બાંગ્લાદેશની નવી વચગાળાની સરકારે દુર્ગા પૂજાની ઉજવણી કરતા હિંદુઓ પર નવાં નિયંત્રણો લાદ્યાં છે. જે અનુસાર, અજાન પહેલાં અને નમાજ દરમિયાન તેમણે ધાર્મિક પ્રવૃત્તિઓ સ્થગિત કરવાની રહેશે અને આ દરમિયાન લાઉડસ્પીકરો પર ભજન કે અન્ય શ્લોક વગેરે વગાડી શકાશે નહીં. મંગળવારે (1૦ સપ્ટેમ્બર) બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયે આ બાબતની જાણકારી આપી હતી.
નોંધવું જોઈએ કે આગામી 9 ઑક્ટોબરથી દુર્ગા પૂજાનો તહેવાર શરૂ થશે. પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં આ તહેવારનું ઘણું મહત્વ છે અને હિંદુઓ ભાવભક્તિથી ઉજવણી કરતા હોય છે. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર પડી ભાંગ્યા બાદ કટ્ટરપંથી ઇસ્લામીઓ દ્વારા હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને હવે દુર્ગા પૂજા તહેવાર આવી રહ્યો છે ત્યારે તેમની ઉપર વધુ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યાં છે. આ બાબતની પુષ્ટિ ગૃહ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ જહાંગીર આલમે કરી હતી.
તેમણે કહ્યું કે, પૂજા સમિતિઓને અજાન અને નમાજ દરમિયાન સાઉન્ડ સિસ્ટમ અને સંગીત સાધનો બંધ રાખવા માટે જણાવવામાં આવ્યું છે. જેની ઉપર સમિતિઓએ પણ સહમતિ દર્શાવી છે. તેમણે વધુમાં જાણકારી આપતાં જણાવ્યું હતું કે, દેશભરમાં કુલ 32,666 પૂજા મંડપ બાંધવામાં આવી રહ્યા છે, જેમાંથી 157 મંડપ ઢાકા સાઉથ સિટી અને 88 મંડપ નોર્થ સિટીમાં હશે. ઢાકા બાંગ્લાદેશની રાજધાની છે.
બાંગ્લાદેશના ગૃહ મંત્રીએ આગળ કહ્યું કે, “પૂજા મંડપમાં 24 કલાક સુરક્ષા કઈ રીતે સુનિશ્ચિત કરી શકાય તે માટે અમે ચર્ચા કરી છે. કોઈ પણ પ્રકારની અડચણ વગર પૂજા સંપન્ન થાય અને ‘અસામાજિક તત્વો’ની ગેરકાયદેસર ગતિવિધિઓ ન થાય તે માટે યોગ્ય પગલાં લેવામાં આવશે.” આ અસામાજિક તત્વો કોણ છે તે જોકે તેમણે ફોડ પાડ્યો ન હતો.
બાંગ્લાદેશમાં હિંદુઓનાં ઘર-મંદિરો પર થતા હુમલાઓને લઈને બાંગ્લાદેશની નવી સરકાર પર પણ સવાલો ઉઠી રહ્યા છે અને ભારત સરકાર તરફથી PM મોદી પણ મુદ્દો ઉઠાવી ચૂક્યા છે. આ બધા વચ્ચે ત્યાંની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ ‘સાંપ્રદાયિક સૌહાર્દ’ની વાત કરી રહ્યા છે. બુધવારે તેમણે કહ્યું હતું કે, “બાંગ્લાદેશ સાંપ્રદાયિક સૌહાર્દનો દેશ છે અને કોઇને પણ ધાર્મિક શાંતિને અસર થાય તેવાં કૃત્યો કરવાની પરવાનગી હશે નહીં અને કોઇને પણ કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી.”
જોકે, એ વાત પણ અલગ છે કે સરકારની આવી વાતો છતાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાઓનું પ્રમાણ વધી જ રહ્યું છે. તાજેતરમાં જ એક હિંદુ યુવક પર ઈશનિંદાનો આરોપ લગાવીને ટોળાએ મારપીટ કરી હતી. પોલીસે તેને મૃત ઘોષિત કરીને ટોળું વિખેર્યું ન હોત તો તેનું લિન્ચિંગ થઈ ગયું હોત. હાલ તે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે.