કાર્યક્રમમાં PM મોદીએ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કર્યું હતું. ત્યારબાદ થીમ પેવેલિયનની પણ મુલાકાત લીધી હતી. જ્યાં અલગ-અલગ કારીગરોએ તેમણે બનાવેલી કલાકૃતિઓ પ્રદર્શિત કરી હતી. PM મોદીએ કેટલાક કલાકારો સાથે વાતચીત પણ કરી હતી તથા એક ‘વિશ્વકર્મા’ પાસેથી ભગવાન જગન્નાથની મૂર્તિ ખરીદી. આ કલાકૃતિનું પેમેન્ટ QR કોડ સ્કેન કરીને UPI દ્વારા ડિજિટલ રીતે ચૂકવ્યું હતું.
એક વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં વડાપ્રધાન એક સ્ટોલ પરથી મૂર્તિ ખરીદતા અને ડિજિટલ પેમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.
#WATCH | Prime Minister Narendra Modi purchases an idol of Lord Jagannath and pays digitally at the National ‘PM Vishwakarma’ Programme exhibition, in Wardha, Maharashtra
— ANI (@ANI) September 20, 2024
(Source: DD News) pic.twitter.com/2scpwbb0gd
ઉલ્લેખનીય છે કે PM મોદીએ મહારાષ્ટ્રના વર્ધા ખાતે વિશ્વકર્મા યોજનાની વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ઈન્ડિયા પોસ્ટ દ્વારા પ્રકાશિત એક સ્મારક સ્ટેમ્પનું અનાવરણ કર્યું હતું. ઉપરાંત PM વિશ્વકર્મા યોજનાના 1 લાખથી વધુ લાભાર્થીઓને ડિજિટલ આઈડી કાર્ડ અને ડિજિટલ કૌશલ્ય પ્રમાણપત્રો પણ આપ્યાં હતાં.
75,000 લાભાર્થીઓને લૉન મંજૂરી પત્રો આપ્યા
આ ઉપરાંત PM મોદીએ 75,000 લાભાર્થીઓ માટે ડિજિટલ લોન મંજૂરી પત્રો પણ બહાર પાડ્યા હતા. PM મોદી દ્વારા વિશ્વકર્મા યોજનાના 18 લાભાર્થીઓને લોનના ચેકનું સ્થળ પર વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે, “આ પહેલથી અસંખ્ય કારીગરો પર સકારાત્મક અસર પડી છે, તેમના કૌશલ્યને જાળવી રાખવામાં અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.” તેમણે કારીગરોને આ યોજનાનો લાભ લઈને ઉદ્યોગસાહસિક બનવા અપીલ કરી હતી.
‘પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોલકર મહિલા સ્ટાર્ટઅપ યોજના’નો શુભારંભ
નોંધનીય છે કે કેન્દ્ર સરકાર સ્ટાર્ટઅપને ખૂબ મહત્વ આપી રહી છે. ત્યારે આ ક્ષેત્રે PM મોદીએ ‘પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોલકર મહિલા સ્ટાર્ટઅપ યોજના’ પણ શરૂ કરી હતી. જે અંતર્ગત મહારાષ્ટ્રમાં મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવામાં આવશે. આ યોજના હેઠળ પાત્ર સ્ટાર્ટઅપ્સને 25 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
‘આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્ર’ની શરૂઆત
આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારની ‘આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્ર’ યોજના પણ બહાર પાડી હતી. આ યોજનાનો હેતુ રાજ્યભરની જાણીતી કોલેજોમાં કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રો સ્થાપવાનો છે. તથા 15 થી 45 વર્ષની વયના યુવાનોને તાલીમ આપીને આત્મનિર્ભર બનવા તેમજ રોજગારની વિવિધ તકો પ્રાપ્ત કરવામાં મદદ કરવાનો છે. મહત્વની બાબત છે કે રાજ્યભરમાં વાર્ષિક લગભગ 1,50,000 યુવાનોને કૌશલ્ય વિકાસની તાલીમ મફતમાં મળશે.