની વ્યવસ્થા તેમની જ હોટેલમાં કરવામાં આવી હતી.

    - Advertisement -

    ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ મારામારીનો વધુ એક ગુનો નોંધાયો છે. આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાએ હોટેલના બાકી બિલની ચૂકવણી કરવાનું કહેતાં MLA અને તેમના માણસોએ માર માર્યો હોવાની ફરિયાદ ડેડિયાપાડા પોલીસના ચોપડે નોંધાવી હતી, જેના આધારે ચૈતર વસાવા અને અન્ય પાંચ વ્યક્તિઓ તેમજ 10થી 15 અજાણ્યા વ્યક્તિઓના ટોળા સામે FIR નોંધવામાં આવી છે.

    મામલામાં ફરિયાદી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને ચૈતર વસાવાના મિત્ર છે. શાંતિલાલ વસાવા નામના આ વ્યક્તિ એક હોટેલમાં મેનેજર તરીકે કામ કરતા હતા અને લોકસભા ચૂંટણી વખતે ચૈતર વસાવાનો પ્રચાર કરતા AAP કાર્યકર્તાઓ તેમની જ હોટેલમાં જમવા માટે આવતા હતા. તેમની ફરિયાદ છે કે હોટેલમાં ઘણા સમયથી બિલ બાકી હોઈ તેમણે ચૈતર વસાવાને ફોન કરીને ચૂકવણી કરવાનું કહેતાં તેમણે ઉશ્કેરાઈ જઈને ટોળું લઈને તેમના ઘરે આવીને મારામારી કરી હતી. 

    શાંતિલાલે આ મામલે નર્મદાના ડેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગત 21 સપ્ટેમ્બરના રોજ FIR દાખલ કરી હતી. જેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. 

    - Advertisement -

    શું છે સમગ્ર મામલો? 

    FIRમાં શાંતિલાલ વસાવાએ જણાવ્યું છે કે, તેઓ આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે અને ચૈતર વસાવાના બાળપણના મિત્ર પણ છે. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે AAP નેતા સાથે કામ કર્યું હતું અને ત્યારબાદ પણ અનેક કાર્યક્રમોમાં તેઓ પાર્ટીના કે MLAના કામ માટે જતા હતા. 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૈતર વસાવાને ભરૂચ લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવતાં તેમણે તેમના માટે પણ પ્રચાર કર્યો હતો. 

    શાંતિલાલ વસાવાના જણાવ્યા અનુસાર, તેઓ નિંઘટ ગામની એક શિવમ પાર્ક હોટેલમાં મેનેજર તરીકે કામ કરતા હતા. લોકસભા ચૂંટણી દરમિયાન ભરૂચ લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાના પ્રચાર માટે આવતા AAP કાર્યકર્તાઓ અને અન્ય માણસોની જમવાની વ્યવસ્થા તેમની જ હોટેલમાં કરવામાં આવી હતી. ચૂંટણી પ્રચારમાં સામેલ કાર્યકર્તાઓ તેમની હોટેલ પર આવીને જમતા હતા અને તેની નિયમિત નોંધણી થતી હતી. 

    ફરિયાદીનું કહેવું છે કે ચૂંટણી દરમિયાન માર્ચ, 2024માં તેમણે ચૈતર વસાવાને ₹50,000 ખર્ચ થયેલ હોવાનું જણાવતાં તેમણે પહેલાં ₹30,000 રોકડા અને ત્યારબાદ ₹20,000 ઓનલાઈન માધ્યમથી ચૂકવ્યા હતા. પરંતુ લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ હોટેલ માલિકોએ હિસાબ કરતાં કુલ રકમ ₹1,28,720નું બિલ બન્યું હતું. જેની બાકી રકમ ચૂકવવા માટે પછીથી તેમણે ચૈતર વસાવાને જાણ કરી હતી, પરંતુ પછીથી AAP નેતાએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. 

    શાંતિલાલ વસાવાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચૈતર વસાવાએ બિલ ન ચૂકવતાં બાકીની રકમ તેમના પગારમાંથી કાપી લેવામાં આવી હતી અને પછીથી નોકરી પણ છૂટી ગઈ હતી. ત્યારબાદ પોતાને પૈસાની જરૂરિયાત હોઈ ઘણી વખત MLAનો સંપર્ક કરવાના પ્રયાસ કાર્ય હતા, પરંતુ ચૈતર વસાવાએ વાત કાને ધરી ન હતી. જેથી ગત 16 સપ્ટેમ્બરના રોજ તેમણે અજાણ્યા નંબર પરથી MLAને ફોન કરીને બાકી રકમ ચૂકવવા માટે જણાવ્યું હતું.

    ફરિયાદીનો આરોપ છે કે બિલ ચૂકવવાનું કહેતાં જ ચૈતર વસાવા ઉશ્કેરાઈ ગયા અને ‘શેના રૂપિયા? મેં મારો હિસાબ ચૂકવી દીધેલ છે અને હવે કોઈ રકમ બાકી નથી’ તેમ કહીને ફોન મૂકી દીધો હતો અને ત્યારબાદ ટોળું લઈને તેમના ઘરે ધસી ગયા હતા. 

    FIR અનુસાર, 16 સપ્ટેમ્બરની સાંજે ચૈતર વસાવાએ પોતાના અન્ય માણસો સાથે શાંતિલાલ વસાવાના ઘરે જઈને બબાલ કરી હતી અને શાંતિલાલને લાફા મારી દીધા હતા અને પોતાના માણસો પાસે માર મરાવ્યો હતો. આરોપ છે કે ટોળાના માણસોએ તેમને ગાળો ભાંડીને ફરી પૈસાની માંગણી કરવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

    ડેડિયાપાડા પોલીસે નોંધ્યો ગુનો 

    સમગ્ર મામલે શાંતિલાલ વસાવાએ ડેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે 21 સપ્ટેમ્બરે ચૈતર વસાવા, જીતુ વસાવા, ધર્મેશ વસાવા, માધુ સિંઘ વસાવા, શિવરામ વસાવા અને ધમા વસાવા તેમજ અન્ય પંદર વ્યક્તિઓના ટોળા વિરુદ્ધ FIR દાખલ કરી હતી. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 189(2), 190, 191(2), 191(3), 115(2), 352, 351(2), 351(3), 61(2)(a) હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમાંથી કલમ 190, 191 રાયોટિંગને લગતી છે.

    ડેડિયાપાડા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર પી. જી પંડ્યાએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં FIR નોંધાયાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે, હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. જોકે, હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું નથી. 

    હું પણ આદિવાસી સમુદાયનો જ વ્યક્તિ, મને ન્યાય જોઈએ છે: શાંતિલાલ 

    ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ફરિયાદી શાંતિલાલ વસાવાએ પુષ્ટિ કરી કે તેઓ ચૈતર વસાવાને અગાઉથી ઓળખે છે અને આમ આદમી પાર્ટીના પણ સક્રિય કાર્યકર રહ્યા છે. તેમણે કહ્યું કે, હોટેલ માલિકોએ પછીથી બિલની બાકી રકમ તેમના પગારમાંથી કાપી લીધી હતી અને પછીથી નોકરી પણ છૂટી ગઈ હતી. હોટેલને તો રકમ મળી ગઈ, પરંતુ પછીથી તેમને પૈસાની તાણ ઊભી થતાં ચૈતર વસાવાને બિલ ચૂકવવા માટે કહ્યું હતું, પણ તેમણે ફોન ઉપાડવાના જ બંધ કરી દીધા હતા. આખરે જ્યારે અજાણ્યા નંબર પરથી તેમણે સંપર્ક કર્યો તો ઉશ્કેરાઈ જઈને ઘરે આવીને ધમાલ અને મારામારી કરી હતી. 

    સમગ્ર આમ આદમી પાર્ટી હાલ ચૈતર વસાવાનો પક્ષ લઈને પોતાને ખોટા સાબિત કરવાના પ્રયાસ કરી રહી હોવાનું કહીને તેમણે ઉમેર્યું કે, તેઓ આ બાબતમાં સાચા જ છે અને માત્ર જે બાકી રકમ છે તે જ ચૂકવવા માટે કહ્યું હતું, પરંતુ એટલા ખાતર તેમની સાથે મારામારી કરવામાં આવી. 

    તેમણે એમ પણ કહ્યું કે, ચૈતર વસાવા આદિવાસી સમુદાય માટે અવાજ ઉઠાવતા રહેતા હોય છે, પણ પોતે પણ એ જ સમુદાયમાંથી આવે છે. સાથે એમ પણ જણાવ્યું કે, ચૈતર જ્યારે જેલમાં હતા ત્યારે પણ પોતે સતત તેમની પડખે ઊભા રહ્યા અને કેજરીવાલની નેત્રંગમાં સભા થઈ ત્યારે પણ પાર્ટી માટે બહુ કામ કર્યું હતું, તે પહેલાં પણ ચૈતર વસાવા માટે પોતે બહુ કામ કર્યું હતું અને એક રીતે નોકરી પણ એટલા માટે જ છૂટી કારણ કે તેઓ કામના સમયે પાર્ટીના પ્રચાર માટે જતા હતા. પરંતુ તેમ છતાં તેમની સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો.

    શાંતિલાલે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈના દબાણ હેઠળ આ ફરિયાદ નોંધાવી રહ્યા નથી અને માત્ર પોતાને ન્યાય જોઈએ છે. તેમણે પોલીસ તંત્ર અને સરકાર સમક્ષ મામલામાં યોગ્ય અને તટસ્થ તપાસ કરીને ન્યાયની માંગણી કરવા માટે અપીલ કરી હતી. 

    ઑપઇન્ડિયાએ સમગ્ર મામલે ચૈતર વસાવાનો પક્ષ જાણવા તેમનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ સ્થાપિત થઈ શક્યો નહીં. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં